Abtak Media Google News

ગોળીબારમાં એક નાગરિક પણ ઘવાયો: સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ બુધવારે રાત્રે સોપોર શહેરના બોમાઈ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું

જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સુરક્ષા દળો સાથે રાત્રિ દરમિયાન થયેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ બુધવારે રાત્રે સોપોર શહેરના બોમાઈ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.

સુરક્ષાકર્મીઓએ આ અભિયાનમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ગોળીબારમાં એક નાગરિક પણ ઘાયલ થયો છે. તેમને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે ત્યાં તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા અને બંને નાગરિકો પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

બુધવારે સેનાને 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ ટીમે આ વિસ્તારનો ઘેરાવ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. સેનાના જવાનોને નજીક આવતા જોતા એક મકાનમાં છુપાયેલા આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ શરુ કરી દીધુ હતુ. ત્યાર બાદ સેનાના જવાબી ફાયરિંગમાં બંન્ને આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

આ પહેલા મંગળવારે સુરક્ષા દળોએ શોપિયાંમાં લશ્કર-એ-તૈયબા)ના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ લશ્કર-એ-તૈયબાના દાનિશ ખુર્શીદ ભટ, તનવીર વાની અને તૌસીફ ભટ તરીકે થઈ હતી. તેઓ આતંકવાદના અનેક કેસોમાં સામેલ હતા. દાનિશ ભટ્ટ આતંકવાદીઓની ભરતી પ્રક્રિયામાં પણ સામેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.