Abtak Media Google News

અલગ અલગ ચાર યાદીમાં તમામ 182 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાશે: સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકોના મૂરતીયાઓની 11મીએ ઘોષણા

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સતત સાતમી વખત ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે ટકોરા મારી મારીને ઉમેદવારોની પસંદગી કરવા માટે  વ્યાપક વ્યાયામ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. આવતીકાલે પણ 77 બેઠક માટે મનોમંથન કરવામાં આવશે. 6 અને 7 નવેમ્બરના રોજ દિલ્હી દરબારમાં ગુજરાતના ઉમેદવારો નકકી કરવા કસરત શરુ કરવામાં આવશે. દરમિયાન આગામી 11 અને 14 નવેમ્બરના રોજ ભાજપ દ્વારા ઉમેદવારોના નામન ઘોષણા કરી દેવામાં આવે તેવી પણ શકયતા નકારી શકાતી નથી.

પ્રથમ તબકકાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છની 56 સહિત કુલ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. જેનું જાહેરનામું આવતીકાલે પ્રસિઘ્ધ થશે. કાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની  પ્રક્રિયા શરુ થઇ જશે. પ્રથમ તબકકામાં જે 89 બેઠકો માટે મતદાન થવાનું છે તે મોટાભાગની બેઠકો માટે 11મી નવેમ્બરે જ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે. જે બેઠકો પર એકથી વધુ મજબૂત દાવેદારો હશે ત્યાં થોડી વધુ ચર્ચા વિચારણા કરી બીજા દિવસે અથવા ફોર્મ ભરવાના અંતિમ દિવસના એક દિવસ પૂર્વ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે. ભાજપના ઉમેદવારો 13મી નવેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરે તેવી શકયતા જણાય રહી છે.

દરમિયાન 5 ડિસેમ્બરના રોજ બીજી તબકકામાં રાજયની 93 બેઠકો માટે મતદાન થવાનું છે જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તીથી 17મી નવેમ્બર છે આ 93 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત 14મી નવેમ્બરના રોજ કરવામાં આવશે. બીજા તબકકા માટે ભાજપના ઉમેદવારો 16મી નવેમ્બરના રોજ ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે.

ભાજપ દ્વારા અલગ અલગ ચાર યાદીમાં તમામ 18ર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા હાલ જણાય  રહી છે. પ્રદેશ ભાજપની ચુંટણી સમિતિ દ્વારા બેઠક વાઇઝ બનાવવામાં આવેલી ત્રણથી પાંચ નામોની પેનલમાંથી ઉમેદવારો નકકી કરવામાં આવશે. તેમાં હાઇકમાન્ડર દ્વારા મોટા ફેરફાર કરવામાં આવે તેવી શકયતા ખુબ જ ઓછી જણાય રહી છે. ભાજપ એક શિસ્તબઘ્ધ પક્ષ છે. જેમાં બેઠક દીઠ બબ્બે ડઝનથી પણ વધુ દાવેદારો હોવા છતાં ઉમેદવારનું નામ જાહેર કરાયા બાદ તમામ દાવેદારો કમળને જીતાડવા માંગે કામે લાગી જાય છે. જુથ બંધી અને વિવાદ કે વિરોધની શકયતા ખુબ જ ઓછી રહે છે તેથી  ભાજપ ગુજરાતમાં કોઇપણ અખતરા કરવા માટે કયારેય અચકાતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.