Abtak Media Google News

વિદેશી ધરતી પર થશે વિરાટ સેનાની કસોટી: આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ભોગવી રહેલી ભારત અને નંબર ટુ નું સ્થાન ભોગવી રહેલી સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચેનો મુકાબલો રોમાંચક રહે તેવી ક્રિકેટ પ્રેમીઓને આશ

આઈસીસી ટેસ્ટ ક્રિકેટ રેન્કીંગમાં નંબર વનનું સ્થાન ભોગવી રહેલી ભારતીય ટીમ અને નંબર ટુ નું સ્થાન ભોગવી રહેલી સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે આવતીકાલથી કેપટાઉન ખાતે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી પૈકીનો પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. છેલ્લા ઘણા સમયથી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી વિરાટ સેનાની વિદેશી ધરતી પર કસોટી થશે. બંને ટીમો એકબીજાને ભરી પીવા માટે સજ્જ હોય ક્રિકેટ પ્રેમીઓને એક રોમાંચક જંગ જોવા મળશે. શુકાની વિરાટ કોહલીના નેતૃત્વમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને હાલ આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં નંબર વનનું સ્થાન ધરાવે છે.

શુકાની તરીકે વિરાટ કોહલીએ ટેસ્ટમાં સતત પાંચ બેવડી સદી ફટકારી એક કિર્તીમાન પોતાના નામે સ્થાપિત કર્યો છે. બીજી તરફ ટીમના અન્ય સભ્યો ચેતેશ્ર્વર પુજારા, મુરલી વિજય સહિતના ખેલાડીઓનું પ્રદર્શન પણ ગત વર્ષે ખુબ જ સારું રહ્યું હતું. વર્ષ ૨૦૧૮ની સીઝનનો આરંભ ભારતીય ક્રિકેટ ટીમે પડકારજનક પ્રવાસ સાથે કરી રહી છે. સાઉથ આફ્રિકાના લાંબા પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા આવતીકાલે પ્રથમ ટેસ્ટ મેચ રમવા માટે કેપટાઉનમાં બુલંદ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. હાલ ઓપનરશીખર ધવનનું રમવું અનિશ્ર્ચિત હોવાનું જણાઈ રહ્યું છે. આવામાં ભારતીય ઈનીંગની શ‚આત અજીંકય રહાણે અને મુરલી વિજય કરે તેવું લાગી રહ્યું છે.સામાપક્ષે સાઉથ આફ્રિકાની ટીમને પણ ફટકો પડયો છે. ધુંઆધાર બેટસમેન ફાફ ડયુપ્લેસીસ ટીમની બહાર છે જેના સ્થાને ટીમમાં કિસ મોરીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સાઉથ આફ્રિકાની વિકેટ સામાન્ય રીતે ફાસ્ટ બોલરોને યારી આપવા માટે જાણીતી છે. ડેલ સ્ટેન, રબાડા સહિતના આફ્રિકન બોલરોનો મકકમતાપૂર્વક સામનો કરવો ભારતીય ટીમ માટે મોટો પડકાર બની જશે. બીજી તરફ ટીમ ઈન્ડિયામાં પણ ભુવનેશ્ર્વર કુમાર, મહંમદ સામી અને બુમરાહ જેવા બોલરો સાઉથ આફ્રિકા બેટસમેનોને ભરી પીવા સજ્જ બની ગયા છે. છેલલા ઘણા સમયથી ભારતીય ટીમ ઘર આંગણે અને એશિયન મહાદ્વિપને બાદ કરતા કયાંય બહાર ટેસ્ટ મેચ રમવા ગઈ નથી. આવામાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ ભારતીય ટીમ માટે એક પડકાર બની જશે. શુકાની વિરાટ કોહલી લગ્નના બંધનમાં બંધાયા બાદ પ્રથમ વખત મેદાનમાં ઉતરી રહ્યો હોય વિશ્ર્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર તેના પ્રદર્શન પર રહેશે. હાલ ભારતીય ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં ૧૨૪ પોઈન્ટ સાથે નંબર વનનું સ્થાન ભોગવી રહી છે. ત્યારે ૧૧૧ પોઈન્ટ સાથે સાઉથ આફ્રિકાની ટીમ બીજા નંબરે છે. ભારત ત્રણ ટેસ્ટની શ્રેણીમાં તમામ ત્રણેય ટેસ્ટ હારશે તો પણ નંબર વનનો તાજ ટીમ ઈન્ડિયા પાસે રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.