અફઘાનિસ્તાન: રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાની ઝંડો ફરક્યો, ફરી શરીયા કાયદો લાગુ કરવાનું તાલિબાનોનું એલાન

અફઘાનિસ્તાનનું નામ બદલીને ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન, અબ્દુલ ગની બરાદર બનશે નવા રાષ્ટ્રપતિ

ફરી શરીયા કાયદો લાગુ કરવાનું તાલિબાનોનું એલાન

કાબુલમાં પ્રવેશ સાથે જ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. ત્યાર બાદ રવિવારે તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં પણ ઘૂસ્યા હતા. એટલું જ નહીં, ત્યાં તેમણે તાલિબાનનો ઝંડો પણ લગાવી દીધો હતો. રવિવારે તાલિબાન કાબુલમાં ઘૂસ્યુ હતું અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

અફઘાનમાંથી છૂટવા સ્થાનિકોની દોટ: વિમાન હાઉસફુલ, ટાયરમાં ટીંગાયેલા બે મુસાફર નીચે પટકાતા મોત… જુઓ વીડિયો

અશરફ ગની હટી ગયા અને સત્તા પરિવર્તન બાદ તાલિબાન તરફથી હવે મૌલાના અબ્દુલ ગની બરાદરને રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અશરફ ગની દેશ છોડીને ચાલ્યા ગયા છે. તે સિવાય ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પણ અફઘાનિસ્તાન છોડી દીધું છે. તાલિબાન હવે અફઘાનિસ્તાનને ‘ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન’ નામ આપશે.

શરિયા કાયદો લાગુ થશે

તાલિબાને જાહેરાત કરી છે કે, અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો લાગુ થશે. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, કોઈ પણ પ્રદેશ છોડીને જવાનો પ્રયત્ન ન કરે. તાલિબાને સરકારી કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યું છે કે, 20 વર્ષ પહેલા તાલિબાન શાસનમાં જે રીતે કામ કરતા હતા, હવે એ જ રસ્તે પાછા આવી જાઓ. તાલિબાને કહ્યું કે, એક નવી શરૂઆત કરો અને ભ્રષ્ટાચાર, કૌભાંડ, આળસથી સાવધાન રહો.