Abtak Media Google News

સિંહે વિસ્તાર વધાર્યો : સંખ્યા વધતા હવે સાવજોને વસવાટ માટે ૩૦,૦૦૦ સ્કવેર કિ.મી. જગ્યા જોશે

શું ગીરનો સાવજ જોખમમાં ? આ મુદાને લઈ ઘણી વખત અનેકવિધ પ્રશ્ર્નો ઉઠયા છે ત્યારે એ પણ શકયતા જોવા મળી રહી છે કે, શું સાવજોની સંખ્યા ૬૫૦ને પાર પહોંચી છે કે કેમ ? હાલ ચોમાસાની ઋતુ બેસવાથી અને સાવજોમાં મેટીંગનો સમય શરૂ થતા સિંહ ૧૦૦ કિલોમીટરથી પણ વધુ યાત્રા કરતો હોય છે ત્યારે હવે સાવજ સૌરાષ્ટ્રનાં ૯ જિલ્લા જેવા કે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થયો છે ત્યારે બીજી તરફ આ નવ જિલ્લાઓમાં સાવજ હવે ૧૦ હજાર સ્કવેર કિલોમીટરમાં વસવાટ કરશે તેવું સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. આ તમામ મુદાઓને ધ્યાને લઈ વન્ય વિભાગ દ્વારા આવતીકાલથી ૨૪ કલાક દરમિયાન સાવજોનું અવલોકન એટલે કે તેની સમીક્ષા કરવામાં આવશે. આ અવલોકન તારીખ ૫ જુનનાં બપોરે ૨ વાગ્યાથી શરૂ થઈ ૬ જુન બપોરનાં ૨ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ અવલોકનમાં માત્રને માત્ર વન્યકર્મીઓ જ જોડાશે.

દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે ત્યારે છેલ્લી વસ્તી ગણતરી વર્ષ ૨૦૧૫માં કરવામાં આવી હતી પરંતુ હાલ મહામારીનાં સમયમાં અને લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે માત્રને માત્ર સિંહોનું અવલોકન જ કરવામાં આવશે. ગીરનો સાવજ ગુજરાતનું ગૌરવ માનવામાં આવે છે ત્યારે છેલ્લી ગણતરી વર્ષ ૨૦૧૫માં યોજાઈ હતી. ૨૦૨૦નાં ઉનાળા દરમિયાન સિંહોની વસ્તી ગણતરી કરવાનું આયોજન વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગનો સ્ટાફ, સ્વયંસેવી સંસ્થાઓ, નિષ્ણાંતો તથા પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં આ કાર્યમાં જોડાવવાના હતા પરંતુ હાલની સ્થિતિને જોઈ આ કાર્ય શકય બની શકે તેમ નથી.

વન વિભાગનાં સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દર માસની પુનમનાં દિવસે પોતપોતાના વિસ્તારોમાં સિંહોનું અવલોકન કરી નોંધ કરવામાં આવે છે અને તેનો અહેવાલ પણ પ્રસિઘ્ધ કરાય છે.

આ પ્રકારે પુનમનું અવલોકન છેલ્લા ૭ વર્ષથી કરવામાં આવી રહ્યું છે.

આ વર્ષે સતાવાર રીતે યોજાતી સિંહોની વસ્તી ગણતરી શકય બને તે માટે આવતીકાલથી એક દિવસ વનવિભાગનાં સ્ટાફ દ્વારા સિંહોનું અવલોકન કરવામાં આવશે જેને લઈ વન વિભાગ દ્વારા સુવ્યવસ્થિત રીતે અને ગંભીરતાથી થાય તે માટે સ્ટાફને તાકિદ પણ કરવામાં આવી છે સાથો સાથ આ અવલોકનમાં જે આંકડાઓ સામે આવશે તે વનવિભાગને તેના વ્યવસ્થાપનમાં મદદ પણ કરાશે.

સરકાર દ્વારા અને વનવિભાગ દ્વારા સતાવાર રીતે જાણ કરવામાં આવી છે કે, સિંહોની સમીક્ષા ગણતરી નથી પરંતુ તેનું અવલોકન છે.

હાલ સરકાર દ્વારા ઈકો સેન્સેટીવ ઝોનની હદ વધારા ઘટાડાને લઈ ઘણી અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી પરંતુ હવે સાવજોની વસવાટ કરવા માટેની જગ્યામાં ઘણો ખરો વધારો જોવા મળશે જેમાં ૩૦ હજાર સ્કવેર કિલોમીટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ સાવજોનાં મૃત્યુને લઈ પણ વનવિભાગ ચિંતાતુર છે ત્યારે વર્ષ ૨૦૧૮માં વનવિભાગ દ્વારા ૩૦ સિંહોનાં મૃત્યુ નિપજયા હોવાનું જણાવ્યું હતું જેનું કારણ કેનીન ડિસ્ટેમ્પર વાયરસને પણ જણાવ્યું હતું. સાવજોમાં માત્ર ડિસ્ટેમ્પર વાયરસ નહીં પરંતુ તેનામાં બબેસીયા, થીકબોનપેથેઝોન સહિત અનેકવિધ વાયરસથી હાલ સાવજો પીડાતા હોવાનું પણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.