Abtak Media Google News

આદર્શ રીતે અડધા કલાકની અંદર હોસ્પિટલમાં પહોંચવું યોગ્ય ગણાય છે. મુંબઈમાં લોકોતેમને સારી લાગતી હોસ્પિટલના મોહમાં દૂર જવાનું વિચારે છે અને મોડા પડે છે. આવા સમયે અકલમંદીએમાં છે કે તાત્કાલિક ઇન્ટેન્સિવ કોરોનરી કેર યુનિટ ધરાવતી નજીકની હોસ્પિટલમાં પહોંચો, જેનાથી બચવાની શક્યતા વધે છે. આજે જાણીએ નિષ્ણાતો પાસેથી દરદી મોડા પડવાનાં કારણો

ભારતમાં જ નહીં, દુનિયાભરમાં કોરોનરી આર્ટરી ડિસીઝ મૃત્યુ માટેનું આગવું કારણ ગણવામાં આવે છે. અમુક આંકડાઓ અનુસાર દર ૩૩ સેક્ધડે ભારતમાં એક વ્યક્તિ હાર્ટ-અટેકથી મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ સમગ્ર દુનિયામાં સૌથી વધુ કાર્ડિઍક અરેસ્ટના કેસ ભારતમાં બને છે. મુંબઈમાં તપાસીએ તો ૨૦૧૫ના આંકડાઓ અનુસાર મુંબઈમાં દરરોજ ૮૦ લોકો હાર્ટ-અટેકને લીધે મૃત્યુ પામે છે. હાર્ટ-અટેકને લીધે માણસ ત્યારે મૃત્યુ પામે જ્યારે અટેક ખૂબ જ તીવ હોય અને થોડી જ મિનિટોમાં હાર્ટ પર એની સખત અસર થાય અને વ્યક્તિને બચાવી શકાય નહીં અથવા બીજું કારણ એ છે કે હાર્ટ-અટેકનો દરદી સમયસર હોસ્પિટલમાં ન પહોંચ્યો હોય. જો હાર્ટ-અટેકનો દરદી સમયસર યોગ્ય હોસ્પિટલમાં પહોંચ્યો હોય તો એ વ્યક્તિને બચાવવી ૧૦૦ ટકા શક્ય છે. આજની તારીખે ઇલાજ એટલો આગળ વધી ગયો છે કે વ્યક્તિને બચાવી શકાય, પરંતુ દુખની વાત એ છે કે દરદીઓ સમયસર હોસ્પિટલમાં પહોંચતા નથી.

સરકારી આંકડાઓ

ધી ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની મેનેજમેન્ટ ઑફ ઍક્યુટ કોરોનરી ઇવેન્ટ રજિસ્ટ્રીમાં હાલમાં નોંધાયેલા બે વર્ષના આંકડાઓ અનુસાર ભારતમાં હાર્ટ-અટેકનો દર બીજો દરદી હોસ્પિટલમાં ૪૦૦ મિનિટથી પણ વધુ મોડો પહોંચે છે. કેટલીક જગ્યાએ તો લોકો હાર્ટ-અટેક પછી ૯૦૦ મિનિટે હોસ્પિટલમાં પહોંચે છે જ્યાં સુધીમાં તેમના હાર્ટને ખાસ્સું ડેમેજ થઈ ચૂક્યું હોય છે. આદર્શ રીતે હાર્ટ-અટેક પછી અડધા કલાકની અંદર જ દરદીએ હોસ્પિટલમાં પહોંચવું જોઈએ. જો એ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચે તો તેના હાર્ટને ડેમેજ થતું અટકાવી શકાય છે. સમગ્ર ભારતની વાત કરીએ તો પ્રદેશ અનુસાર ઘણા જુદા-જુદા પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. જેમ કે ગામડાંઓમાં હોસ્પિટલની સુવિધાના અભાવને લીધે દરદીઓ શહેર સુધી ટ્રાવેલ કરીને આવે એમાં મોડું થતું હોય છે એ સમજી શકાય. આમ લાખો લોકોને બચાવવા આપણને જરૂરત છે વધુ હોસ્પિટલોની.

જાગૃતિનો અભાવ

જો શહેરોની વાત કરીએ તો અહીં હોસ્પિટલો તો છે, પરંતુ લોકો અહીં મોડા પડતા હોય છે. મુંબઈ જેવા શહેરમાં કેમ લોકો મોડા પડતા હોય છે એની પાછળ મુંબઈનો ટ્રાફિક જ ફક્ત જવાબદાર નથી, બીજાં કારણો પણ છે જે વિશે સ્પક્ટતા કરતાં નાણાવટી હોસ્પિટલ-વિલે પાર્લેના કાર્ડિઍક ડિપાર્ટમેન્ટના હેડ અને સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડોકટર કહે છે, હજી પણ મુંબઈ જેવા શહેરમાં લોકોમાં જોઈએ એટલી જાગૃતિ નથી આવી. આજે પણ લોકો ચિહ્નોને અવગણે છે. ગેસ હશે કે ઍસિડિટી થઈ ગઈ હશે એવા ભ્રમમાં રાચે છે અને તાત્કાલિક ડોક્ટર પાસે નથી જતા. જે જાય છે તો તે પોતાના બતાવે અથવા ફિઝિશ્યન પાસે જાય છે. ફિઝિશ્યન પહેલાં ECGકાઢે અને ત્યાં તેને ખબર પડે અને તે કાર્ડિયોલોજિસ્ટ પાસે મોકલે એમાં વાર લાગી જાય છે. આ ખરેખર દુખદ બાબત છે કે લોકો હજી પણ હાર્ટ-અટેક વિશે માહિતી રાખતા નથી અને ગફલતને કારણે મોટું નુકસાન ભોગવતા હોય છે, કારણ કે મોડા હોસ્પિલમાં પહોંચે ત્યાં સુધીમાં હાર્ટના સ્નાયુ ડેમેજ થઈ ગયા હોય છે જેને ફરી રિપેર કરવાનું શક્ય જ નથી. એક વાર ડેમેજ થયેલું હાર્ટ બરાબર કામ નથી કરી શકતું અને બીજા અટેકની કે કાર્ડિઍક અરેસ્ટની સંભાવના ઘણી વધી જાય છે.

નજીકમાં હોસ્પિટલ શોધો

આ બાબતે પોતાનું મંતવ્ય આપતાં વોકહાર્ટ હોસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના કાર્ડિયોલોજિસ્ટ ડોકટરકહે છે, મુંબઈ જેવા શહેરમાં ઍવરેજ જોઈએ તો વ્યક્તિ હાર્ટ-અટેક પછીના ચાર કલાકે હોસ્પિટલમાં પહોંચે છે. દિલ્હી જેવા શહેરમાં ૬ કલાકે અને બેન્ગલોર જેવા શહેરમાં જ્યાં મેડિકલ સુવિધાઓ ઘણી જ સારી છે ત્યાં બે કલાકે વ્યક્તિ હાર્ટ-અટેક પછી પહોંચતી હોય છે. દરેક જગ્યાનાં પોતાનાં કારણો છે જેને લીધે તેઓ હોસ્પિટલમાં પહોંચવામાં મોડા પડતા હોય છે. મુંબઈમાં લોકોને એવું પણ છે કે તેમની નજીકની હોસ્પિટલમાં તેઓ જતા નથી. અંધેરીની વ્યક્તિને મુંબઈ સેન્ટ્રલની હોસ્પિટલમાં જવું હોય છે તો ચોપાટી પર રહેતી વ્યક્તિને બાંદરા જવું હોય છે. અમુક જ હોસ્પિટલ સારી છે અને ત્યાં જ ઇલાજ કરાવાય એવી ગ્રંથિને કારણે લોકો સમજતા નથી કે આ ઇમર્જન્સી છે અને નજીકની જ હોસ્પિટલમાં ભાગવું જોઈએ. જે પણ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કોરોનરી કેર યુનિટ હોય ત્યાં પહોંચી જઈને તાત્કાલિક ઇલાજ લેવો વધુ મહત્વનો છે. જે લોકો આવા મહત્વના સમયે યોગ્ય નિર્ણય લે છે એ બચી જાય છે.

 

૧૮૦ મિનિટમાં પહોંચવું જરૂરી

અામ તો આદર્શ રીતે કોઈ પણ ઉંમરના વયસ્કને ચેસ્ટ-પેઇન થાય તો તાત્કાલિક અડધા કલાકની અંદર જ ગફલતમાં રહ્યા વગર હોસ્પિટલમાં પહોંચી જવું જરૂરી છે. આ વિશે વાત કરતાં ડોકટર કહે છે, અડધો કલાક નહીં તો ૧૮૦ મિનિટ એટલે કે ત્રણ કલાકની અંદર પણ જો વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચી જાય તો તેને બચાવવાની શક્યતા ઘણી વધી જાય છે, કારણ કે જેવી વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચે કે તેને તરત જ આ સમય દરમ્યાન શરીરમાં જઈને લોહીની નળીના ક્લોટને તોડી નાખે એવી દવા આપવામાં આવે છે. ૮૫ ટકા દરદીઓમાં આ દવા ધમનીને ખોલી નાખવાનું કામ કરતી હોય છે, જેને લીધે હાર્ટને ડેમેજ થતું બચાવી શકાય છે. એના પછી જ્યારે દરદી સ્ટેબલ થઈ જાય પછી ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ જેવી પ્રોસીજર માટે વિચારવું જોઈએ. આ પ્રોસેસ પણ જરૂરી જ છે અને એ રીતે હાર્ટને વધુ ડેમેજ થતું અટકાવી શકાય છે.

હાર્ટ-અટેકને કારણે થતાં મૃત્યુને ઘટાડવાનો પ્રયાસ

મદ્રાસ મેડિકલ મિશન હોસ્પિટલ-ચેન્નઈ દ્વારા હાર્ટ-અટેક કેર માટે એક યુનિક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે જેને કારણે હાર્ટ-અટેક દ્વારા થતાં મૃત્યુનો દર ૨૦ ટકા જેટલો ઓછો કરવો શક્ય છે. તામિલનાડુની અંદર ટ્રાયલ પર એક વર્ષ માટે આ હાર્ટ-અટેક મેનેજમેન્ટ પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેનાં પરિણામ જર્નલ ઑફ અમેરિકન મેડિકલ અસોસિએશન કાર્ડિયોલોજીમાં છપાયાં હતાં. આ મોડલમાં ગવર્નમેન્ટ ઇમર્જન્સી ઍમ્બ્યુલન્સ સર્વિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં દરદીને સ્ક્રીન કરવાનાં બધાં ગેજેટ્સ હતાં. આ ઍમ્બ્યુલન્સમાંથી જ બધો ડેટા હોસ્પિટલને ટ્રાન્સફર કરી શકાતો હતો અને દરદીના ઇલાજ માટે ઇન્શ્યોરન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૪ મૂળભૂત સેન્ટર અને રાજ્યની ૩૫ હોસ્પિટલ વચ્ચેનું આ કનેક્શન સ્થાપવામાં આવ્યું હતું. નાની હોસ્પિટલના ડોક્ટરો જે હાર્ટ-અટેકનો સંપૂર્ણ ઇલાજ કરવામાં અસમર્થ હતા તેમને મોટા ડોક્ટરો સાથે કનેક્ટ કરી તાત્કાલિક લાઇફ-સેવિંગ ઇલાજ અપાવડાવવામાં આવ્યો. આ પ્રોગ્રામ નજીકના ભવિષ્યમાં તેલંગણ, મેઘાલય અને કર્ણાટકમાં શરૂ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.