Abtak Media Google News

લોકસભાની ચુંટણીનું વર્ષ હોય મ્યુનિ.કમિશનર કરબોજ સુચવશે તો પણ શાસકો ફગાવી દેશે

રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૧૮-૧૯ની રીવાઈઝડ બજેટ અને વર્ષ ૨૦૧૯-૨૦નું સામાન્ય બજેટ આગામી ૩૧મી જાન્યુઆરીના રોજ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરશે. ટેકસની આવકમાંથી પગાર ખર્ચ પણ નિકળતો ન હોય બજેટમાં રાજકોટવાસીઓ પર કરોડો રૂપિયાનો કરબોજ ઝીંકવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. જોકે ચાલુ લોકસભાની ચુંટણી યોજાવાની હોય મ્યુનિ.કમિશનર બજેટમાં કરબોજ સુચવશે તો પણ ભાજપના શાસકો આ કરબોજની દરખાસ્તને ફગાવી દે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. બજેટમાં સ્માર્ટ સિટીને અનુરૂપ અનેક નવી યોજનાઓ પણ મુકવામાં આવે તેવી સંભાવના છે. ટેકસને બાદ કરતા કોર્પોરેશનની પોતીકી કહી શકાય તેવી કોઈ આવક ન હોય બજેટ સંપૂર્ણપણે ગ્રાન્ટ આધારીત રહેશે.

Advertisement

વોર્ડ નં.૧૩ની પેટાચુંટણી માટે ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. પરીણામ આવ્યા બાદ આચારસંહિતા ઉઠી જશે. જેથી સંભવત: ૩૧મી જાન્યુઆરી એટલે કે ગુરુવારના રોજ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરી દેવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

હાલ મહાપાલિકામાં બજેટલક્ષી ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ શાખાઓ પાસેથી આવક અને જાવકના હિસાબો મેળવી લેવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી તરીકે રાજકોટ શહેરની પસંદગી થઈ હોય બજેટમાં સ્માર્ટ સિટીને લગતી કેટલીક યોજનાઓ પણ મુકવામાં આવે તેવી શકયતા જણાઈ રહી છે. ચાલુ સાલના બજેટનું કદ ૨૨૦૦ કરોડથી પણ વધુનું હતું. જોકે રીવાઈઝડ બજેટ માત્ર ૫૦ થી ૬૦ ટકા એટલે કે ૧૧૦૦ થી ૧૨૦૦ કરોડ આસપાસ રહે તેવું હાલ દેખાઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી કરવામાં આવી હોવાના કારણે ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડયું છે.

ટેકસની આવકમાંથી હાલ મહેકમ ખર્ચ પણ નિકળતો નથી. વિકાસ કામો સંપૂર્ણપણે ગ્રાન્ટ આધારીત બની ગયા છે. આવામાં કાર્પેટ એરિયાના દરમાં પણ વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આ ઉપરાંત સફાઈ સરચાર્જના નામે શહેરીજનો પર નવો જ કરબોજ લાદવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. બજેટમાં અનેક નવી યોજનાઓ મુકવામાં આવશે. લોકોની આંખો ચાર થઈ જાય તેવું બજેટ રજુ કરવાના બદલે વાસ્તવિક બજેટ આપવાનો પુરો પ્રયાસ કરાશે.

મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની ૩૧મી જાન્યુઆરીના રોજ દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજુ કરશે જેમાં જો કરબોજ લાદવાની ભલામણ કરવામાં આવશે તો શાસકો આ ભલામણને ઉડાડી દે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. કારણકે આગામી એપ્રિલ કે મે માસમાં લોકસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે કરબોજના કારણે શહેરીજનો નારાજ થાય તો ચુંટણી પરીણામો પર અસર પડે તેવી સંભાવના દેખાઈ રહી હોય શાસકો કોઈપણ જાતનું જોખમ લેવા તૈયાર નથી.

કમિશનર રજુ કરશે તે બજેટ પર સ્ટેન્ડિંગ કમિટી સતત ૮ દિવસ સુધી અભ્યાસ કર્યા બાદ સંભવત: ૭મી ફેબ્રુઆરીના રોજ બજેટને મંજુરીની મહોર મારી દે તેવી સંભાવના દેખાઈ રહી છે. બીપીએમસી એકટના નિયમ મુજબ ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં જનરલ બોર્ડમાં બજેટ મંજુર કરી રાજય સરકારમાં મોકલી દેવાનું હોય ૧૫ થી ૧૮ ફેબ્રુઆરી સુધીમાં તમામ પ્રક્રિયા આટોપી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.