Abtak Media Google News

ભારત એક સમયે નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો ધરાવતો હતો અને સારી પેઠે વિદ્યાવાન હતો. એ કારણ તે ધનવાન બનવાનું દૈવત પણ ધરાવતો હતો.

કોઈએ એવું દર્શાવ્યું છે કે, ૧૫૯૬-૧૬૫૦ના અરસામાં રેને દેહાર્ત નામનો એક ચિંતક આધુનિક ફિલ્સુફીનો જનક ગણાયો છે ‘હું વિચારૂ છું ને એને લીધે જ મારૂ અસ્તિત્વ છે’ એમ તે કહ્યા કરતો હતો. આ વાતને અંગ્રેજીમાં કહીએ તો, ‘આઈ થીંક એન્ડ ધેર ફોન આઈએમ.’

અહી બીજી એક વાત સમજવા જેવી છે કે, વિચારની દુનિયા બધેજ વિસ્તરેલી છે. તેનાથી કોઈ પણ પ્રદેશ કે સંસ્કૃતિ અછૂતાં રહ્યા નથી, અને રહી શકે પણ નહીં.

પશ્ચીમના વિચારકોની જેમ પૂર્વમાં, ઉત્તરમાં, દક્ષિણમાં પણ અનેક વિચારકો પાકયા છે. બુધ્ધ કે મહાવીરથી માંડીને આદિ શંકરાચાર્ય, રામાનુજ, મધ્યાચાર્ય ઉપરાંત અનેક તર્કવાદી પંડિતો ભારતમાં જન્મ્યા છે. ચીનમાં પણ ક્ધફયુશિયસ (૫૫૧-૪૭૯ ઈ.પૂર્વે), લાઓત્ઝૂ, અને અન્ય અનેક ફિલસૂફો થઈ ગયા છે.

એમ પણ કહેવાયું છે કે ‘માણસ માત્ર વિચારને પાત્ર.’ આ તર્કવાદી વિચારકો ઉપરાંત આત્મદર્શી કે અધ્યાત્મદર્શી સંતો તથા સાહિત્યકારો પણ વિચારની પ્રક્રિયામાં આવી જાય છે.

નીરખને ગગનમાં કોઈ ધૂમી રહ્યું’ કહેનારા નરસિંહ મહેતા, કે ગોરખ, નાનક, કબીર, તુલસી , મીરાબાઈ અને અરવિંદ, મહાત્મા ગાંધી સહિત સૌ આ વૈચારિક દાયરામાં આવી જાય છે. અખો પણ ભગત જ હતો ને ! ગંગાસતી અને પાનબાઈ કયાં ઓછા ભકિતભીના હતા !

“સજીવાએ નજીવાને ઘડયો અને પછી કહે, ‘હે ભગવાન મને કૈંક દે !’ વિચારો માટે અંગ્રેજીમાં ‘થોટ’ અને આઈડિયા’ એમ બે શબ્દો પ્રયોજાયા છે. ‘દરેક વ્યકિત વિચારે છે એમ કહેવામાં ‘આઈડિયા’નું સ્થાન છે.

આ બંનેમાં સારી પેઠે ઉંડા ઉતરીને એનાં તારતમ્ય સુધીની સમીક્ષા કરી શકીએ, પરંતુ આપણો સમાજ ‘આઈડિયા’તેમજ ‘થોટ’ એમ બંને પ્રકારનાં વિચારકોનો ઋણી છે. આ બંનેનું સહઅસ્તિત્વ દરેક વ્યકિતમાં પ્રસંગોપાત જોવા મળે છે. અહીં વધારે મહત્વની વાત એ છે કે, કોઈ પણ માનવ સમાજ નવા નવા વિચારો વડે સમૃધ્ધ બને છે. અને જગતમાં ફેલાયેલા આધુનિકતા, નવોન્મેષ તથા જનજાગૃતિ માટે નવા નવા વિચારોની અને વિભિન્ન વિચારધારાની અનિવાર્યતા સ્વીકારવી જ પડે છે. અને એજ નવીનવી વૈજ્ઞાનિક શોધખોળોની જનની બને છે.

વિચાર વિષે વિચાર વિમર્શ કરતી વખતે ગાંધીજીને પણ સમજવા રહ્યા. ઘણા લોકો એવું માને છે કે, ગાંધી વિચાર વૈજ્ઞાનિક નથી. એડમ સ્મિથનું અને તેની પરંપરામાં આવેલું અર્થશાસ્ત્ર જ સાચું ગણાય. દલીલો વડે તે એવું સાબિત કરવા મથ્યા કે બજારલક્ષી અભિગમ જ સાચો ગણાય.

નહેરૂને ગાંધી વચ્ચેના મતાંતરો અલગ પ્રકારનાં હતા. તેમાં માનવ કેન્દ્રો નીતિ નીતિમાન અને સમાજલક્ષી ત્યાગપ્રધાન જીવનની ઉત્કૃષ્ટતા તથા સામે પક્ષે આધુનિક જગતના વિકસતા જતા વિજ્ઞાનના ઉપયોગમાં કલ્યાણલક્ષી રાજયની ભૂમિકા બાબતે મતાંતરો હતા. પણ નહેરૂના વિચારોની સામે ૧૯૯૧ની નવી આર્થિક નીતિ વચ્ચે ૧૮૦ ડિગ્રીનો ફેર હતો. નવી નીતિ રાજયને હાંસિયામાં ધકેલી દઈ કહેવાતા બજારવાદનો મહિમા કરે છે

વાત્સવમાં શું છે? દેશની વસ્તીના એક ટકા ધનિકો પાસે દેશની સંપત્તિના ૭૩ ટકા જમા થઈ ગયા છે. એક તરફ જીડીપીમાં ઝડપી વધારાનો ઉદેશ છે, તો બીજી તરફ લોકોની સ્વાસ્થ્ય, શિક્ષણ, પેયજળ, વસવાટ, વગેરેની અતિ ગંભીર સમસ્યાઓ પણ છે. મોંઘવારી વધે છે. પણ ખેડુતો પાયમાલ થતા જાય છે. શિક્ષણ વધે છે, પણ બેકારી પણ ચિંતા કરાવે. તેમ વધ્યે જાય છે. દેશમાંથી ધન લઈને ભાગી જનારા, બેંકોનાં પૈસા લઈ જનારા સામાન્ય લોકોની જીવનભરની મૂડી હજમ કરી જાય છે. આવા ઘણા બધા બનાવોમાં રાજય અને સાંપ્રદાયિક શકિત વચ્ચેની સાંઠગાંઠ અને મેળાપીપણું પણ હોય છે. આધુનિક ગણાતાં અર્થશાસ્ત્ર, રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાએ આપણને આ દશાએ લાવી મૂકયા છે. ગાંધી વિચારમાં આ બધાને સ્થાન ન હોત ! અને છતાં આપણે ગાંધી વિચારને અવૈજ્ઞાનિક ગણીએ છીએ.

ખરો સવાલ હિન્દુ ધર્મના બે મહાપુરાણો વચ્ચેની પસંદગીનો છે. એક તરફ મહાભારત છે તે સમયની સામંતશાહી વ્યવસ્થાના મુદાને ચર્ચાની બહાર રાખીએ જો કે કર્ણને દાસીપુત્ર કહીને ઉચ્ચ કુળનું ગૌરવ કરનારી દ્રૌપદીની મનોદશા આજે પણ દલિત, આદિવાસી, અન્ય ધર્મીઓ વગેરેની સામે બરકરાર છે. અનામત પ્રથા હોવા છતાં આજે પણ ‘એકલવ્ય’ના ભાગે નિરાશા અને ઉપેક્ષા જ છે. પણ મુદ્દો એ છે કે આજનાં વિશ્ર્વના આર્થિક વિચારોના પધોગત લક્ષ લક્ષણો-ઉપેક્ષા વગેરે આજે પણ પ્રચલિત છે. જગતમાં આજે પણ ધૃતરાષ્ટ્રો સોધ્યા સાંપડે તેમ છે. આવું જ ભીમ કીચકન કે દુર્યોધનને ભયાનક રીતે મારી નાખે, અર્જુન પશુપતાસ્ત્ર મેળવે, કર્ણને છેતરીને કવચકુંડળ પડાવી લેવાય કે શકુનિ દ્વારા કપટ પૂર્વક ધૂત રમાય, તે બધી જ ઘટનાઓ નવાં પાત્રો અને ચહેરાઓમાં અવતરતી જ રહે છે.

આ પુરાણથી અલગ એવું મહાપુરાણ ભાગવત-શ્રીમદ ભાગવત છે, જેની કથા પણ આવી જ રોમાંચક છે.

યુધ્ધ, હિંસા, અસત્ય અને ભાઈ ભાઈ વચ્ચે વૈમનસ્ય, કળકપટની પુરાણબાજી અને ત્યાગ, અસ્વાદ, સાદાઈ ભર્યું જીવન સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય વગેરેના આચરણનું જીવન સૌકોઈ દ્વારા જીવી શકાતું નથી. શું તેને કારણે જ ગાંધી ખોટા ઠરે? અવૈજ્ઞાનિક ઠરે?

વર્તમાન પરિસ્થિતિ માટે કદાચ સૌથી વધુ દોષિત હોય તો ગાંધીનો અંચળો ઓઢીને ફરનારા ગાંધીવાદી પણ વાસ્તવમાં તકવાદી જનોના કુત્સિત કાવતરાં છે. અલબત આવા ગાંધીજનોની સંખ્યા અલ્પ છે.

ભરોસાપાત્રક ગાંધી અને ગાંધી વિચારકો શોધવા પડે તેમ છે.ચીજ વસ્તુઓનું બજાર તો ઠીક, આવા ગાંધીજનો તો ગાંધી વિચારનો પણ વેપાર કરી નાખે તેમ છે.દેશને આવી વિદ્યા શું કામની ? આવા લોકોને વિદ્યાવાન કેમ કહેવા, અને તે બધા દેશને ધનવાન કયાંથી બનાવે?અમેરિકા ધનવાન છે. જયાં સાચા દેશ ભકત વિદ્યાવાન હોય ત્યાંજ ધનવાન સંભવે ? વિચારોને ‘વિશ્વ બંધુત્વ’ ભણી લઈ જઈ શકે એ નિર્વિવાદ છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.