Abtak Media Google News

રાજકોટ કોર્પોરેશનના 81 કોન્ટ્રાક્ટ બેઇઝ ડ્રાઇવરોએ પગાર પ્રશ્ર્ને હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપી છે. સરકારના નિયમ મુજબ વેતન ન મળતું હોય ઉપરાંત ઓવર ટાઇમ પણ ચૂકવવામાં આવતું નથી. આ સંદર્ભે આજે મેયર સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.

સરકારના નિયમ મુજબ વેતન મળતું ન હોવાના કારણે 81 ડ્રાઇવરોએ કરી પદાધિકારીઓ અને અધિકારીઓને રજૂઆત

ફાયર બ્રિગેડ શાખામાં કોન્ટ્રાક્ટ બેઇઝ ફરજ બજાવતા 81 ડ્રાઇવરોએ આજે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે તેઓને દર મહિને 8,874 રૂપિયા પગાર મળે છે. સરકાર દ્વારા નિયમ કરાયેલા લઘુત્તમ વેતન જેટલો પણ નથી. આ ઉપરાંત વાવાઝોડું, હોનારત કે કોઇપણ અકસ્માતના બનાવોમાં તેઓને કામગીરી સોંપવામાં આવે છે પરંતુ મેડિકલ સહાય ચુકવવામાં આવતી નથી. ઓવર ટાઇમનું પણ વેતન આપવામાં આવતુ નથી. ઇમરજન્સી શાખામાં નોકરી કરતા હોવા છતાં તેઓને કોઇ ઓળખપત્ર આપવામાં આવ્યું નથી.

જેના કારણે અલગ-અલગ વિભાગોની હેરાનગતિ પણ સહન કરવી પડે છે. જે સેલરી ચુકવવામાં આવે છે તેની કોઇ સ્લીપ આપવામાં આવતી નથી. જેના કારણે તેઓનું પીએફ કેટલું કપાય છે તેનો કોઇ અંદાજ નથી. ઓવર ટાઇમ અપાતો નથી. સાથોસાથ જો કોઇ કારણોસર રજા રાખે તો પણ તેનો પગાર કાપી લેવામાં આવે છે. પડત્તર માંગણીઓનો યોગ્ય નિવેડો લાવવા રજૂઆત કરવામાં આવી છે. અન્યથા આગામી દિવસોમાં અચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતરી જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.