Abtak Media Google News

ર00 થી વધુ નાના રોકાણકારોના એકાદ કરોડનું ફુલેકું ફેરવ્યું:  ક્રેડિટ સોસાયટીના ચેરમેન અને વાઇસ ચેરમેનને રિમાન્ડ પર લેવાશે

શહેરના કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર શ્રીમદ્ ભવનમાં ઓફિસ ધરાવતી શ્રી રામેશ્વર શરાફી મંડળીના 60 કરોડના ફૂલેકાની તપાસ થોડા દિવસ પહેલાં જ પૂરી થઈ છે. પોલીસે મંડળીના ત્રણ સંચાલકોને પકડી ગઈકાલે જ તેમના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કર્યું હતું ત્યાં વધુ એક મંડળીનું ફૂલેકા કૌભાંડ બહાર આવ્યું છે. 150 ફૂટ રીંગરોડ પર ગાંધીગ્રામ પોલીસ મથકથી 200 મીટર દૂર ઓફિસ ધરાવતી શ્રી પરિશ્રમ ક્રેડીટ સોસાયટીના સંચાલકોએ એક કરોડનું ફૂલેકું ફેરવ્યાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી મંડળીના ચેરમેન અમિત અશોકભાઈ જળુ (રહે. નાગેશ્વર પાર્ક, 25 વારીયા મકાન) અને વાઈસ ચેરમેન કમ મેનેજર કિશોર અશોકભાઈ ભટ્ટ (રહે. રૈયા રોડ, હનુમાનમઢી, મ.પરા)ની અટકાયત કરી છે. બન્નેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

શ્રી પરિશ્રમ ક્રેડીટ સોસાયટીના સંચાલકો વિરુદ્ધ પોલીસમાં અનેક અરજીઓ થઈ હતી. જેના આધારે આખરે આજે ગાંધીગ્રામ પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી, ઉચાપત, ગુનાહીત કાવતરું અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓપ ડીપોઝીટર એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. મંડળીના સંચાલકો દ્વારા ડેઈલી, મંથલી બચત તથા ફિક્સ ડિપોઝીટોમાં રોકાણકારોના નાણાં રોકાવી ફુલેકું ફેરવાયું છે.

આ મંડળીમાં મોટાભાગના શ્રમિક અને ગરીબ વર્ગના લોકોના નાણાં ફસાતા કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે.પોલીસ માટે હવે સૌથી મોટો પડકાર રોકાણકારોને તેમના નાણાં પરત અપાવવાનો છે. ભોગ બનનાર રોકાણકાર ફૈઝલ આરીફ નગેરીયા (રહે. શિવપરા શેરી નં.3, રૈયારોડ) કે જે રૈયા ચોકડી પાસે મોબાઈલની દુકાન ધરાવે છે. તેને પોલીસે ફરિયાદી બનાવ્યો છે.

તેણે પોલીસને જણાવ્યું કે, 2012ની સાલમાં મંડળીના એજન્ટ નિરવ મારફત તેણે ડેઈલી બચતનું ખાતું ખોલાવ્યું હતું. બાદમાં તેના પરિવારના સભ્યોમાં બહેન સાદીયા નગારીયા, માતા ફરીદાબેનના પણ બચત ખાતા ખોલાવ્યા હતા. તેની માતાએ કુલ રૂા.5500 અને બહેને કુલ રૂા.3500 મંડળીમાં જમા કરાવ્યા હતા. જ્યારે તેણે ગઈ તા.20/3/2020 સુધીમાં રૂા.1.20 લાખ જમા કરાવ્યા હતા. જેના વાર્ષિક 6% વ્યાજ લેખે તેને રૂા.1.23 લાખ મળવાપાત્ર હતા.

પાકતી મુદ્દતે એજન્ટ નિરવે તેને મંડળીની ઓફિસે બોલાવ્યો હતો. ત્યારે ચેરમેન અમિતે રૂા.14800 આપી બાકીના રૂા.1 લાખ 8 હજાર પછી આપવાનો વાયદો કર્યો હતો. ગઈ તા.25/3/2020ના રોજ કોરોનાને કારણે લોકડાઉન લાગી જતાં એજન્ટ નિરવભાઈએ તેને કહ્યું કે, મંડળીના તમામ વહીવટ હાલ બંધ છે, જે રાબેતા મુજબ ચાલુ થશે ત્યારે પાકતી રકમ તને અને તારા પરિવારના સભ્યોને મળી જશે.

જેથી તેણે એકાદ મહિના સુધી રાહ જોઈ હતી. એટલું જ નહીં મંડળીની ઓફિસે રૂબરૂ પણ જઈ આવ્યો હતો ત્યારે આરોપી ચેરમેન, વાઈસ ચેરમેને રકમને બદલે માત્ર વાયદાઓ જ આપ્યા હતા. એટલું જ નહીં બંને આરોપીઓએ તમામ એજન્ટો અને રોકાણકારોને પણ છેલ્લા 10 માસથી આ રીતે ખોટા વાયદા આપતા હતા. ગ્રાહકોના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આખરે ઓફિસને તાળાં મારી દેતા રોકાણકારો પરિસ્થિતિ પામી ગયા હતા.

ફરિયાદમાં વધુમાં મંડળી દ્વારા કુલ 200 થી વધુ રોકાણકારોના અંદાજે રૂા.1 કરોડ સલવાડી દેવાયાનું જણાવાયું છે. જેમાંથી હાલ રૂા.8.95 લાખની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીગ્રામના પીઆઈ કે. એ. વાળાએ ગુનો દાખલ કરી બંને આરોપીઓની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.