Abtak Media Google News

ગુજરાત ભાજપે વિધાનસભાની આવતી ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠકો જીતવા માટે તમામ ૧૮૨ બેઠકોને પ્રદેશના ચાર ટોચના નેતાઓ- મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા વચ્ચે વહેંચી છે અને આમાં જે ઓછા માર્જિનથી હારવાળી તથા જોર લગાવવાથી જીતી શકાય એવી બેઠકો છે, તેનો દોર ખુદ મુખ્યમંત્રી રૂપાણી પોતે સંભાળી રહ્યા હોવાનું ભાજપના ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

ભાજપે જે બેઠકો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે તે બેઠકોના નામ જાહેર કરવાનું ટાળતા આ સૂત્રો કહે છે કે, ભાજપે તમામ ૧૮૨ બેઠકો ઉપર ૧૮૨ વાલીઓ નીમી દીધાં છે, જેમની પાસેથી અઠવાડિક- પખવાડિક ફિડબેક રિપોર્ટ મેળવાઈ રહ્યો છે. તદુપરાંત બૂથવાર નિમાયેલા વિસ્તારકો પણ પાર્ટીનો બેઈઝ વધારવા કામે લાગી ગયા છે. જો કે આણંદ, છોટા ઉદેપુર, તાપી જેવા જિલ્લાઓ કે જ્યાંથી કોંગ્રેસના મોટા નેતાઓ પ્રતિનિધિત્વ કરે છે ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રીત થઈ રહ્યું હોવાની ટૂંકી વિગતો પણ આ સૂત્રો આપી રહ્યા છે.

આ સૂત્રો એમ પણ કહે છે કે, છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પાંચ હજાર સુધીના માર્જિનથી જીતી હોય તેવી ૧૪ બેઠકો ઉપરાંત છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતાઈ હોય તેવી પાંચ હજાર સુધીનાં, પાંચ હજારથી ૧૦ હજાર સુધીનાં, ૧૦થી ૨૫ હજાર સુધીના અને ૨૫ હજારથી વધુના માર્જિનવાળી બેઠકોની તારવણી કરી નબળી બેઠકો ઉપર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે કે જેથી અત્યારે ભાજપની જે ૧૨૧ બેઠકો છે તે વધીને ૧૫૦ ઉપર પહોંચે.

ભાજપના સૂત્રો કહે છે કે, વિધાનસભામાં ૧૯૮૫માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસનો ૧૪૯ બેઠકો જીતવાનો રેકર્ડ તોડવા માટે જ ભાજપે આ વખતે ૧૫૦થી વધુ બેઠકો જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો હોવાનું માનવું ભૂલભરેલું છે. વાસ્તવમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપે જીતી ત્યારે ૧૫૦થી વધુ વિધાનસભા બેઠકો ઉપર ભાજપની લીડ નીકળી છે, જેને આધારે ૧૫૦ બેઠકોનું લક્ષ્ય નક્કી થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.