Abtak Media Google News

સાધુ-સંતોના હસ્તે સવારે ધ્વજારોહણ: ભાવિકોને ઉમટી પડવા પૂ.નરેન્દ્રબાપુનું નિમંત્રણ

 

ચોટીલા પાસે શ્રી આપાગીગાનો ઓટલો ખાતે કાલે અષાઢી બીજનો ઉત્સવ ભવ્યાતિ ભવ્ય તેમજ દિવ્યાતિ દિવ્ય રીતે સંતો-મહંતો તેમજ ભક્તોની હાજરીમાં ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે સવારે 10 કલાકે ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી વૈદીક મંત્રોચ્ચાર સાથે ધ્વજાજીનું પુજન કરી અને નેજો ચડાવવામાં આવશે. ત્યારબાદ આવેલ સાધુ, સંતો, મહંતોની પંગત દ્વારા ભોજન મહાપ્રસાદની શરૂઆત કરવામાં આવશે. જેમાં દરેક સાધુ, સંતો, મહંતો તેમજ ભાવીકજનો માટે અષાઢી બીજ નિમીતે વિશેષ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતુ હોય છે. શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુના માર્ગદર્શન હેઠળ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અષાઢ સુદ બીજનો શુકવંતો દિવસ એટલે અષાઢી બીજ વિક્રમ સંવત મુજબ નવમા મહીનાની અષાઢી બીજ તરીકે શ્રધ્ધાપૂર્વક તેમજ ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. પૌરાણીક કથા અનુસાર આ દિવસે કંસના કહેવાથી અક્રુરજી બાળ કનૈયાને રથમાં બેસાડી ગોકુળથી મથુરા લાવ્યા હતા. તે દિવસ થી રથ યાત્રાનો શુભ આરંભ થયાનું માનવામાં આવે છે. તે દિવસે ઠેર-ઠેર દરેક શહેરોમાં તેમજ હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરમ પૂજય શ્રી જગન્નાથજી ભગવાનની દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય શોભા યાત્રાઓ નિકળે છે અને સૌ સમાજના લોકો ભગવાનના દર્શનનો લ્હાવો લેતા હોય છે. આ દિવસ કચ્છીઓનું નુતન વર્ષ તરીકે પણ ઉજવાય છે. આ વર્ષે અષાઢી બીજનો ઉત્સવ તા.20 ને મંગળવારના શુભ દિને આવે છે. અષાઢી બીજના ઉત્સવને ઉજવવા માટે થઇ અને સંપૂર્ણ સમાજના લોકોમાં ખુબ જ આનંદ તેમજ ઉત્સાહનું વાતાવરણ દેખાય રહ્યું છે. ભકતજનો હૃદ્યના ભાવથી ભગવાનના દર્શન કરી અને સર્વે જીવમાત્રના કલ્યાણની પ્રાર્થના કરવા તેમજ દરેકને સુખ શાંતી અને સમૃધ્ધીની શુભકામનાઓ પાઠવવા થનગની રહ્યા છે.

શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ જણાવેલ છે કે શ્રી આપાગીગાનો ઓટલો છેલ્લા એક દાયકાથી વધારે સમયથી 24 કલાક દરેક સમાજના લોકોને સંપૂર્ણ વિનામુલ્યે રહેવા તથા જમવાની વ્યવસ્થાઓ મળી રહે તેના માટે હર હંમેશા પ્રયત્નશીલ હોય છે. શ્રી આપાગીગાના ઓટલા દ્વારા ભક્તિ અને સેવા તેમજ માનવતાવાદી પ્રવૃતિઓનો હર હંમેશા ધમધમાટ ચાલુ હોય છે. યાત્રાળુઓ વટેમાર્ગુઓ ભાવીકો સાધુ, સંતો, સેવકો માટે શ્રી આપાગીગાના ઓટલાના કે જ્યાં બંધ કરવા માટેનો દરવાજો જ નથી અને 24 કલાક માટે આ સંસ્થા ખુલ્લી જ હોય છે. કોઇપણ સમયે આવતા કોઇપણ લોકોને કોઇપણ જાતના જ્ઞાતિ-જાતિના કે પછી કોઇપણ પ્રકારના ભેદભાવ વિના સંપૂર્ણ વ્યવસ્થાઓ સંપૂર્ણ પણે વિના મુલ્યે મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.