Abtak Media Google News

વહેલા-મોડો ડોલરનો સૂરજ આથમે તો નવાઈ નહિ

એક સમય હતો કે ડોલર જ સર્વસ્વ ગણાતો. પણ આ દિવસો હવે ભૂતકાળ બને તો નવાઈ નહીં. કારણકે હવે રૂપિયાના દિવસો આવ્યા છે. વિશ્વના 16 દેશો રૂપિયામાં વ્યાપાર કરવા માટે સંમત થયા છે. આ ઉપરાંત ભારતના અર્થતંત્ર ઉપર નજર કરીએ તો વૈશ્વિક પડકારો છતાં પણ ભારતનું અર્થતંત્ર અનેક સમસ્યા ઉપજાવતી બાબતો અવગણીને પોતાની ધૂનમાં જ આગળ વધી રહ્યું છે.

ભારતીય રૂપિયો આંતરરાષ્ટ્રીય ચલણ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારત સાથે દુનિયાના ઘણા મોટા દેશો રૂપિયામાં વેપાર કરવામાં સહમત થયા છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા પણ અન્ય દેશો સાથે રૂપિયામાં ભારતનો વેપાર સરળ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 18 દેશોના 60 સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેમાં રશિયા અને શ્રીલંકા જેવા દેશોના નામ સામેલ છે.

ભારતના નાણા રાજ્ય મંત્રી ભગવત કરડે સંસદમાં માહિતી આપી હતી કે આરબીઆઇએ સ્થાનિક અને વિદેશી બેંકોમાં રૂપિયાના વેપાર માટે 18 દેશોના 60 સ્પેશિયલ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવાની મંજૂરી આપી છે. મંત્રી વતી વધુમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં 18 દેશોએ ખાસ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ ખોલ્યા છે. તેમાંથી રશિયા સ્થાનિક ચલણમાં વેપાર કરવા માટે અડગ છે. આ ઉપરાંત કહ્યું કે ભારત હંમેશા રૂપિયામાં નિકાસને સમર્થન આપતું રહ્યું છે.

રશિયા, સિંગાપોર, શ્રીલંકા, બોત્સ્વાના, ફિજી, જર્મની, ગુયાના, ઇઝરાયેલ, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, મ્યાનમાર, ન્યુઝીલેન્ડ, ઓમાન, સેશેલ્સ, તાન્ઝાનિયા, યુગાન્ડા અને યુનાઇટેડ કિંગડમએ ભારતમાં એસઆરવીએ  ખોલવામાં આવ્યા છે.

વિદેશી વેપાર રૂપિયામાં થવાથી ડોલર જેવા વિદેશી ચલણ પર ભારતની નિર્ભરતા ઘટશે. આ સાથે અચાનક વૈશ્વિક ઉથલપાથલની અસર પણ દેશની અર્થવ્યવસ્થા પર ઓછી પડશે. આ ઉપરાંત ભારતીય બેંકોને મોટા આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યાપાર કરવાની તક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.