Abtak Media Google News

પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા સમયાંતરે ‘બાપુ હઠ’ પકડતા શંકરસિંહને એનસીપીના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવાયા: જયંત ‘બોસ્કી’ને ફરી પ્રદેશ પ્રમુખ બનાવાયા

ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના અતિ મહત્વાકાંક્ષી સ્વભાવ માટે જાણીતા છે રાજકીય વર્તુળોમાં બાપુના હૂલામણા નામે જાણીતા શંકરસિંહ તેમની મહત્વાકાંક્ષાની ‘બાપુહઠ’ને સંતોષવા સમયાંતરે રાજકારણમાં નવાજૂની કરતા રહે છે. બાપુની આ નવાજૂની કરવાના સ્વભાવના કારણે તેમને અનેક વખત રાજકીય ઘર બદલવાનો સમય આવ્યો છે. ભાજપ, રાજપા, કોંગ્રેસ બાદ હાલ એનસીપીમાં રહેલા શંકરસિંહ બાપુને ગઈકાલે એનસીપીના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવીને જયંત બોસ્કીને ફરીથી પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. જેથી, બાપુ ફરી એકવાર ઘરવિહોણા બની ગયા હોય ‘શંકર’સિંહ નવાજૂની કરવાના મૂડમાં હોવાનું રાજકીય સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

થોડા સમય પહેલા એનસીપીમાં જોડાયેલા શંકરસિંહને પાર્ટી સુપ્રીમો શરદ પવારે પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવાની સાથે પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર પણ સોંપ્યો હતો. એનસીપીના સુત્રોના જણાવ્યા મુજબ બાપુ એનસીપીને ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે પ્રસ્થાપિત કરી શકશે તેવા વિશ્ર્વાસ સાથે શરદ પવારે તેમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા પરંતુ એનસીપીના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શંકરસિંહ રાજયભરમાં પક્ષનું સંગઠ્ઠન માળખું પણ બનાવી શકયા ન હતા. આગામી સમયમાં રાજયના મહાનગરો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાનારી છે. ત્યારે પાર્ટીનું સંગઠ્ઠન પણ ન બનાવી શકનારા શંકરસિંહ કેવી રીતે પાર્ટીને ત્રીજો વિકલ્પ બનાવી શકશે? તેવા આગેવાનો કાર્યકરોમાં ઉઠેલી ફરિયાદો બાદ શરદ પવારે ગઈકાલે તેમને ગુજરાત પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવાનો નિર્ણય લઈને આ સ્થાને પૂર્વ પ્રમુખ જયંત પટેલ ‘બોસ્કી’ને ફરીથી પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે.

રાજકીય પંડીતોના મત અનુસાર બાપુ એનસીપીના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ રાજયમાં પાર્ટી બે ભાગમાં વહેચાઈ જવા પામી હતી. એક તરફ પૂર્વ પ્રમુખ જયંત પટેલ ‘બોસ્કી’નું જુથ હતુ. જયારે બીજી તરફ બાપુ સમર્તક જુથ હતુ. બંને જુથો વચ્ચે પાર્ટીમાં આધિપત્ય જમાવવા લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. જે બાદ, જયંત બોસ્કીએ ફરીથી પ્રદેશ પ્રમુખ પદ મેળવીને પાર્ટી પર વર્ચસ્વ જમાવી દીધું છે. આધારભૂત સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ શંકરસિંહ તાજેતરમાં રાજયની રૂપાણી સરકાર કોરોના રોગને કાબુમાં લેવામાં નિષ્ફળ ગયાનો અને કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવારમાં અનેક અવ્યવસ્થા હોવાનો આક્ષેપો કર્યા હતા. જે બાદ, ભાજપે શરદ પવાર પર દબાણ કરતા બાપુને એનસીપીના પ્રદેશ પ્રમુખપદેથી વિદાય આપી હતી. ગુજરાતમાં એનસીપી ચૂંટણી લડે તો કોંગ્રેસના મતો તુટે તે નિશ્ર્ચિત છે જેથી, રાજયમાં એનસીપીને મજબુત કરવામાં કયાંકને કયાંક ભાજપની ભૂમિકા હોવાના આક્ષેપો સમયાંતરે થતા રહે છે.

બાપુના નજીકના સાથી પાર્થેશ પટેલે આ મુદે જણાવ્યું હતુ કે શંકરસિંહ અને પાર્ટીની નેતાગીરી વચ્ચે કોઈ મતભેદ નથી. બાપુ પાસે રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને પદો હતા. જેમાં કામગીરી વધતા પાર્ટીએ બાપુના સ્થાને પ્રદેશ પ્રમુખ પદે જયંત પટેલની વરણી કરી છે. બાકી, શંકરસિંહ એનસીપીમાં જ કાર્યરત રહીને જન સેવા કરતા રહેવાના છે. શંકરસિંહ વાઘેલા આજે આ મુદે એક પત્રકાર પરિષદ યોજવીને જેમાં તેઓ પોતાની વાત રજૂ કરે તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા જૂના સંઘી છે. ગુજરાતમાં જનસંઘના સમયની ભાજપના મૂળીયા નાખવામાં તેમની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ રહી છે. વર્ષ ૧૯૯૫માં તે ભાજપને રાજયમાં પ્રથમ વખત સત્તા અપાવવામાં બાપુની મહેનત કાબેલીદાદ હતી અને તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર મનાતા હતા.

પરંતુ ભાજપે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવતા મહત્વકાંક્ષી બાપુની લાગણી ઘવાય હતી જેમને ભાજપમાં બળવો કરીને ભાજપની સુરેશ મહેતા સરકાર ઉથલાવી હતી. રાજપાની સ્થાપના કરીને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી પણ બન્યા હતા જે બાદ તેઓએ રાજપાનું કોંગ્રેસમાં વિલન કરી નાખ્યું હતુ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ ઉપરાંત વર્ષ ૨૦૦૪માં કેન્દ્રીય કાપડમંત્રી તરીકે સેવાઓ આપી હતી વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા તેમને કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો અને થોડો સમય નિષ્ક્રીય રહ્યા બાદ તાજેતરમાં એનસીપીમાં જોડાયા હતા. આમ બાપુ પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા સમયાંતરે રાજકીય ઘરો બદલતા રહ્યા છે હવે એનસીપીમાં ઘરવિહોણા થયા બાદ બાપુ ફરી નવાજૂની કરે છે કે પાર્ટીલાઈનમાં કાર્યરત રહે છે તે રાજકીય પંડીતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.