Abtak Media Google News

એલસીબીના બંને કોન્સ્ટેબલોએ 3 માસમાં 600 વખત આઇપીએસ સહિતના અધિકારીઓના લોકેશન કઢાવ્યા’તા

ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલ સ્ટેટ મોનીટરીંગ સેલના 15 પોલીસ અધિકારીના લોકેશન બુટલેગરોને વેચતા ઝડપાતા પોલીસબેડામાં ચકચાર મચી ગયો છે. જેમાં એસ.એમ.સી.અને ભરૂચ જિલ્લા પોલીસ વડાની તપાસમાં બુટલેગરોને આઇપીએસ સહિત 15 પોલીસ કર્મીના મોબાઈલ લોકેશન આપતા બે કોન્સ્ટેબલનો ભાંડો ફુટયો હતો.

ભરૂચ પોલીસવડા ડો.લીના પાટીલે ટેક્નિકલ સર્વેલન્સમાં બુટલેગરો માટે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મયુર અને અશોકને સસ્પેન્ડ કર્યા હતા. બંને કોન્સ્ટેબલએ 3 મહિનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ સહિતના પોલીસ કર્મીઓના 600 વખત લોકેશન કઢાવ્યાની જાણકારી બહાર આવી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની રાજ્યમાં એક બાદ એક નિષ્ફળ જતી રેઇડમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ કોન્સ્ટેબલની વરવી ભૂમિકાનો ભાંડો ફૂટતા ગુજરાત પોલીસમાં સોપો પડી ગયો છે. ભરૂચ એલ.સી.બી.માં ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર અને અશોક બુટલેગરોને પોલીસના લોકેશન આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સ્ટેટ મોનિટીરિંગ સેલના કેમિકલ માફિયા અને બુટલેગરો ઉપર મોટા દરોડા નિષ્ફળ જતા સ્ટેટ મોનીટરીંગ સેલને શંકા ગઈ હતી. જેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને કરાયો હતો. એસ.એમ.સી.ના પોલીસ અધિકારીના લોકેશન ભરૂચના બે કોન્સ્ટેબલ બુટલેગરોને શેર કરતા હોવાનું ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ અને સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાની તપાસમાં બહાર આવ્યું હતું. બન્ને કોન્સ્ટેબલ અને સર્વેલન્સ વિભાગની ગુપ્ત રાહે તપાસમાં આ બંને કોન્સ્ટેબલ પોલીસની જ જાસૂસી કરી બુટલગરોને વેંચતા હોવાની વિગતો સામે આવતા ગુજરાત પોલીસ વિભાગ હચમચી ગયું છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે બન્ને કોન્સ્ટેબલ મયુર અને અશોકને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ સાથે વધુ તપાસના આદેશો જારી કર્યા હોવાની વિગતો બહાર આવી છે. આ બન્ને કોન્સ્ટેબલે 3 મહિનામાં જ આઇપીએસ સહિત 15 જેટલા પોલીસ અધિકારીઓના 600 વખત મોબાઈલ લોકેશન કઢાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.

ત્યારે આ પોલીસના મોબાઈલ લોકેશન આપવાનું કાંડ કેટલા સમયથી ચાલતું હતું. કેટલા બુટલેગરોને માહિતી વેચાય અન્ય કેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આ સમગ્ર પોલીસ દ્વારા જ પોલીસની જાસૂસી કાંડમાં સામેલ હતા સહિતની વિગતો આગામી સમયમાં સમગ્ર ગુજરાત પોલીસમાં ખળભળાટ મચાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.