Abtak Media Google News

સરકારી કચેરી, કંપનીઓ, મોબાઇલ ટાવર સહિત 2314 મોટા બાકીદારો:
340 કરોડના લક્ષ્યાંક સામે 298 કરોડની આવક

 

તમામ સુખ-સુવિધા ભોગવતા શહેરીજનો વેરો ભરવામાં ગુન્હાહિત બેદરકારી દાખવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી મિલકત વેરા પેટે એકપણ રૂપિયો ભરપાઇ ન કરનાર રિઢા બાકીદારોની સંખ્યા 1,72,305 હોવાની કબૂલાત ટેક્સ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. જેની પાસે વેરા પેટે રૂ.671 કરોડ આજની તારીખે બાકી બોલે છે. સરકારી કચેરીઓ, કંપનીઓ, મોબાઇલ ટાવર સહિત 2314 હાથીકદા બાકીદારો છે. જે વારંવાર ટકોર કરવા છતાં વેરા પેટે ફદીયું પણ ચૂકવતા નથી.

વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્ર્નોનો જવાબ તેઓને ટેક્સ બ્રાન્ચ દ્વારા આપવામાં આવ્યો છે. મિલકત વેરાનો ચાલુ વર્ષનો ટાર્ગેટ રૂ.340 કરોડનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેની સામે આજસુધીમાં 298 કરોડની વસૂલાત થવા પામી છે. છેલ્લા ત્રણ વર્ષથી વેરા પેટે એકપણ રૂપિયો ભરપાઇ ન કરનાર બાકીદારોની સંખ્યા 1,72,305 છે. જેમાં સરકારી ખાતાઓ, મોટી કંપનીઓ અને મોબાઇલ ટાવર કંપની સહિત 2314 મોટા બાકીદારોના સમાવેશ થાય છે. જેમને વેરો ભરવા માટે વારંવાર તાકીદ કરવામાં આવે છે. છતાં તેઓ વેરો ભરપાઇ કરતા નથી.

આજે ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 18 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 50 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા વેરા પેટે રૂ.89.45 લાખની આવક થવા પામી છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 10 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 21 મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં બે મિલકત સીલ કરાઇ છે અને 14 મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે. જ્યારે ઇસ્ટ ઝોનમાં 6 મિલકતોને સીલ કરવામાં આવી છે અને 18 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી છે. નાણાકીય વર્ષ પુરૂં થવાના આડે હવે માત્ર 8 દિવસ બાકી રહ્યાં છે ત્યારે ટેક્સના ટાર્ગેટ સુધી પહોંચવા માટે રોજ પાંચ કરોડની વસૂલાત કરવી પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.