Abtak Media Google News

અબતક, રાજકોટ

Advertisement

રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં 20 લાખ રાજકોટવાસીઓને અસરકર્તા સવાલોની તંદુરસ્ત ચર્ચા કરવાના બદલે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો બાલમંદિરના બાળકોની જેમ સામાન્ય પ્રશ્ર્ને પણ વારંવાર ઝઘડી પડ્યા હતા. પેટા પ્રશ્ર્નની ચર્ચા વેળાએ રોકવામાં આવતા પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની જીભ લપસી હતી અને તેઓએ સભાગૃહમાં બિનસંસદીય શબ્દનો પ્રયોગ કર્યો હતો અને ગુસ્સામાં કહ્યું હતું કે, ‘બોર્ડ કોઈના બાપની જાગીર નથી’ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને અહીં આવ્યો છું, મને બોલતા કોઈ અટકાવી શકે તેવી કોઈની તેવડ નથી.

તેઓના આ શબ્દોથી સભાગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. ભાજપના નગરસેવકોએ વશરામ સાગઠીયાને આ શબ્દો પાછા ખેંચી લઈ બોર્ડની માફી માગવા જણાવ્યું હતું. છતાં તેઓ એકના બે થયા ન હતા. જૂથવાદ, ટાંટીયા ખેંચ અને જૂના કારસ્તાન સહિતના મુદ્દે આજે સભાગૃહમાં ગરિમાના રીતસર લીરેલીરા ઉડ્યા હતા.

જૂથવાદ, ટાંટીયા ખેંચ, જૂના કારસ્તાનના ઉલ્લેખથી બોર્ડમાં ગરિમાના લીરેલીરા ઉડ્યા: પ્રજાના પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા કરવાના બદલે ભાજપ-કોંગ્રેસના નગરસેવકો અનેકવાર આવ્યા સામ-સામા

પ્રજાએ ચૂંટીને મોકલેલા નગરસેવકો પ્રજાલક્ષી પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા કરી શકે અને લોકોની હાલાકી દૂર થાય તે માટે નિયમ મુજબ દર બે મહિને જનરલ બોર્ડની બેઠક મળતી હોય છે. જેમાં એક કલાકના પ્રશ્ર્નોતરીકાળમાં પ્રજાને અસરકર્તા પ્રશ્ર્નોની ચર્ચા કરવાની હોય છે પરંતુ આવું ક્યારેય બનતું નથી. સામાન્ય ચર્ચામાં સામ-સામી આક્ષેપબાજી કરવામાં નગરસેવકો જનરલ બોર્ડનો સમય વેડફી નાખતા હોય છે. આજે મેયર ડો.પ્રદિપભાઈ ડવના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં.3ના ભાજપના નગરસેવીકા કુસુમબેન ટેકવાણીના ટેક્સને લગતા સવાલની ચર્ચા સમયે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો પેટા પ્રશ્ર્ન મુદ્દે અનેકવાર સામસામે આવી ગયા હતા અને ખોટા હંગામા પર ઉતરી આવ્યા હતા.

Screenshot 7 14

પ્રશ્ર્નની ચર્ચા વેળાએ રોકતા કોંગી કોર્પોરેટર વશરામ સાગઠીયાની જીભ લપસી, બોર્ડ કોઈના બાપની જાગીરની નથી, મને બોલતો કોઈ રોકી શકે નહીં તેવા શબ્દનો પ્રયોગ કરતા ભારે હંગામો: શબ્દો પાછા ખેંચી બોર્ડની માફી માગવાની ભાજપના નગરસેવકોની માંગણી પણ પૂર્વ વિપક્ષી નેતાએ નકારી

જેના કારણે પ્રશ્ર્નોતરીકાળમાં 18 કોર્પોરેટરોએ રજૂ કરેલા 40 પ્રશ્ર્નો પૈકી એકમાત્ર પ્રશ્ર્નની અપુરતી ચર્ચા થઈ હતી. જ્યારે વોર્ડ નં.15ના કોંગી કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયાના પેટા પ્રશ્ર્નની ચર્ચા કરતા રોકવામાં આવ્યા ત્યારે તેઓ આગ બબુલા થઈ ગયા હતા અને એવું બોલ્યા હતા કે, જનરલ બોર્ડ કોઈના બાપનું નથી. મને બોલવાનો પુરો અધિકાર છે, કોઈ રોકી શકે નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને હું અહીં બેઠો છું, તેઓના આ શબ્દથી બોર્ડમાં ભારે હોબાળો મચી ગયો હતો.

વોર્ડ નં.2ના ભાજપના નગરસેવક જયમીન ઠાકરે વશરામ સાગઠીયાના આ શબ્દનો ઉગ્ર વિરોધ કરતા એવી માંગણી કરી હતી કે, તેઓ તાત્કાલીક અસરથી પોતે બોલેલા શબ્દ પાછા ખેંચી લે અને સભાગૃહની માફી માંગે, જો કે સામેપક્ષે સાગઠીયાએ શબ્દો પાછા ખેંચવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. એક તબક્કે બન્ને સામસામે આવી ગયા હતા. ઠાકરે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જનરલ બોર્ડના કોઈની જાગીર નથી પરંતુ રાજકોટની 20 લાખ પ્રજાની જાગીર છે. એક કલાકના પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન વશરામ સાગઠીયાએ ચાર વાર હોબાળો મચાવ્યો હતો. એક તબક્કે તેઓ મેયરની વેલ સુધી ધસી આવ્યા હતા. સાગઠીયા અને મનિષ રાડીયા વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. જ્યારે દંડક સુરેન્દ્રસિંહ વાળા અને સાગઠીયા સામ-સામે આવી ગયા હતા.

18 કોર્પોરેટરોના 40 પ્રશ્ર્નો પૈકી 1 માત્ર કુસુમબેન ટેકવાણીના ટેક્સને લગતા પ્રશ્ર્નોમાં એક કલાકનો પ્રશ્ર્નોતરીકાળ વેડફાઈ ગયો: સામાન્ય ચર્ચામાં પણ નગરસેવકો બાલમંદિરના બાળકોની માફક ઝઘડ્યા

પ્રશ્ર્નોતરીકાળનો એક કલાકનો સમય એકમાત્ર પ્રશ્ર્નની ચર્ચા કરવામાં અને ખોટી આક્ષેપબાજી તથા દેકારામાં પસાર થઈ ગયો હતો. શહેર ભાજપમાં ચાલતા જુથવાદ અને ટાંટીયાખેંચનો ઉલ્લેખ કરી કોંગ્રેસે સત્તાધારી પક્ષને ચિંટીયો ભરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વિજયભાઈ રૂપાણીએ રાજકોટના વિકાસ માટે કરેલા કામો માટે કોંગ્રેસે તેઓનો આભાર પણ માન્યો હતો. જનરલ બોર્ડમાં 5 મુખ્ય દરખાસ્ત ઉપરાંત બે અરજન્ટ દરખાસ્ત મુકવામાં આવી હતી. જેમાં મહાપાલિકાની સીધી ભરતીની વર્ગ-1 થી 4ના તમામ સંવર્ગનો વયમર્યાદા સરકારના ધોરણે અમલવારી કરવાના નિર્ણયને બહાલી આપવામાં આવી હતી જ્યારે વોર્ડ નં.9માં કરોડોના ખર્ચે બનેલા અત્યાધુનિક કોમ્યુનિટી હોલનું રાજ્યસભાના સાંસદ સ્વ.અભયભાઈ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ નામકરણ કરવામાં આવ્યું હતું.

શબ્દ સંયમ નહીં રાખનાર નગરસેવકને સભાગૃહની બહાર તગેડાશે: મેયર લાલઘુમ

પ્રજાના પ્રતિનિધિઓએ બોર્ડમાં લોકપ્રશ્ર્નો અંગે ચર્ચા કરવી જોઈએ, નહીં કે ખોટા દેકારા: ડો.પ્રદિપ ડવ

વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયાએ આજે જનરલ બોર્ડમાં ગરિમાનું વસ્ત્રાહરણ કરતા એવા શબ્દનો પ્રયોગ કર્યો હતો કે, જનરલ બોર્ડ કોઈના બાપનું નથી. તેઓના આ નિવેદનથી મેયર ડો.પ્રદિપ ડવ આગબબુલા થઈ ગયા છે. તેઓએ સભાગૃહમાં સાગઠીયાને આવા બિનસંસદીય શબ્દનો પ્રયોગ ન કરવા તાકીદ કરી હતી. સાથે સાથે બોર્ડ પૂર્ણ થયા બાદ પત્રકારો સમક્ષ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે કોંગી કોર્પોરેટર વશરામ સાગઠીયા દ્વારા જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે ખરેખર નિંદનીય છે.

આ શબ્દનો રોજ કામમાં લેવામાં આવશે નહીં. સાથે સાથે તેઓએ કડક ભાષામાં ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરોને એવી તાકીદ કરી છે કે, સભાગૃહમાં જો નગરસેવકો શબ્દ સંયમ નહીં રાખે તો તેઓને તાત્કાલીક અસરથી ગૃહની બહાર તગેડી મુકવામાં આવશે. પ્રજાના પ્રતિનિધિ તરીકે બોર્ડમાં લોકપ્રશ્ર્નોની ચર્ચા થવી જોઈએ નહીં કે ખોટા દેકારા, આજે જે ઘટના બની છે તે ખરેખર નિંદનીય છે. ભવિષ્યમાં આવા શબ્દનો પ્રયોગ બોર્ડમાં ન થાય તે પણ ઈચ્છનીય છે.

વોર્ડ નં.9માં બનેલા કોમ્યુનિટી હોલને અભયભાઈ ભારદ્વાજ નામ અપાયું

Abhay

શહેરીજનોની સુખાકારી માટે કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.9માં ગોપાલ ચોક નજીક વોર્ડ ઓફિસ સામે કરોડો રૂપિયાના ખર્ચે એસી-નોન એસી કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે કોર્પોરેશનમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં આ કોમ્યુનિટી હોલને રાજ્યસભાના સાંસદ સ્વ.અભયભાઈ ભારદ્વાજનું નામ આપવામાં આવ્યું હતું.

સમાજ કલ્યાણ સમીતી દ્વારા આ અંગે ગત 16 મી નવેમ્બરના રોજ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે જનરલ બોર્ડની બેઠકમાં અરજન્ટ બિઝનેશ દરખાસ્ત મુકવામાં આવી હતી. જેમાં ભાજપના કોર્પોરેટર સંજયસિંહ રાણા દ્વારા વોર્ડ નં.9માં બનેલા કોમ્યુનિટી હોલનું અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ નામકરણ કરવા અંગે દરખાસ્ત નગરસેવિકા લીલુબેન જાદવના ટેકાથી રજૂ કરવામાં આવી હતી. જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે. હવેથી વોર્ડ નં.9નો કોમ્યુનિટી હોલના નામથી ઓળખાશે.  આજે જનરલ બોર્ડમાં બીજી એક અરજન્ટ બિઝનેશન દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ભરતીમાં વયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મહાપાલિકાની સીધી ભરતીની વર્ગ-1 થી 4ના તમામ સંવર્ગોની વયમર્યાદામાં સરકારના ધોરણોનો તાત્કાલીક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મિલકત અને પાણી વેરાનું 1326 કરોડનું બાકી લ્હેણુ રિઢા કરદાતાઓ પાસે મિલકત વેરા પેટે 1019 કરોડ અને પાણી વેરા પેટે 307 કરોડ બાકી નિકળતા હોવાની બોર્ડમાં મ્યુનિ.કમિશનરની કબુલાત

જકાત નાબુદી બાદ કોર્પોરેશનની પોતાની કહી શકાય તેવી એકમાત્ર આવક મિલકત અને પાણી વેરાની છે. શહેરના લાખો રીઢા બાકીદારો પાસે મિલકત વેરા અને પાણી વેરા પેટા 1326 કરોડ રૂપિયા લેણા પેટે બાકી નિકળે છે તેવી કબુલાત આજે જનરલ બોર્ડમાં ખુદ મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવી હતી. તેઓએ વોર્ડ નં.3ના નગરસેવિકા કુસુમબેન ટેકવાણીના સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ચાલુ સાલ 861 કરદાતાઓને ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે. 340 કરોડના લક્ષ્યાંક સામે 154 કરોડનું લેણુ બાકી નિકળે છે. જૂના લેણા પેટે મિલકત વેરાના 1019 કરોડ અને પાણી વેરાના 307.10 કરોડ લોકો પાસેથી બાકી નિકળે છે. સરકારી મિલકતો પાસે 66 કરોડની રકમ બાકી છે. જ્યારે મોબાઈલ ટાવર પાસેથી ટેક્સ પેટે 17 કરોડ રૂપિયા બાકી લેણુ નિકળે છે. તેઓએ વોર્ડવાઈઝ કેટલી રકમ બાકી નિકળે છે તેના પણ આંકડાઓ રજૂ ર્ક્યા હતા. ટેકસ ન ભરતા કરદાતાઓ પાસેથી વાર્ષિક 18 ટકા લેખે વ્યાજ વસુલ કરવામાં આવે છે અને તેઓની મિલકત સીલ, જપ્તી કે જાહેર હરાજી કરી નાખવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.