Abtak Media Google News
  • સાત માસથી ધમધમતાં દારૂના ગોડાઉન મામલે સ્થાનીક પોલીસને ઉંઘતી રાખી એસએમસીએ પાડયો’તો દરોડો

મોરબીના લાલપર ગામે એક ગોડાઉનમાં દરોડો પાડી સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂની 61 હજારથી વધુ બોટલ ઝડપી 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જયારે 11 શખ્સોને ભાગેડું જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા સાતેક માસથી આ સ્થળેથી દારૂનો વેપલો કરવામાં આવતો હતો. ત્યારે સ્થાનિક પોલીસ અને એલસીબીને ઊંઘતી રાખી એસએમસીએ રેઇડ કરતા એલસીબી પી.આઈ. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સાન્વી ટ્રેડિંગ નામની ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા 20 તારીખે રાત્રીના સમયે રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 61,152 દારૂની બોટલો જેની કિંમત 1.51 કરોડ રૂપિયાનો દારૂ તેમજ બે ટ્રક, બે બોલેરો અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ મળીને 2.20 કરોડનો મુદામાલ કબ્જે કરીને 10 આરોપીઓને પકડવામાં આવેલ હતા અને મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને 21 આરોપીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ ઘટનાના પડઘારૂપે હાલમાં રાજ્યના પોલીસ વડા દ્વારા મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવેલ છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ લાલપર એસ્ટેટમાં સાન્વી ટ્રેડિંગ નામના ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા તા.20ના રાતે રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપરથી અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ દ્વારા ગોડાઉનને ભાડે રાખવામાં આવ્યું હોવાનુ અને રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે સંપર્કમાં રહીને દારૂનો જથ્થો મંગાવી અમદાવાદનો બુટલેગર રાજસ્થાનના બુટલેગરો સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો મોરબી જીલ્લામાં કરી રહ્યો હતો. આ ગોડાઉનેથી જીમિત પટેલ અને તેની ગેંગ દ્વારા દારૂનો જથ્થા હળવદ, વાંકાનેર, થાન ચોટીલા અને મોરબી વિસ્તારમાં સપલાઈ કરવામાં આવતો હતો.

આ ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી રમેશ પુંજા પટણી (ઉ.વ.37) રહે. ચિત્રોડા, તાલુકો રાપર કચ્છ, ખીયારામ ઉર્ફે ખીવારાજ રોનારામ જાટ (ઉ.વ.27) રહે બાડમેર, રાજસ્થાન, ગંગાપ્રસાદ રામપ્રસાદ કેવટ (ઉ.વ.22) રહે. શ્રીરામ ગોડાઉન લાલપર મોરબી, મુકેશ માલા ગમારા (ઉ.વ.32) રહે માથક હળવદ, જગસેન હરિલાલ કેવટ (ઉ.વ.32) રહે. શંકરગઢ મધ્યપ્રદેશ, શિવકરણ નર્મદાપ્રસાદ કેવટ (ઉ.વ.20) રહે. શ્રીરામ ગોડાઉન લાલપર, આકાશ સત્યનારાયણ કેવટ (ઉ.વ.20) રહે. શ્રી રામ ગોડાઉન, સતેન્દ્રકુમાર રામમિલન કેવટ (ઉ.વ.21) રહે હેવા મધ્યપ્રદેશ, વિનોદકુમાર દુર્ધજન લાલ કેવટ (ઉ.વ.30) રહે. હેવા મધ્યપ્રદેશ, રવિશંકર રામલખન કેવટ (ઉ.વ.22) રહે.રેવા મધ્યપ્રદેશની ધરપકડ કરાઈ છે. અને હાલમાં મોરબીમાં જે રેડ દરમ્યાન એસએમસીબની ટીમે ગોડાઉનમાંથી 1,51,10,340ની કિંમતની 61,152 દારૂની બોટલ, અઢી લાખની રોકડ, 70 હજારની કિંમતના 10 મોબાઈલ ફોન, બે ટ્રક, બે બોલેરો પીકઅપ વાહન, એક કાર મળી 66.50 લાખ અને કુલ મળીને 2,20,90,440 નો મુદામાલ કબ્જે કરેલ હતો.

ઉલેખનીય છે કે, મોરબી નજીક પાંચ મહિનાથી ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલ (રહે. હરિપાર્ક સોસાયટી સુખરામનગર, ગોમતીપુર અમદાવાદ, રાજસ્થાનના રાજારામ મારવાડી અને ભરત મારવાડી તેમજ ઉમેશ બેનીવાલ, થાનનો મેહુલ અને સુખપરના રાજુ મુસ્લીમ નામનો વ્યકિતઑ તેમજ જે વાહનોને કબ્જે લેવામાં આવેલ છે. તેના માલિકોની પણ શોધખોળ કરવામાં આવી રહી હતી અને  મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને 21 શખ્સોની સામે ફરિયાદ નોંધાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ચૂંટણી જાહેર થઈ ગયા બાદ કોઈપણ જગ્યાએથી દારૂનો મોટો જથ્થો પકડાય કે કોઈ મોટી રોકડ પકડાય તો તે અંગેની જાણ ચૂંટણી પંચને કરવાની થતી હોય છે ત્યારે મોરબી નજીક લાલપર ગામ પાસે ગોડાઉનમાંથી અમદાવાદના લીસ્ટ બુટલેગર જીમિત પટેલનો 1.51 કરોડ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પકડાયો હતો. જેથી કરીને આ અંગેની જાણ ચૂંટણી પંચને કરવામાં આવી હતી અને ત્યારબાદ પંચના આદેશ મુજબ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા હાલમાં મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ.વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.