Abtak Media Google News

અબતક, નવી દિલ્હી :

કોંગ્રેસે પંજાબમાં કરતારપુર સાહેબને લઈને ભાજપને ભીડવ્યું છે. કોંગ્રેસે પહેલા કરતારપુર યાત્રા શરૂ કરવા મુદ્દે ભાજપને ઉશ્કેર્યા બાદ ભાજપે આ યાત્રા શરૂ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપનું ડેલીગેશન આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યું છે. પણ હાલના સબંધો જોતા વડાપ્રધાન પાકિસ્તાન સરકાર સામે કોઈ માંગણી મૂકી શકે તેવા સંજોગો જણાતા નથી.

કોંગ્રેસે યાત્રા શરૂ કરાવવા ભાજપને ઉશ્કેર્યુ, જેને પગલે ભાજપે વડાપ્રધાનને રજુઆત કરી :

ધાર્મિક લાગણીને લઈને રાજકારણ ગરમાયુ

કેપ્ટન અને ભાજપે ખેડૂત આંદોલન સહિતના મુદ્દે એક પછી એક દાવ ખેલ્યા બાદ હવે કોંગ્રેસે પણ દાવ ખેલ્યો છે. કોંગ્રેસે પ્રથમ તો ભાજપને કરતારપુર યાત્રા શરૂ કરવા મુદ્દે ઉશ્કેર્યું હતું. બાદમાં જો ભાજપ આ યાત્રા શરૂ કરાવવા પ્રયાસ ન કરત તો શીખ સમુદાયની નારાજગીનો સામનો કરવો પડત. પણ ભાજપે આ દિશામાં પ્રયાસ તો શરૂ કરી દીધા અને આ મામલે વડાપ્રધાન સમક્ષ રજૂઆત પણ કરી છે. પણ હવે પ્રશ્ન એ છે કે ભારત અને પાકિસ્તાનના સબંધો સતત વણસી રહ્યા છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન સરકાર સમક્ષ કોઈ માંગણી મુકે તેવી કોઈ શકયતા જણાતી નથી.

ભારત- પાકિસ્તાન બન્ને દેશો વચ્ચે ચાલતા ખટરાગ દરમિયાન વડાપ્રધાન
પાકિસ્તાન સરકાર સામે યાત્રાને મંજૂરી આપવાની માંગણી મૂકે તેવી શકયતા નહિવત

પંજાબના ભાજપના નેતાઓના એક પ્રતિનિધિ મંડળે રવિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નેતાઓએ વડાપ્રધાનને ગુરુપર્વ પહેલા કરતારપુર કોરિડોરને ફરીથી ખોલવાની રજુઆત કરી હતી. આ કોરિડોર ભારતીય તીર્થયાત્રીઓને પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લેવા માટે ભારતથી વિઝા વિના સરહદ પાર કરવાની મંજૂરી આપે છે.

આ કોરિડોર ભારતના ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરા બાબા નાનક મંદિરને કરતારપુર સાહિબ સાથે જોડે છે, જે શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક દેવનું નિર્વાણ સ્થળ છે. કોવિડ-19 રોગચાળાના ફેલાવાને કારણે માર્ચ 2020 માં કરતારપુર સાહિબની યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પંજાબ ભાજપના 11 નેતાઓ વડાપ્રધાન મોદીને મળ્યા અને તેને ફરીથી શરૂ કરવાની માંગ કરી હતી.

પંજાબ બીજેપી અધ્યક્ષ અશ્વની શર્માએ કહ્યું કે તેઓ વડાપ્રધાન મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા અને તેમને ગુરુ નાનક દેવના ભક્તોની ભાવનાઓથી વાકેફ કર્યા હતા. તેમણે કહ્યું, અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ગુરુપર્વ (ગુરુ નાનક દેવની જન્મજયંતિ) પહેલા કરતારપુર કોરિડોરને ફરીથી શરૂ કરવાની માંગ કરી છે. જે 19 નવેમ્બરે ઉજવવામાં આવશે.

શર્માએ કહ્યું કે અમને આશા છે કે તે ટૂંક સમયમાં શરૂ થઈ જશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે, જેઓ આ પ્રતિનિધિમંડળનો ભાગ હતા, તેઓએ જણાવ્યું હતું કે પંજાબના પક્ષના નેતાઓએ પણ રાજ્ય અને શીખ સમુદાય માટે ઐતિહાસિક પહેલ કરવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. કરતારપુર સાહિબ ગુરુદ્વારા શીખ સંપ્રદાયના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.