Abtak Media Google News

તહેવારો અને લગ્નસરાની સિઝન નજીક આવતા જ સોનુ ભડકે બળ્યું છે.  સોનાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. વાયદા બજાર અને શરાફા બજાર બંનેમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવના પગલે બુલિયન માર્કેટમાં એક્શન જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવ નવા શિખર તરફ આગળ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું 2000 ડોલરને પાર ગયું છે. ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજ એક્શન જોવા મળી રહી છે. એમસીએક્સ પર સોનાનો ભાવ લગભગ 200 રૂપિયા મોંઘો થયો. 10 ગ્રામ સોનાનો ભાવ 61340 રૂપિયા નજીક પહોંચી ગયો. ચાંદીનો ભાવ પણ 544 રૂપિયા ચડીને પ્રતિ કિલો 72261 રૂપિયાના સ્તરે જોવા મળ્યો છે.

Advertisement

વાયદા બજારમાં રૂ. 200ના ઉછાળા સાથે ભાવ રૂ. 61340 નજીક પહોંચ્યો, શરાફી બજારમાં રૂ. 511ની તેજી સાથે ભાવ રૂ. 61336ને આંબ્યા

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ  મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 511 રૂપિયાની જબરદસ્ત તેજી જોવા મળી છે અને ભાવ હાલ 61336 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 467 રૂપિયા ચડીને 56183 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પણ 827 રૂપિયા ઉછળીને પ્રતિ કિલો 71733 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી છે. કોમેક્સ પર સોનાના ભાવ 2011 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. ચાંદી પણ 1.5 ટકાના ઉછાળા સાથે 23.23 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. મિડલ ઈસ્ટ તણાવ ઉપરાંત બુલિયન માર્કેટ પર યુએસ એફઈડી મીટિંગની પણ અસર જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.