Abtak Media Google News

Table of Contents

એક્ઝિટ પોલ જાહેર: ભાજપને 133, કોંગ્રેસને 40, આપને 8 અને અન્યને 1 બેઠક મળવાનો અંદાજ

વર્ષ 2002માં ભાજપે  127 બેઠક અને કોંગ્રેસે 51 બેઠકો કબ્જે કરી હતી: વર્ષ 2017માં ભાજપે 99 અને કોંગ્રેસે 77 બેઠકો મેળવી હતી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હવે સૌની નજર તા.8એ મતગણતરી ઉપર છે.આ દરમિયાન ગઈકાલે સાંજે વિવિધ એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા છે. જેમાં ભાજપને 133, કોંગ્રેસને 40, આપને 8 અને અન્યને 1 બેઠક મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતદાન ભાજપને નુક્સા કરશે એવું રાજકીય પંડિતોનું માનવું હતું. ગુજરાતમાં બંને તબક્કામાં ઓછું જ મતદાન થયું એટલે ભાજપના ઉમેદવારો મુંઝવણમાં મુકાયા હતા કે ક્યાંક પરિણામ ક્યાંક વિરપિત ન આવે. પણ એક્ઝિટ પોલના આંકડાઓએ ભાજપના ઉમેદવારોને હૈયે ધરપત આપી છે. એટલે આશ્ચર્ય પણ છે કે ગુજરાતમાં ઓછું મતદાન છતાં એક્ઝિટ પોલના આંકડાઓમાં ભાજપને સવાસોથી વધારે સીટ મળવાનું અનુમાન છે. બીજી વાત, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપને સૌથી વધારે સીટ 2002માં 127 આવી હતી.

આ આંકડાનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદી અવાર-નવાર કહેતા આવ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડશે. આજે જે આંકડા સામે આવ્યા તેમાં રેકોર્ડ તૂટવાની શક્યતા સેવાઈ રહી છે ગઈકાલે સાંજે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા તેમાં ન્યૂઝ એજન્સીઓએ ભાજપ સરકારને સ્પષ્ટ બહુમતી આપી છે. તમામ ન્યુઝ એજન્સીના એક્ઝિટ પોલના આંકડાનો સરેરાશ જોઈએ તો ભાજપને 133, કોંગ્રેસને 40, આપને 8 અને અન્યને 1 બેઠક મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

જ્યારે તમામ એક્ઝિટ પોલના વોટ શેરનો સરેરાશ જોઈએ તો ભાજપને 47 ટકા, કોંગ્રેસને 29.3 ટકા, આપને  17.7 ટકા અને અન્યને 6 ટકાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બીજી તરફ વર્ષ 2017નું ચિત્ર જોઈએ તો ભાજપે ત્યારે 99 બેઠકો કબ્જે કરી હતી. જ્યારે કોંગ્રેસે 77 બેઠક અંકે કરી હતી. વર્ષ 2002 ભાજપ માટે ખૂબ સારું રહ્યું હતું. ત્યારે ભાજપે 127 બેઠક અને કોંગ્રેસે 51 બેકો કબ્જે કરી હતી. આમ જો એક્ઝિટ પોલના આંકડા સાચા ઠરે છે તો ભાજપ વર્ષ 2002ના રેકોર્ડ તોડશે.ફ

બીજા તબક્કામાં પણ મતદાનમાં 4 ટકાનો ઘટાડો

14 જિલ્લાઓમાં વર્ષ 2017માં 68.07 ટકા મતદાન થયું હતું, તેની સામે આ વખતે 65.39 ટકા મતદાન થયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ અને આ સાથે જ તમામ 182 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. જો કે પ્રથમ અને બીજા તબક્કાના મતદાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે બીજા તબક્કાના મતદાનની વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમાં 64.39 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણીની સાપેક્ષે અંદાજે 4 ટકા જેટલો મતદાનમાં ઘટાડો થયો છે.

બીજા તબક્કાના 14 જિલ્લાઓના મતદાનના આંકડા જોઈએ તો અમદાવાદમાં 58.32 ટકા, આણંદમાં 67.80 ટકા, અરવલ્લીમાં 67.55 ટકા, બનાસકાંઠામાં 71.40 ટકા, છોટા ઉદેપુરમાં 64.67 ટકા, દાહોદમાં 58.41 ટકા, ગાંધીનગરમાં 65.66 ટકા, ખેડામાં 67.96 ટકા, મહેસાણામાં 66.40 ટકા, મહીસાગરમાં 60.98 ટકા, પંચમહાલમાં 67.86 ટકા, પાટણમાં 65.34 ટકા, સાબરકાંઠામાં 70.95 ટકા અને વડોદરામાં 63.81 ટકા મળી કુલ 64.39 ટકા મતદાન થયું છે.

જ્યારે વર્ષ 2017માં અમદાવાદમાં 66.69 ટકા, આણંદમાં 71.82 ટકા, અરવલ્લીમાં 70.44 ટકા, બનાસકાંઠામાં 75.92 ટકા, છોટા ઉદેપુરમાં 69.84 ટકા,  દાહોદમાં 66.84 ટકા, ગાંધીનગરમાં 72.03 ટકા, ખેડામાં 72 ટકા, મહેસાણામાં 72.55 ટકા, મહીસાગરમાં  66.86 ટકા, પંચમહાલમાં 70.96 ટકા, પાટણમાં 69.67 ટકા, સાબરકાંઠામાં 76.12  ટકા અને વડોદરામાં 72.58 ટકા મળી કુલ 68.07  ટકા મતદાન થયું છે. વર્ષ 2022 અને વર્ષ 2017ના મતદાનનો તફાવતનો આ આંકડો આમ તો નાનો છે, પણ રાજકીય પક્ષોની ઊંઘ ઉડાવનારો છે, અને ખાસ કરીને સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે આ બાબત ઘણો ચિંતાનો વિષય બની ગયો છે. કારણકે આ ઓછું મતદાન સમીકરણો બદલી શકે છે અને એવું જોવામાં પણ આવ્યું છે કે જયારે જયારે મતદાન ઘટ્યું છે ત્યારે ભાજપની બેઠકો ઘટી છે.

લોસ્ટ વોટ લોકશાહીની સૌથી મોટી સમસ્યા મતદાનને ફરજીયાત કરવું જોઈએ: આનંદીબેન પટેલ

લોસ્ટ વોટ એ લોકશાહીની મોટી સમસ્યા છે. જેને લઈને હવે ડિજિટલ મતદાનની આશા પણ સેવાઈ રહી છે. ત્યારે યુપીના ગવર્નર આનંદીબેન પટેલે સોમવારે મતદાનને ફરજિયાત  બનાવવાની હાકલ કરી હતી. કારણ કે એક મત તે દેશના વિકાસ અને વૃદ્ધિમાં ફાળો આપે છે.

અમદાવાદના શીલજ વિસ્તારમાં મતદાન કર્યા પછી આ વાત કરતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું: દરેક મતદારે મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જ જોઇએ.  મતદાન દેશ માટે જરૂરી અને મહત્વનું છે.  આ કારણોસર, મતદાન ફરજિયાત હોવું જોઈએ.  તે દેશને સફળ બનાવશે.  આનંદીબેને ઉમેર્યું હતું કે મતદાન એક અધિકાર છે, દરેક મતદારે તેનો ઉપયોગ ભારતને શ્રેષ્ઠ બનાવવા માટે કરવો જોઈએ.

2017માં પાટીદાર અનામત ફેક્ટરના લીધે ગયેલી સીટો ભાજપને પરત મળશે?

ગઇ વિધાનસભાની ચૂંટણીમાં 2017માં પાટીદાર અનામત ફેક્ટરની અસરના કારણે ભાજપ વિરોધી વાતાવરણ હતું અને સરકાર ભીંસમાં મુંકાંઈ ગઈ હતી. ભાજપને બહુમતી મળી હતી. પણ અનેક સીટો ગુમાવી પડી હતી. 2017માં ભાજપને માત્ર 99 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરના કારણે જ ભાજપને અનેક બેઠકો ઉપર હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ આવી બેઠકો પરત મેળવશે કે કેમ તેની ઉપર સૌની મીટ છે.

આપની એન્ટ્રી આવનાર સમયમાં ભાજપ-કોંગ્રેસની મુશ્કેલી વધારશે?

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સતાવર એન્ટ્રી બાદ હવે રાજકારણમાં પણ સક્રિયતા વધી છે. કારણકે પ્રથમ ચૂંટણીમાં જ તેનો સારો એવો વોટ શેર મેળવવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ વખતે ગુજરાતની તમામ 182 સીટો પર ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ લડે છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને એનસીપીના ત્રણેક ઉમેદવારો લડતા હતા પણ ત્રીજી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે પરિણામમાં નવા સમીકરણો સામે આવશે એ એક્ઝિટ પોલ પરથી સમજાય છે.

હિમાચલની તાસીરમાં પરિવર્તનના અણસાર, ભાજપનું પુનરાવર્તન થશે?

હિમાચલ પ્રદેશની તાસીર છે કે ત્યાં વિધાનસભામાં કોઈ પક્ષનું પુનરાવર્તન થતું નથી. પણ એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે હવે હિમાચલની આ તાસીરમાં પરિવર્તન આવશે. અહીં  છેલ્લી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. 2017ની હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 68માંથી 44 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી.

ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે. પરંતુ તે પહેલાં હિમાચલ પ્રદેશમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક્ઝિટ પોલના આંકડામાં ટક્કર જોવા મળી રહી છે. હિમાચલમાં પી- એમએઆરકયુ મુજબ ભાજપને 34થી39, કોંગ્રેસને 28થી33 અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી શકે છે. જ્યારે ઇટીજી મુજબ ભાજપને 38 કોંગ્રેસને 28 અને આમ આદમી પાર્ટીનું ખાતુ નહીં ખુલે તેવું તારણ રજુ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.