Abtak Media Google News

અંબાજી માતાજીના દર્શન આવતા માઁઇ ભકતોને પ્રસાદમાં અપાતા મોહનથાળ બનાવવા માટે વાપરવામાં આવતું શુઘ્ધ ઘી વાસ્તવમાં ભેળસેળ યુકત હોવાનું ખુલતા તાત્કાલીક અસરથી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવા માટે મોહિની કેટરર્સને આપવામાં આવેલું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયાં સુધી ટેન્ડર અન્ય સંસ્થાને સોંપવામાં નહી આવે ત્યાં સુધી મંદિરના કર્મચારીઓ દ્વારા મોહનથાળ બનાવવામાં આવશે.

શકિતપીઠ અંબાજી મંદિરે મોહનથાળ પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે માઁઇ ભકતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા અંતે બન્ને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફુડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા અંબાજી મંદિરમાં ભાવિકોને પ્રસાદમાં અપાતા મોહનથાળ બનાવવા માટે વપરાતા શુઘ્ધ ઘીના નમુના લેવામાં આવ્યા હતા જેમાં ભેળસેળ થતી હોવાનું ખુલતા શુઘ્ધ ઘીનો નમુનો ફેઇલ  ગયો હતો. આઠ લાખની કિંમતનું 2820 કિલો ઘીનો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો હતો. આ ઘીની ખરીદી મોહિની કેટરર્સ દ્વારા અમદાવાદની નિલકંઠ ટ્રેડર્સ નામની એજન્સીમાંથી ખરીદી કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. મોહિની કેટરર્સ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે જયારે નિલકંઠ ટ્રેડર્સની દુકાન અને ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે.

મોહિની કેટરર્સ દ્વારા બનાવાતા મોહનથાળ પ્રસાદના ઘીના નમુના ફેઇલ થતા આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી: નવુ ટેન્ડર મંજુર ન થાય ત્યાં સુધી મંદિરના કર્મચારીઓ મોહનથાળ બનાવશે

દરમિયાન મોહનથાઇ બનાવવા માટે વપરાતા શુઘ્ધ ઘીના નમુના ફેઇલ થતાં આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લીધો છે. હાલ પ્રસાદ માટે મોહનથાળના 18 હજાર પેકેટ સ્ટોકમાં છે. મોહનથાળ બનાવવા માટેનો કોન્ટ્રાકટ અન્ય સંસ્થાને સોંપવામાં આવશે જયાં સુધી નવુ ટેન્ડર મંજુર ન કરાય ત્યાં સુધી મંદિરના કર્મચારીઓ દ્વારા મોહનથાળ બનાવવામાં આવશે.

માતાના પ્રસાદરુપે અપાતા મોહનથાળ બનાવવા માટે પણ મોહિની કેટરર્સના સંચાલકો દ્વારા ભેળસેળ યુકત ઘીનો ઉપયોગ  કરવામાં આવતો હોવાનું ખુલતા ગુજરાત સહિત દેશભરમાં માઁઇ ભકતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજીમાંથી ફૂડ વિભાગે ભાદરવી પૂનમ પહેલાં મોહિની કેટરર્સમાંથી ઘીના સેમ્પલ લીધાં હતા. આ સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. મોહિની કેટરર્સ એટલે એ કેટરર્સ કે જે અંબાજી મંદિરની મોહનથાળની પ્રસાદી બનાવે છે. ફૂડ વિભાગે મોહિની કેટરર્સમાંથી  180 ઘીના ડબ્બા સિઝ કર્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા ભાદરવી પૂનમ પહેલાં ઘીનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. તો રિઝલ્ટમાં આટલી વાર કેમ કરવામાં આવી. જ્યારે આરોગ્ય વિભાગને શંકા હતી અને ખ્યાલ હતો કે, ભાદરવી પૂનમ દરમિયાન લાખો શ્રધ્ધાળુઓ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેવાના હતા તો આ કાર્યવાહી મેળા પહેલા જ કરી લેવામાં આવી હોત તો લાખો શ્રધ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થયાં હોત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.