Abtak Media Google News

પ્રતિમા માટે જમીનનો સર્વે પણ શરૂ કરી દેવાયો, આંતરરાષ્ટ્રીય ક્ધસલ્ટન્ટની પણ મદદ લેવાશે : ભગવાન કૃષ્ણની પ્રતિમાને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની સરકારની યોજના

દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની યોજનાને સરકારે ગતિ આપી રહી છે. આ પ્રોજેક્ટના પ્રારંભિક કાર્યને પૂરું કરવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં હાઈ-લેવલની કમિટીની રચના કરવામાં આવી છે, પ્રતિમાનો શિલાન્યાસ આ વર્ષના અંતમાં કરવામાં આવશે. 2022માં રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઢંઢેરામાં આપવામાં આવેલા કેટલાક મુખ્ય વચનોમાંથી આ એક હતું. સરકારે દ્વારકા મંદિરની નજીકની જમીનનો સર્વે પણ શરૂ કરી દીધો છે, જ્યાં ભગવાન કૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

દ્વારકા મંદિર દરિયાકિનારે આવેલું છે અને પ્રસ્તાવિત પ્રતિમાનું સ્થળ પવન, ચક્રવાત અને દરિયાકાંઠાના ધોવાણના સંપર્કમાં હોવાથી સ્થળને અંતિમ રૂપ આપવા માટે ટૂંક સમયમાં નિષ્ણાતોને આ કાર્યમાં જોડવામાં આવશે. ’હાઈલેવલ કમિટીમાં નાણા, મહેસૂલ, માર્ગ અને મકાન, પ્રવાસન તેમજ અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સમિતિ પ્રોજેક્ટના તમામ પ્રાથમિક પાસાઓને જોશે અને સંભવિત સ્થાનો સૂચવશે, જ્યાં ભગવાન કૃષ્ણની પ્રતિમા ઉભી કરવામાં આવશે. શિલાન્યાસ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે તેવી શક્યતા છે’

કૃષ્ણની પ્રતિમાને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાશે

પ્રસ્તાવિત પ્રતિમાની વિશિષ્ટતાઓ પછીથી નક્કી કરવામાં આવશે,. જો કે, સરકારના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા તેમના વિશ્વરૂપના સ્વરૂપમાં હશે. ભગવાન કૃષ્ણની પ્રતિમાને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની સરકારની યોજના છે, ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીની તર્જ પર વિશેષ ઓથોરિટી બનાવવામાં આવશે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રસ્તાવિત પરિસરની આસપાસની જમીનને વિવિધ સુવિધાઓ સ્થાપિત કરવા માટે અનામત રાખવામાં આવશે.

ભગવાન કૃષ્ણના જીવનના વિવિધ તબક્કાઓની ઝાંખી દર્શાવાશે

અહીં ભગવાન કૃષ્ણના જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવાશે, આ સિવાય ભગવદ્ ગીતા ઝોન સિવાય જે જૂનું દ્વારકા હતું તેની ઝાંખી પણ દેખાડાશે. ’સ્થળ નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્ધસલ્ટન્ટને કામમાં જોડવામાં આવશે, પરંતુ આ પહેલા ટેકનિકલ ટીમને સર્વે દરમિયાન દ્વારકા મંદિરની આસપાસ આવેલી ટેકરીઓ અને અન્ય ઊંચા સ્થાનોને શોર્ટલિસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

શિલાન્યાસ સમારોહમાં પીએમ મોદી આપશે હાજરી

અગાઉ, રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, આ વર્ષે જન્માષ્ટમી પર પ્રોજેક્ટનો શિલાન્યાસ સમારોહ પૂર્ણ કરવાનો હેતુ છે, જે 7 સપ્ટેમ્બરના રોજ છે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવશે. 2022ની ગુજરાત વિધાસભાની ચૂંટણી માટેના ભાજપના ઢંઢેરામાં દેવભૂમિ દ્વારકા કોરિડોરને પશ્ચિમ ભારતના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટેનું વચન આપવામાં આવ્યું હતું. મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું કે, કોરિડોરમાં વિશ્વની કૃષ્ણની સૌથી પ્રતિમા, ભગવદ્ ગીતા ઝોન અને જૂના દ્વારકા શહેરની ઝાંખી દેખાડતી ગેલેરી હશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.