Abtak Media Google News

રંગોળી, ફળ સુશોભન, ચુંદડી અર્પણની સાથે સવા લાખ મંત્રના જાપથી ગુંજી ઉઠ્યું ખોડલધામ

હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. રાજ્યના અનેક મંદિરો અને ધર્મસ્થાનોમાં ચૈત્રી નવરાત્રીની દબદબાભેર ઉજવણી કરાઈ રહી છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી ભક્તો ધન્ય બની રહ્યા છે. નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીની ભક્તિ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોવાથી ભક્તો દ્વારા માતાજીની વિવિધ રીતે આરાધના કરવામાં આવી રહી છે.

ચૈત્રી નવરાત્રીના નવ નોરતાની વિશિષ્ટ રીતે ઉજવણી કરવાનું આયોજન દર વર્ષની જે આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરાયું છે. વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિર-કાગવડ ખાતે ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ વિવિધ કાર્યક્રમો થકી મા ખોડલની ભક્તિ કરાઈ રહી છે. ચોથા નોરતે પણ મા ખોડલની આરાધના કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ખોડલધામ ખાતે મા ખોડલની વિશેષ પૂજા અર્ચના કરવા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને દરરોજ હજારો મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહી છે.

1 8

ચોથા નોરતે ગોંડલ, બોટાદ, ચરખડી, ભોજપરા અને શાપર-વેરાવળથી મોટી સંખ્યામાં મહિલાઓ ખોડલધામમાં આવી હતી અને રંગોળી, ફળ સુશોભન, રાસ-ગરબા, કિર્તન અને માતાજીને ચુંદડીઓ અર્પણ કરી હતી.

શાપર-વેરાવળ, ચરખડી અને ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા માતાજીને અવનવી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. મહિલાઓ જાતે બનાવેલી આકર્ષિત ચુંદડી મા ખોડલને અર્પણ કરાઈ હતી.

શાપર-વેરાવળ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચોથા નોરતે ખોડલધામ મંદિર પરિસરમાં આકર્ષક રંગોળી તૈયાર કરી હતી. શાપર-વેરાવળ મહિલા સમિતિની બહેનોએ બેટી બચાવો-બેટી પઢાવોની થીમ પર સરસ રંગોળી બનાવી હતી. આ રંગોળીએ મંદિરે દર્શન માટે આવતા ભક્તોનું ધ્યાન ખેંચ્યું હતું.

ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આજે ફળ સુશોભન કરવામાં આવ્યું હતું. મહિલા સમિતિની બહેનોએ ચીકુ, દ્રાક્ષ, કેળા, દાડમ, સફરજન, નારંગી અને તરબુચ સહિતના ફળોથી સુશોભન કર્યું હતું અને આ ફળનો ભોગ માતાજીને ધરવામાં આવ્યો હતો.

ખોડલધામમાં ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી દરરોજ મા ખોડલના મંત્ર જાપ કરાઈ રહ્યા છે. ચોથા નોરતે પણ ખોડલધામ ખાતે ૧,૧૬,૧૦૦ મંત્રના જાપ કરવામાં આવ્યા હતા. ભોજપરા, ગોંડલ, ચરખડી, બોટાદ અને વેરાવળની ૨૧૫થી વધુ મહિલાઓએ મંત્ર જાપમાં ભાગ લીધો હતો. સવા લાખથી વધુ મંત્ર જાપથી ખોડલધામ ગુંજી ઉઠ્યું હતું.

નવરાત્રીના નવ દિવસ સુધી આ પ્રકારે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવ દિવસ સુધી ઠેર ઠેરથી ભક્તો મા ખોડલની આરાધના કરવા આવી રહ્યા છે સાથે મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રીના ભવ્ય કાર્યક્રમો પણ ઉજવાઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં કોઈ અગવડ ન ઉભી થાય તે માટે મહિલા સમિતિની બહેનો વિશેષ સેવા આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.