Abtak Media Google News

શા માટે રીબેરો સુપર કોપ ગણાતા હતા!

પંજાબમાં ખાલિસ્તાની ચળવળ સમયે જુલીયોને અપાયું હતું સ્પેશિયલ પોસ્ટિંગ

ઓપરેશન બ્લુ સ્ટાર, ઇમરજન્સી સમયે સુપર કોપ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારી જુલીયો રીબેરો. આ સ્વતંત્રતા પર્વે દેશના એવા પોલીસ અધિકારી વિશે એક વિગતવાર અહેવાલ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે કે જેમણે અત્યંત કઠિન પરિસ્થિતિમાં સૂઝબુઝ સાથે તો ફરજ બજાવી જ છે પણ કાયદો બધા માટે સમાન હોય તેવી રીતે સરકારી ટેબલના કાચ તોડવાના ગુન્હામાં મુખ્યમંત્રીના પુત્રની પણ ધરપકડ કરી દાખલો બેસાડ્યો હતો.

હાલ 94 વર્ષીય રીબેરોને ઇન્ડિયન પોલીસ સર્વિસના ઇતિહાસમાં સુપર કોપ માનવામાં આવે છે. તેઓ મુંબઈ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવીને સેવા નિવૃત થયાં હતા.

જુલીયો રીબેરોએ તેમના અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, મને આજે પણ યાદ છે 15મી ઓગસ્ટ, 1947 કે જયારે આપણો દેશ આઝાદ થયો હતો. મારી ઉંમર ત્યારે 18 વર્ષની હતી અને હું બી. કોમ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. મારો ભાઈ અને મારી બે બહેનો જે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતાં હતા. એ દિવસે હું જયારે વિક્ટોરિયા ટર્મીન્સ(હાલનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિન્સ) ખાતે ગયો હતો જ્યાં લોકોના ટોળાં હતા, બધાના ચહેરા પર સ્મિત હતું, તહેવાર જેવો માહોલ હતો, બધે ત્રિરંગો ફરકી રહ્યો હતો. ત્યારે મે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ’ફ્રીડમ એટ મીડ નાઈટ’ સ્પીચ અનેકવાર સાંભળી હતી.

તેમણે તેમનો એક અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, હું જયારે કોલેજમાં હતો ત્યારે હું કોલેજ યુનિયનનો સેક્રેટરી હતો અને અમારી કોલેજમાં લેક્ચર આપવા માટે પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન મોહમ્મદ અલી ઝીણાને તેમના મલબાર મેંશન ખાતે મારા એક મુસ્લિમ મિત્ર સાથે આમંત્રણ આપવા ગયો હતો. ત્યારે તેમણે મારી સાથે વિગતવાર ચર્ચાઓ કરી હતી પરંતુ તેમણે અમારું આમંત્રણ સ્વીકાર્યું ન હતું.

જુલીયો જયારે આઈપીએસ તરીકે પસંદગી પામ્યાં ત્યારબાદ તેઓ અનેકવાર ગાંધીજી અને જવાહરલાલ નહેરુને મળ્યા હતા જેની યાદો વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, હું જયારે નાંદેડ એસપી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે એકવાર મારી પત્ની અને બાળક સાથે ગાંધીજી અને પંડિતજીને મળ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ત્યારનો સમય અને આજનો સમય તદ્દન જુદો છે. હાલ પોલીસ તંત્રમાં રાજકારણનું ચંચૂપાત લહુબા વધી ગયો છે જેના લીધે પોલીસ તંત્ર ક્યાંક પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠા સાથે બજાવી શકતું નથી. તેમણે યાદો વાગોળતા કહ્યું હતું કે, મે અનેક સરકારોમાં ફરજ બજાવી છે જેમાં મે યશવન્ત ચવાન, મોરારજી દેસાઈ અને વસંતદાદા પાટિલને મુખ્યમંત્રી તરીકે જોયા છે. જયારે વસંતદાદા મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો પુત્ર એજ આઈએએસ અધિકારીને મળવા ગયો હતો અને તેણે અધિકારી સાથે ઉગ્ર ચર્ચા થતાં કાચનો ટેબલ ગ્લાસ તોડી નાખ્યો હતો.

સમગ્ર મામલાની મને જયારે જાણ થઇ ત્યારે મે વસંતદાદાને ફોન કર્યો કે જેઓ ચાલુ મુખ્યમંત્રી હતા. મે એમને આખી ઘટનાની વાત કરી અને કહ્યું કે, હું આપના પુત્રની ધરપકડ કરવા જઈ રહ્યો છું અને મે કરી પણ બતાવ્યું. તેઓ કહે છે કે, શું આજે કોઈ પોલીસ અધિકારી આ પ્રકારના પગલાં લેવાનું વિચારી શકે કે કેમ?

કેન્દ્રીય મંત્રીના આદેશને માનવાનો ઇન્કાર કર્યો!!

તેમણે કહ્યું કે, તેઓ જયારે પંજાબમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે એક કેન્દ્રીય મંત્રીએ તેમને મોડી રાત્રે બોલાવીને અમુક લોકોની ધરપકડ કરવા કહ્યું હતું જેથી તેઓ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની ચૂંટણીમાં મતદાન ન કરી શકે. જેનો જવાબ આપતાં મે સ્પષ્ટ કહ્યું હતું કે, હું અહીંયા ખાલિસ્તાનીઓ સામે લડવા માટે આવ્યો છું નહીં કે તમારા પક્ષનું કાર્ય કરવા માટે મને અહીંયા પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

મોટામાં મોટો હોદ્દો ધરાવતી વ્યક્તિ ગુનો આચરે તો તેને ફકત આરોપી તરીકે જ જોવો જોઈએ : જુલીયોની પોલીસ તંત્રને શીખ

જુલીયો રીબેરો કહે છે કે, એક નિષ્ઠાવાન પોલીસ અધિકારી-કર્મચારી માટે આરોપી ફકત આરોપી જ હોવો જોઈએ. ગુન્હો આચરનાર શખ્સ ગમે તેવો હોદ્દો ધરાવતો હોય અથવા ગમે તે રાજકારણીનો સંબંધી હોય પોલીસ માટે તે માત્ર આરોપી જ હોવો જોઈએ અને તેની સાથે સનિષ્ઠ પોલીસકર્મી તરીકે જ વર્તવું જોઈએ તો જ સમાજમાં અમન-શાંતિની સ્થાપના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.