Abtak Media Google News

પંજાબમાં ‘અમન – ચેન’ જાળવી રાખવા અમૃતપાલને અસમના દિબ્રુગઢ જેલ હવાલે કરાયો

ખાલિસ્તાની ચળવળનો સમર્થક અમૃતપાલસિંની ધરપકડ કરી લેવામાં આવી છે. છેલ્લા 35 દિવસથી નાસ્તા ફરતા અમૃતપાલની ભીંડરેવાલાના વતનમાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલ અમૃતપાલને અસમની દિબ્રુગઢ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. હવે દેશની ટોચની તપાસ એજન્સી રો અને આઇબી અમૃતપાલની પૂછપરછ કરનારી છે. મહત્વપૂર્ણ બાબત છે કે, અમૃતપાલને પંજાબમાં ખાલિસ્તાની ચળવળ સક્રિય બનાવવા પાકિસ્તાની આઈએસઆઈ એજન્સીએ હાથો બનાવ્યાના અહેવાલ વચ્ચે અમૃતપાલની આ દિશામાં પૂછપરછ કરવામાં આવનાર છે.

અમૃતપાલ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ પગલાં લેવામાં આવનાર છે કારણ કે, પંજાબના શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવાનો આરોપી અમૃતપાલ ઉપર છે. અમૃતપાલ અને તેના સમર્થકો દ્વારા અજનાલામાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ કર્મીઓને પહોંચાડવામાં આવેલી ઇજા, ડિસેમ્બર 2022માં કપૂરથલા અને જલંધરમાં ગુરુદ્વારાઓની તોડફોડમાં તેની ભૂમિકાએ રાજ્યમાં તંગદિલી સર્જનાર હોય તેના લીધે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ અમૃતપાલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવનાર છે.

વારિસ પંજાબ દેના વડા અમૃતપાલને તેની ધરપકડ પછી તરત જ આસામના ડિબ્રુગઢની સેન્ટ્રલ જેલમાં શા માટે મોકલવામાં આવ્યો તે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, સમાન વિચારધારા ધરાવતા શીખ કેદીઓ અથવા ગુંડાઓના સમર્થનથી અમૃતપાલ જેલમાંથી ફરાર થઇ શકે નહીં તેના માટે અમૃતપાલને પંજાબથી દૂર અસમ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અગાઉ ધરપકડ કરાયેલા અમૃતપાલના નવ સહાયકોને આસામ મોકલવામાં આવ્યા છે.

સુરક્ષા એજન્સીઓ અને પંજાબ પોલીસને ભીતિ હતી કે, જો અમૃતપાલ અથવા તેના સહાયકોને પંજાબમાં કેદ કરવામાં આવ્યા હોત તો તેઓ જેલમાં બંધ કેદીઓ-ગુનેગારોને કટ્ટરપંથી બનાવવાનું કાવતરું ઘડે જેના લીધે આ પગલું લેવામાં આવ્યું છે.

અજનાલામાં થયેલા ઉગ્ર વિરોધને જોતાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે અમૃતપાલના સમર્થકો તેમની ધરપકડ સામે સમર્થન એકત્ર કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોખમમાં મૂકી શકે છે. ઉપરાંત આ શખ્સોને પંજાબમાં રાખવામાં આવે તો તેઓ જેલની અંદરથી ગુન્હાહિત પ્રવૃતિઓનું નેટવર્ક ચલાવશે.

ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલ ઉત્તર-પૂર્વની સૌથી સુરક્ષિત જેલોમાંની એક માનવામાં આવે છે. આસામ સરકારે તેના તાજેતરના હાઇ-પ્રોફાઇલ કેદીઓના આગમનને ધ્યાનમાં રાખીને જેલની સુરક્ષા વધુ વધારી દીધી છે.

મારી ધરપકડ અંત નહીં આરંભ છે: અમૃતપાલ

અમૃતપાલ ધરપકડ બાદ એક નિવેદન આપતાં કહ્યું છે કે, મારી ધરપકડ અંત નહીં પરંતુ પ્રારંભ છે. અમૃતપાલના આ નિવેદને ભારે ઉહાપો સરજ્યો છે. સાથોસાથ અમૃતપાલે એવુ પણ કહ્યું છે કે, આટલા દિવસો સુધી સાથીઓના કારણે હું સુરક્ષિત રહ્યો છું તેના બદલ હું સૌ સમર્થકોનો આભાર વ્યક્ત કરું છું. જે રીતે અમૃતપાલે આ નિવેદનો આપ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે, અમૃતપાલને કોઈ મોટા સંગઠનનો ટેકો હોઈ શકે છે જેનો ખુલાસો હવે આગામી દિવસોમાં થવાની શક્યતા છે. નોંધનીય છે કે, આ નિવેદન અમૃતપાલે તેની ધરપકડ પૂર્વે રેકોર્ડ કરેલા વિડીયો મારફત આપ્યું હતું.

35 દિવસ સુધી અમૃતપાલને કોણે આપી પનાહ?: તપાસનો ધમધમાટ

અમૃતપાલ છેલ્લા 35 દિવસથી ફરાર હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉદભવે છે કે, આટલા દિવસો સુધી અમૃતપાલને પનાહ કોણે આપી? તે ભારતમાં જ હતો કે પછી વિદેશ નાસી છૂટ્યો હતો? આ સવાલોના જવાબ હજુ મળી શક્યા નથી પરંતુ જવાબ મેળવવા ખુબ જ જરૂરી છે. અમૃતપાલબી ધરપકડ કરી લેવામાં આવી છે પણ હજુ તેના અમુક સમર્થકો પોલીસ પકડથી દૂર હોઈ શકે છે જેથી ખાલિસ્તાની ચળવળનું ભૂત ધૂણે નહીં તેના માટે અમૃતપાલના સમર્થકોની ધરપકડ કરવી જરૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.