Abtak Media Google News

વર્ષ 2022માં 8630 પ્રસૂતિ સરકારી દવાખાનામાં કરાઈ તથા 22,985 બાળકોનું સંપુર્ણ રસીકરણ કરાયું

રાજકોટ જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ માતા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત માતા મૃત્યુદર ઘટાડવાના હેતુસર નિયત લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ છે.રાજ્ય સરકાર દ્વારા માતા મૃત્યુદર ઘટાડવાના આશયથી માતા આરોગ્ય કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અન્વયે સગર્ભાની વ્હેલી નોંધણી, ધનુરની રસી, આયર્ન તથા ફોલીક એસીડની ગોળીઓનો કોર્ષ, દવાખાનામાં સંસ્થાકીય સુવાવડ વગેરે જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જેના કારણે માતાઓમાં બીમારી અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક લાખ સુવાવડે માતા મૃત્યુ દર 100થી નીચે લઇ જવાના લક્ષ્યાંક અન્વયે વર્ષ ર0રર-’23 દરમિયાન ડીસેમ્બર-’રર અંતીત 8630 પ્રસૂતિ સરકારી દવાખાનામાં કરવામાં આવી છે.

બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળ મૃત્યુ દર ઘટાડવા માટે દવાખાનામાં બાળકનો જન્મ થવો, બાળક એક વર્ષનું થાય તે પહેલા સંપુર્ણ રસીકરણ, બાળકને જન્મ બાદ તુરંત જ તેમજ છ માસ સુધી ફકત માતાનું ધાવણ આપવું તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે જિલ્લાના બાળ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બાળ મૃત્યુ દર ઘટાડીને દર 1000 જન્મે 30થી નીચે લઈ જવાના ધ્યેય મુજબ ર0રર-’ર3 દરમિયાન ડીસેમ્બર માસ અંતીત 22,985 બાળકોનું સંપુર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. તેમ આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.