Abtak Media Google News

ગુજરાત રોડ સેફટી એક્ટ હેઠળ પોલીસ કમિશનરશ્રીને માર્ગ સલામતી અંગેની વિશાળ સત્તાઓ એનાયત

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિવારણ અર્થે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને અકસ્માત નિવારણ માટે વિવિધ પગલાંઓ અમલી કરવા કડક સૂચના આપવામાં આવી હતી.

Advertisement

ટુ વહીલર્સ વિક્રેતાઓ દ્વારા વાહન ની સાથોસાથ હેલ્મેટ આપવો ફરજીયાત હોય છે પરંતુ મોટા ભાગના ઓટો વિક્રેતા તેનો ચુસ્ત અમલ કરતા નો હોઈ તેમના પર આર.ટી.ઓ તેમજ મહાનગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરાશે.  સમિતિના ધ્યાને એવી બાબત પણ આવી છે કે ટુ વહીલર્સ વિક્રેતાઓ દ્વારા હેલ્મેટની રકમ મજરે કરી બાઈકનું વેચાણ કરવામાં આવે છે. જે સરકાર દ્વારા સ્થાપિત નિયમોથી વિરુદ્ધ છે, આવા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવાનો દિશા નિર્દેશ કરવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ગ સીમા રેખા (EDGE LINE) દોરવામાં આવે છે, પણ નાગરિકોમાં એવી ગેર સમજણ પ્રવર્તે છે કે આ સફેદ રેખા પાર્કિંગ કરવા માટે છે. હકીકતમાં એ રેખા પાર્કિંગ સ્થાન નિયત કરતી નથી. આ ગેર સમજણ દૂર કરવા માટે એડજ લાઈનને ટુકડે ટુકડે દોરવા અથવા તો નવા માર્ગો પર માત્ર ડિવાઈડર તરફ જ દોરવા નિયત કરવામાં આવ્યું હતું.

ગમખ્વાર અકસ્માત ના બ્લેક સ્પોટ નિશ્ચિત કરી ઇન્ફ્રાસ્ટક્ચર લેવલે જરૂરી ફેરફાર તેમજ સાઈનેજ બોર્ડ મુકવા, હાઈ વે પર હોટેલ તેમજ પેટ્રોલ પમ્પ સામે રોડ પર ડિવાઈડર બ્લોક કરવા તેમજ હેલ્મેટ ફરજીયાત પહેરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં હાલ ટ્રાફિક નિયમન માટે ૨ ટીમ માંથી વધારો કરી ૧૫ ટીમ કાર્યરત કરવામાં આવી છે. રોજ ૨૦૦ થી વધુ ફોર વહીલર્સ ગાડીઓને ડિટેઈન કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જયારે નો એન્ટ્રી તેમજ નો પાર્કિંગ ઝોનમાં ૧ લાખ ૩૫ હાજર થી વધુ ઈ-ચલણ અપાયા હોવાનું પોલીસ કમિશનરશ્રી દ્વારા જણાવાયું હતું.

રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની આ બેઠકમાં પોલીસ કમિશનરશ્રી દ્વારા એક મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી કે, ગુજરાત રાજ્ય માર્ગ સલામતી પ્રાધિકરણ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સત્તાઓ હવે શહેરની સમિતિના અધ્યક્ષને નિહિત કરવામાં આવી છે. જેમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ – ૨૦૧૮ની કલમ ૧૩ મુજબની સત્તાઓ અધ્યક્ષને સોંપવામાં આવી છે. તે મુજબ અકસ્માતના કારણરૂપ અને જેને કારણે માર્ગો ઉપર દબાણ થતું હોય તેવી અડચણો દૂર કરવા કે તેને માટે આદેશ કરવાની સત્તા રાજકોટ શહેરમાં પોલીસ કમિશનરશ્રીને સોંપવામાં આવી છે. આ એક્ટની કલમ ૧૫ (૧) હવે પોલીસ કમિશનરશ્રી કોઇ પણ સરકારી કે બિનસરકારી સંસ્થાઓને આદેશ કરી શકે છે. તદ્દઉપરાંત આવા આદેશના અનાદર બદલ દંડ પણ કરી શકાશે. આ દંડની જોગવાઇ એવી છે કે પ્રતિદિન રૂ. ૫૦૦ લેખે અને મહત્તમ રૂ. ૨૫ હજાર સુધીનો દંડ થઇ શકે છે.

આ બેઠકમાં સંયુક્ત પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, આર.ટી. ઓ. અધિકારી મોજીદ્દા, ટ્રાફિક એ.સી.પી. ચાવડા સહીત વિવિધ વિભાગના અધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.