કોંગ્રેસે  સાત-સાત કાર્યકારી પ્રમુખોને ‘ઇજજત’ બચાવવા મેદાનમાં ઉતાર્યા !

સાત સહેલીયા ખડી… ખડી…બાતેં કરે ઘડી… ઘડી…

ચૂંટણી વર્ષમાં કોંગ્રેસને વધુ તુટતી બચાવવાની વ્યહુ રચના કે પછી સંગઠનને તાકાતવર બનાવાયું ?

દ્રોપદી પાસે પાંચ પાંડવો હોવા છતાં ભરી સભામાં તેનું ચિરહરણ થતું રોકી શકયા ન હતા. એક રક્ષક જો તાકાતવાર ભાજપ પાસે પ્રદેશ પ્રમુખ તરીકે શકિતશાળી એવા સી.આર. પાટીલ છે જેના ઇશારે હાલ આખો પક્ષ ચાલતો નથી પણ દોડે છે. કોંગ્રેસની સ્થિતિ તદન વિપરીત છે. જગદીશ ઠાકોર પ્રમુખપદે બિરાજમાન હોવા છતાં હાઇકમાન્ડ દ્વારા સાત-સાત કાર્યકારી પ્રમુખ નિમવામાં આવ્યા છે. વિધાનસભાની આગામી ચુંટણીમાં જીતી શકેશ કે કેમ તેની સામે સવાલો ઉભા થઇ રહ્યા છે તેને કાર્યકારી પ્રમુખનો ખેસ પહેરાવી દેવામાં આવ્યો છે.

માત્ર ગુજરાતમાં જ નહી દેશભરમાં કોંગ્રેસની હાલત સતત દયનીય થઇ રહી છે. એક પછી એક ચૂંટણીમાં પછડાટ મળ્યા છતાં પક્ષના નેતા કોઇ આત્મચિંતન કરતા નથી. જેના કારણે ચુંટણી દર ચૂંટણી પરિણામ સુધરવાના બદલે કથળી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચુઁટણીના ચાર કે પાંચ માસ પૂર્વ રાજયમાં સાત કાર્યકારી પ્રમુખની વરણી કરવામાં આવી છે. આ પક્ષને વધુ તુટતો બચાવવાની વ્યુહ રચના છે કારણ કે જો સંગઠનને મજબુત બનાવવા માટે આ કરવામાં આવ્યું હોય તો તે તદન ખોટો નિર્ણય છે. કારણ કે ચુઁટણીના આડે ચાર-પાંચ મહિના બાકી રહ્યા હોય ત્યારે કાર્યકારી પ્રદેશ પ્રમુખોની વરણી કરવામાં આવે તો તેની પાસે સંગઠનને મજબુત બનાવવા માટે પર્યાપ્ત સમય રહેતો નથી. બીજી તરફ પક્ષમાં સીનીયર આગેવાનોની ફોજ છે. અને અનેક સીનીયર ધારાસભ્યો પણ સંગઠનમાં સ્થાન મેળવવા માટે દાવેદાર હતા છતાં તેઓની અવગણના કરી માનીતાને કાર્યકારી પ્રમુખનો તાજ પહેરાવી દેવામાં આવતા થોડી ઘણી નારાજગી પણ વ્યાપી મળી છે.

જે ધારાસભ્ય હવે જીતી શકશે કે કેમ? તેની સામે પણ શંકા છે તેને કાર્યકારી પ્રમુખ બનાવી દેવાયા: નવી વરણીમાં પણ ‘ખામ’ થિયરી

આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ તો એવું જાહેરમાં કરી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસ માત્ર વિરોધપક્ષનું સિમ્બોલ બચાવવા  ચુંટણી લડે છે તેઓની વાતમાં દમ પણ છે. કારણ કે કોંગ્રેસે એક સબળ વિપક્ષની જવાબદારી કયારેય નિભાવી નથી. વિધાનસભાની ચુંટણી વર્ષમાં કોંગ્રેસે પક્ષને વધુ તુટતો બચાવવા ખામ થીયરી અપનાવી છે અને એક-બે નહી સાત સાત કાર્યકારી પ્રમુખની વરણી કરી છે.

થોડા મહિનાઓ પહેલા કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષ નેતાની નવી નિમણુંક કર્યા બાદ ચુંટણી વર્ષમાં કોંગ્રેસને વધુ તુટતી બચાવવા માટે મરણીયા પ્રયાસના ભાગરુપે એક સાથે સાત કાર્યકારી પ્રમુખની રાતોરાત વરણી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના ત્રણ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં હવે સાતેય કાર્યકારી પ્રમુખોને અલગ અલગ ઝોનની જવાબદારી સોંપી દેવામાં આવશે.

કદાવર પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. હાર્દિકે જુથના કેટલાક ધારાસભ્યો વંડી પર બેઠા છે તક મળતાની સાથે છેડો ફાડી ગમે ત્યારે આપ અથવા ભાજપમાં જોડાઇ જાય ભીતી પક્ષને વર્તાય રહી છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ચારથી પાંચ મહિનાનો સમય ગાળો બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસને વધુ તુટતી બચાવવા માટે હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં નિયમિત અને સક્રિય પ્રમુખ  હોવા છતાં સાત-સાત કાર્યકારી પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે અગાઉ એક જ હાર્દિક પટેલ કાર્યકારી પ્રમુખ હતા.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુ ગોપાલ દ્વારા ગઇકાલે મોડી રાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સાત કાર્યકારી પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય લલીતભાઇ કગથરા, ધારાસભ્ય જીજ્ઞેશભાઇ માવાણી, ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, ધારાસભ્ય અમરિશભાઇ ડેર, ધારાસભ્ય પીરજાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તમામને  તાત્કાલીક અસરથી ચાર્જ સંભાળી લેવા તાકીદ કરવામાં આવી છે. સાતેય કાર્યકારી પ્રમુખોને આગામી દિવસોમાં ઝોન વાઇઝ હવાલો સોંપી દેવામાં આવશે.

જો કે કાર્યકારી પ્રમુખની વરણી બાદ પણ નારાજગી વ્યાપી જવા પામી છે. સીનીયર ધારાસભ્ય કે આગેવાન હોવા છતાં હોદો ન મળતા ભારે નારાજગી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઘેરા પડઘા પડે તેવી પણ સ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે.

  • કોંગ્રેસની લડાઇ ભાજપ સામે કે “આપ” સામે
  • એક નિયમીત અને સાત કાર્યકારી પ્રમુખ હવે કોંગ્રેસમાં ખરેખર “બાપ” કોણ ?

ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ અસ્તિત્વમાં ન હોવાના કારણે કોંગ્રેસને દર વખતે કોઇપણ ચૂંટણી હોય મહેનત કર્યા વિના વિરોધ પક્ષનું પદ મળી જતું હતું. કોંગ્રેસ ક્યારેય સત્તા માટે સંઘર્ષ કર્યો જ નથી. વિપક્ષનું પદ મળતા રાજીરાજી થઇ જાય છે. પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ચિત્ર થોડું અલગ છે. કારણ કે ગત વર્ષ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ આપને ખોબલા મોઢે મત આપ્યા હતા. હવે રાજ્યમાં જો કોંગ્રેસ સત્તા માટે લડ્યુ હશે તો ભાજપ સાથે બાથ ભીડવી પડશે અને વિપક્ષનું પદ બચાવવા ઝઝૂમ્યુ હશે તો આમ આદમી પાર્ટી સાથે બબ્બે હાથ કરવા પડશે. નિયમિત પ્રમુખ જગદીશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા છે. તેના પર સાત-સાત કાર્યકારી પ્રમુખ બેસાડી દેવામાં આવતા હવે ગુજરાતમાં કોંગ્રેસનો “બાપ” કોણ તે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.