Abtak Media Google News

ગુજરાતમાં ૧૫૦થી વધુ બેઠકો જીતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર કરીશું: રૂપાણી.

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વિક્રમી બેઠકો સાથે વિજય તથા ગોવા, મણીપુરમાં પણ સત્તા મળવાથી સમગ્ર ભાજપમાં એક નવા ઉત્સાહ અને વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. ગુજરાતના ભાજપના નેતાઓ માટે તો આ પરિણામો રિતસર બુસ્ટરડોઝ સાબિત થયો છે. અત્યાર સુધી સમયસર વિધાનસભાની ચૂંટણીનો રાગ આલાપનાર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એવી તૈયારી બતાવી હતી કે, વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે આવે તો પણ અમે તૈયાર છીએ, એટલું જ નહીં ઉત્તરપ્રદેશથી શરૂ થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેરનો ગુજરાતને પણ લાભ મળશે. મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ૧૫૦થી વધુ બેઠકો જીતીશું, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપને સત્તા મળી છે એ હકીકત છે, ઉત્તરપ્રદેશથી ઊઠેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેરથી સ્વાભાવિક રીતે ગુજરાતમાં ચૂંટણી વેળા ફાયદો થઇ શકે છે. સમગ્ર દેશમાં ભાજપની તરફેણમાં વાતાવરણ છે. ગુજરાતમાં આ વાયુમંડલનો અને ૧૯૯૮થી ભાજપ સરકારોએ ઉત્તરોત્તર કરેલા વિકાસના કાર્યોનો લાભ ભાજપને મળશે. ચૂંટણીઓ ડિસેમ્બર ૨૦૧૭માં થાય કે તેનાથી વહેલી થાય રાજકીય પક્ષ તરીકે ભાજપ ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તો પણ તૈયાર છે અને તેમાં ૧૫૦થી વધુ બેઠકો પર વિજયી થશે જ, તેવો દ્રઢવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પાટીદાર આંદોલન સહિતના સામાજિક મુદ્દાઓ તેમજ લાંબા સમયથી ભાજપના એકધાર્યા શાસનથી એન્ટી ઇન્કમ્બન્સી જેવા ફેક્ટરનો મોટો પડકાર છે તેવા મુદ્દાનો સીધો સ્વીકાર કરવાને બદલે તેમણે કહ્યું કે, ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી જેવું કંઇ છે નહીં. એ બધું કોંગ્રેસે ઉપજાવી કાઢેલું છે. એવું જ હાર્દિક પટેલ કે બીજા આંદોલનો કરવા વાળા પાછળ પણ કોંગ્રેસ જ દોરીસંચાર કરે છે એ સાબિત થઇ ચૂક્યું છે. જનતા પણ કોંગ્રેસને ઓળખી ચૂકી છે. એટલે તો હમણાં થયેલી સ્થાનિક ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનો સફાયો થયો હતો. એ જ રીતે આગામી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો કરી ભાજપ ૧૫૦ પ્લસ બેઠકો સાથે વિજયી બની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને ગુજરાત ભાજપ સાકાર કરશે, તેવો વધુ એક વખત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અમે અમારા શાસનમાં કોઇ એવું ખોટું કામ કર્યું નથી જેથી પ્રજા વર્ગો નારાજ થાય. અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વિકાસના કામોની વણઝાર પ્રજા સમક્ષ છે એટલે જ નારાજગીનો કોઇ પ્રશ્ન નથી, તેમ કહી રૂપાણીએ ઉમેર્યું કે, અમે જનતાની વચ્ચે રહીને સેવા કરી રહ્યા છીએ અને કેન્દ્રમાં નરેન્દ્રભાઇની સરકાર તથા ગુજરાતમાં હમણાં બજેટમાં જાહેર કરાયેલી વિવિધ જનહિતની યોજનાઓનો અમલ કરી છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છીએ તે બધા કામો સાથે અમે પ્રજા સમક્ષ જઇશું અને અમને વિશ્વાસ છે કે, જનતા ભાજપના વિકાસ મોડેલ પર વિશ્વાસ મુકીને અમને વધુ એક વખત વિજયી બનાવશે. અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્વીકાર્યું કે, ગુજરાત નરેન્દ્ર મોદીનું છે અને નરેન્દ્ર મોદી ગુજરાતના છે. આઝાદી પછી નરેન્દ્ર મોદી સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત થયા છે એમના શ્રેષ્ઠ નેતૃત્વનો સ્વાભાવિક રીતે ગુજરાતની ચૂંટણીમાં લાભ મળવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.