Abtak Media Google News

કહેવાય છે ને કે કુદરતથી મોટું કોઈ નથી. કુદરત ઈચ્છે તો બેશુમાર આપી પણ શકે છે અને કુદરત ઈચ્છે તો પળવારમાં બધું છીનવી પણ લે છે ત્યારે રાજયમાં આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં જે ઘરે લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા તે જ ઘરે મરસીયા ગાવાની સ્થિતિ ઉભી થઇ હતી. આ કરુણાતીકાને લઈને પરિવારનો શોક ગરકાવ થઇ ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ભાવનગર જીલ્લાની છે જ્યાં સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાંચામાં 50 વારિયા વિસ્તારમાં ભરવાડ પરિવારના ઘરે ૨ દીકરીઓને પરણાવવાનો રૂડો અવસર આવ્યો હતો. જીણાભાઈ ભકાભાઈ રાઠોડ એક નહિ પરંતુ ૨ લક્ષ્મીને પારકા ઘેર વળાવવાના હતા. હાથમાં મહેંદી રચાઈ ગઈ હતી. ઘરના આંગણામાં માંડવા બંધાઈ ગયા હતા ત્યારે પિતાનો કાળજા કેરો કટકો ગાંઠથી છુટી ગયો હતો. બે પૈકી એક દીકરીનું હાર્ટ એટેકથી એકાએક મોત થતા સૌ કોઇ શોક સાથે સ્તબ્ધ થઇ ગયા હતા.

ઉપરોક્ત વાત કરી તે મુજબ કુદરતને માટે જે યોગ્ય છે એ લોકોને પણ સ્વીકારવું જ પડે છે ત્યારે જે સાળી બનવાની હતી તેણી પરિણીતા બને તેવું જ કુદરતને મજુર હતું. ઘરમાં ખુશીનો માહોલ હતો લગ્નગીતો ગવાતા હતા ત્યારે અચાનક દીકરીને ચક્કર આવતા તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યારે ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે દીકરીનું એકાએક એટક આવતા નિધન થયું હતુ. ત્યારે દ્વાર પર આવેલી જાન લીલા તોરણે પાછી ન જાય તે માટે નાની દીકરીના લગ્ન મોટી દીકરીના વરસાથે કરવામાં આવ્યા હતા. જ્યાં લગ્નગીતો ગવાતા હતા  ત્યાં મરસીયા ગાવાની સ્થિતિ ઉભી થઈ હતી ત્યારે માતા-પિતાએ ભારે હૃદયે બીજી દીકરીને વળાવી હતી.

આ અંગે ભાવનગરના કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાન લક્ષ્મણભાઈ રાઠોડ જણાવ્યું કે જે ઘટના બની છે તે બહુ જ દુખદાયી છે પરંતુ જાન આવી ગઈ હતી અને દીકરી સાથે જે ઘટના બની હતી તેનાથી પરિવારને આઘાત લાગ્યો હતો. પોતાની નાની દીકરીને વરરાજા સાથે પરણાવી હતી, કે જેથી કરીને જાન પાછી ના જાય.

ભગવાન પણ પરિવારના સભ્યોની અગ્નિ પરિક્ષા લેતો હોય તેમ એક બાજુ દીકરીનું મૃત્યુ તો બીજી બાજુ બીજી દીકરીને પરણાવી ઉપરાંત દીકરાના લગ્ન પણ લેવાઈ ગયા હોવાથી મૃતક દીકરીના નશ્વર દેહને કોલ્ડ સ્ટોરેજમાં રખાયો છે.  આવતી કાલે હજી આ મૃતક બહેનના ભાઇની જાન સિહોર જવાની છે. આ નિર્ણય રાઠોડ પરિવાર તથા પરિવારજનોએ સાથે રહીને લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.