Abtak Media Google News

અનેક દુ:ખોની વચ્ચે ભગવાનની ઈચ્છા રૂપી  સમજણની દવાનું અનેરૂ માર્ગદર્શન પાઠવતા પૂ. અપૂર્વમૂનિ સ્વામી

કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે યોજાયેલરવિસભામાં પૂ.અપૂર્વમુનિ સ્વામીએ દુ:ખ અનેક, દવા એક વિષય પર પ્રેરક વક્તવ્ય યોજાયું હતું.

ગુણાતીતાનંદ સ્વામી જણાવે છે કે,અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે. એક ભગવાનનું ભજન કરવું અને બીજું સર્વ કર્તા ભગવાનને સમજવા, તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુ:ખ આવે તો દુ:ખ ભોગવી લેવું. દાસના દુશ્મન હરિ કેદી હોય નહી. પ્રમુખસ્વામી મહારાજના સમગ્ર જીવનકાળ દરમિયાન વિવિધ પરિસ્થિતિઓમાં આ સમજણનું દર્શન થતું. મહંતસ્વામી મહારાજ પણ કહે છે, ક્યારેય ગમે તેટલો ભીડો પડે પણ પોતાનું દુ:ખ રડયા ના કરો. ભગવાનને કર્તા માનો જેથી દુ:ખ સહેવાનું સહજ બને. જેમ વેક્સિન લીધા પછી રોગ નહી આવે એવું નથી પરંતુ રોગ આવે તો જીવલેણ ના નીવડે. એમ આ સમજણ પાકી થયા બાદ પણ દુ:ખ આવશે પરંતુસતાવશે નહી. તો અનેક દુ:ખો વચ્ચે ભગવાનની ઈચ્છા સમજણની દવા આપણને દૈહિક દુ:ખોમાં સ્થિર રાખશે, પ્રવૃતિઓ વચ્ચે પ્રફુલ્લિત રાખશે, અવ્યવસ્થામાં પણ આનંદમાં રાખશે, મનગમતું ના થાય તોય મોજમાં રાખશે,  અસહકારમાં પણ આનંદમાં રાખશે,      આરોપો-આક્ષેપો વચ્ચે પ્રસન્ન રાખશે, નિષ્ફળતાઓમાં નિશ્ચિંત રાખશે, અપમાનો-અપશબ્દોથી અચલ રાખશે, આશીર્વાદ લીધા બાદ આપત્તિ આવે તો પણ અટલ રાખશે.

અનેક વૈજ્ઞાનિકો, બીઝનેસમેનો, મહાનુભાવોએ આ દવા એમના દૈનિક જીવનમાં સેટ કરેલી છે. વિપ્રોના માલિક અજીજ પ્રેમજી કહેતા, માનવી કરતા ઈશ્વરી તાકાત બહુ મહાન છે તેનો સ્વીકાર કરવો જોઈએ. વિડીયોકોન કંપનીના માલિક વેણુગોપાલ ધૂત કહેતા, જયારે મારા મનમાં ગડમથલ થાય, એમ થાય કે આ કામ મારાથી નહી થાય ત્યારે તેને ભગવાન પર છોડી દઉં છુ. આપણે પણ આપણા દૈનિક ક્રમમાં આ દવા સેટ કરીએ તો કદાચ દુ:ખ આવશે પણ સતાવશે-ડગાવશે નહી.સભાના અંતમાં ઉપસ્થિત તમામ ભાવિક ભક્તો વિપરીત સંજોગોમાં મહાન સંતોએ આપેલ આ દવા ભગવાનની ઈચ્છા જીવનમાં દૈનિક ક્રમમાં અપનાવવાના સંકલ્પ સાથે વિદાય થયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.