Abtak Media Google News
  • સોશિયલ મીડિયા મારફત આઈએસઆઈને ગુપ્ત વિગત મોકલતો હોવાનો ઘટસ્ફોટ

ગુજરાત ન્યૂઝ : ગુજરાત એટીએસએ પોરબંદરમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પાકિસ્તાની ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ જાસૂસ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો. સમગ્ર મામલે ટૂંક સમયમાં એટીએસ વિગતો જાહેર કરનારી છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસની ટીમે પોરબંદરમાં મોટું ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એટલે કે આઈએસઆઈ (ઇન્ટર સર્વિસ ઇન્ટેલીજન્સ) સાથે સંકળાયેલા જાસૂસની ધરપકડ કરી છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, હજુ ગણતરીના દિવસો પૂર્વે એટીએસની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછ હાલ ગુજરાત એટીએસની સાથોસાથ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(રો) પણ કરી રહી છે.

પોરબંદરથી ઝડપાયેલો જાસૂસ ક્યાંક આતંકવાદીઓ સાથે સંકળાયેલો હોય અને ત્યાંથી જ ઇનપુટ મળ્યા બાદ આ જાસૂસની ધરપકડ કરવામાં આવી હોય તેવું જાણકારો કહી રહ્યા છે. જો કે, હજુ આ બાબતે એટીએસ દ્વારા કોઈ પણ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી. આ લખાઈ રહ્યું છે ત્યારે એટીએસ ટૂંકા સમયગાળામાં જાસૂસની ધરપકડ અંગે સત્તાવાર વિગતો જાહેર કરી શકે છે તેવી વિગતો આધારભૂત સૂત્રોમાંથી મળી રહી છે.

જાસૂસની ધરપકડ બાદ મોટો સવાલ એ ઉદભવ્યો છે કે, આ શખ્સ કેટલો સમયથી આઈએસઆઈ સાથે સંકળાયેલો હતો અને હાલ સુધીમાં તેણે ભારતની કંઈ કંઈ ગુપ્ત વિગતો પાકિસ્તાન મોકલી છે? આ જાસૂસની સાથે અન્ય કોઈ પણ સંડોવાયેલું છે કે કેમ? હાલ તપાસ એજન્સી આ તમામ મુદ્દાની તપાસ કરી રહી છે.

જાસૂસનું અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓ કનેક્શન?

ગત તા. 19મેની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા શ્રીલંકાના ચાર આતંકી ઝડપાયા હતા. આ ચાર આતંકી 14 દિવસના રિમાન્ડ પર છે. એટીએસ, એનઆઈએ અને રો જેવી તપાસ એજન્સીઓ દ્વારા આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં કેટલાક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

શું ચાલીસ વાર ભારત આવી ચૂકેલા આતંકી નુસરત જાસૂસ સાથે મળી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડાયું’તું?

ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે, આ ચાર આતંકીઓમાંથી નુસરત અને નાફરાન 38થી 40 વખત ભારતમાં આવ્યા હતા. આ અંગે એટીએસના ડીઆઈજી સુનિલ જોષીએ કહ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા ચાર આતંકવાદીઓમાંથી બે આતંકી એવા નુસરત અને નાફરાન 38થી 40 વખત ભારતમાં આવ્યા હતા. હવે જયારે આતંકી આટલી બધી વાર ભારત આવી ચુક્યો હતો ત્યારે શું ઝડપાયેલા જાસૂસ સાથે મળીને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડાયું હતું તેવો સવાલ ઉઠ્યો છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.