Abtak Media Google News

પોસ્ટિંગ મેળવવા બાબતે વિવાદનો મધપુડો છેડાયો

કૌભાંડી સાધ્વી જયશ્રીગીરીના સંપર્કમાં શહેરના એક IPSનો દીકરો હોવાની વાત અન્ય એક IPS દ્વારા જ ઉછાળવામાં આવી હોવાની ચર્ચાથી બે અધિકારીઓ વચ્ચે વિવાદનો મધપુડો છંછેડાયો છે. સૌરાષ્ટ્રમાં રેન્જ આઈ.જી.ના સ્કવોડે એક જિલ્લામાં દારૂ ભરેલી ટ્રકનો કેસ ખોટી રીતે કર્યાનું ખુલતા ડીએસપી અને રેન્જ આઈજી વચ્ચે તડાંતડી સર્જાઈ હતી. IPS અધિકારીઓ વચ્ચેના આ તડાં આગામી દિવસમાં થનારી બદલીઓમાં ભૂમિકા ભજવે તે પહેલાં એક જાણીતા સિનિયર અધિકારીએ અમદાવાદ કે આસપાસ પોસ્ટિંગ મેળવવા ઊભા કરેલા દબાણથી બદલીઓ સ્થગિત થઈ હોવાની ચર્ચાએ રાજ્યભરના પોલીસબેડાનો માહોલ ગરમાવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, હાલ રાજ્યમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના કેટલાક અધિકારીઓમાં શીત યુધ્ધ શરૂ થયાં છે.

સૂત્રોનાં કહેવા અનુસાર, મહેસાણાના કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ સમયે રેન્જ આઈજી આર.બી. બ્રહ્મભટ્ટ રજા પર હતા. વિવાદ એ હદે વકર્યો હતો કે સ્થિતિને કાબૂમાં લેવા સ્થાનિક અધિકારીઓથી માંડીને ગાંધીનગર અને અમદાવાદથી અધિકારીઓને દોડાવ્યાં હતા. જો કે, ત્યાં અધિકારીઓ વચ્ચે ખાનગી મતભેદના કારણે મીસ કોમ્યુનિકેશન સર્જાયું અને એક જ દિવસમાં પોલીસ અને સરકારે કરેલી બે અલગ પ્રેસ કોન્ફરન્સમાં બે અલગ વાત કરાઈ હતી. એક જ ઘટના પર પોલીસ અને સરકારના અલગ અલગ મત કેમ સર્જાયા/ તે સ્થિતિ તે જ રાત્રે સ્પષ્ટ થઈ અને સિનિયર IPS અધિકારીએ કરેલી ભૂલની સજા એક મંત્રીના ઠપકા સ્વરૂપે જુનિયર IPS અધિકારીને ભોગવવી પડી. કહેવાય છે કે, આ અધિકારીએ અમદાવાદમાં કરેલી ગોઠવણ મહેસાણામાં કેમ ન કરી શક્યાં/ સરકારને શંકા હતી કે, આ પાછળ પણ IPS વચ્ચેના મતભેદ અને મનભેદ કામ કરી રહ્યાં છે! કહેવાય છે કે, મામલો થાળે પાડવા આર.બી. બ્રહ્મભટ્ટને તાબડતોબ પરત બોલાવાયા હતા.

સૂત્રોનું કહેવું છે કે, આ સમયે જ સરકારને IPS વચ્ચેના તડાં સમજાયા અને બદલીઓના સોગઠાં ગોઠવાઈ રહ્યાં હતા ત્યારે એક વજનદાર IPS અધિકારીએ અમદાવાદ કે આસપાસ પોસ્ટિંગ મેળવવાની માંગણી કરતા સરકાર વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં આવી ગઈ છે. સૂત્રોનું કહેવું છે કે, આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં એક રેન્જ આઈજી અને તાબાના ડીએસપી વચ્ચે ખોટી રીતે દારૂ ભરેલી ટ્રક પોતાના જિલ્લામાંથી બતાવી હોવાનો વિવાદ સર્જાયો છે. કૌભાંડી સાધ્વી જયશ્રીગીરીના કોલ ડિટેલ્સમાં અમદાવાદનાં જ એક IPSના દીકરાનો નંબર હોવાની વાત બીજા IPSએ ઉડાવી હોવાની ચર્ચા છે. ચર્ચા એવી પણ છે કે, આ વાત બે આઈપીએસએ મળીને ત્રીજાને પરેશાન કરવા ઉડાવી છે. બદલીઓ પહેલાના આ વિવાદને બદલીથી બરાબર કરી લેવા પણ સરકાર સક્રિય હોવાનું સૂત્રોનું કહેવું છે. આ વિવાદ કાગળો પર ઉકેલાતા જ ટૂંક સમયમાં અધિકારીઓની બદલી આવશે તેમ જાણકારોનું કહેવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.