Abtak Media Google News

બીસીસીઆઇએ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) તરફથી ભારતીય ક્રિકેટર્સના ડોપ ટેસ્ટ માટે થઈ રહેલા દબાણમાં આવવાનો ઇનકાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી વહીવટદારોની સમિતિ (સીઓએ)એ આ બાબતે એક બેઠક બોલાવી હતી, પરંતુ એ પહેલાં જ મુંબઈની એક હોટલમાં વિનોદ રાય, ડાયના એદલજી અને બીસીસીઆઇના સીઈઓ રાહુલ જૌહરીએ બેઠક કરી.એ બેઠકમાં એવું નક્કી કરી લેવાયું કે ભારતીય ક્રિકેટર્સનો નાડા દ્વારા ડોપ ટેસ્ટ નહીં કરાવાય. આ અંગે નાડાને જવાબ આપવાની તૈયારી પણ બીસીસીઆઇએ કરી લીધી છે.બીસીસીઆઇના ટોચના અધિકારીઓનું માનવું છે કે નાડા બોર્ડને એટલા માટે પોતાના દાયરામાં લાવવા ઇચ્છે છે,જેથી ખેલાડીઓના રોકાવાનાં સ્થળ સંબંધી શરત પર હસ્તાક્ષર કરી શકે.બીસીસીઆઇ હાલ સ્વિડનની સંસ્થા ઇન્ટરનેશનલ ડ્રગ ટેસ્ટ મેનેજમેન્ટ (આઇડીટીએમ)ની સેવાઓ લઈ રહી છે અને બોર્ડ તેની સાથે જ આ કામ ચાલુ કરવા માગે છે.તાજેતરમાં વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)એ ભારતીય રમત મંત્રાલયને પત્ર લખીને કહ્યું હતું કે જો બીસીસીઆઇ પોતાના ખેલાડીઓનો ટેસ્ટ ભારતમાં વાડાની માન્યતા પ્રાપ્ત એકમાત્ર ડોપિંગ સંસ્થા નાડા દ્વારા નહીં કરાવે તો તે નાડાની માન્યતા રદ કરી દેશે.ત્યાર બાદ રમત મંત્રાલય દોડતું થયું હતું, કારણ કે નાડાની માન્યતા રદ કરી દેવામાં આવે તો અન્ય રમતોના ખેલાડીઓના પણ ડોપ ટેસ્ટ અટકી જાય.નાડાના કેટલાક અધિકારીઓનું કહેવું હતું કે જો બીસીસીઆઇ નહીં માને તો તેઓ કાયદાકીય રસ્તો અપનાવીને ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટોમાં ડોપિંગ નિયંત્રક અધિકારી (ડીસીઓ) મોકલી શકે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.