Abtak Media Google News

લાઈન તુટતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર: ભાજપના કોર્પોરેટર અને આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા: વિતરણ રાબેતા મુજબ

ભુગર્ભ ટાંકાની સફાઈ કામગીરી હાથ ધરવાની હોવાના બહાનાતળે આજે મહાપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના પાંચ વોર્ડમાં પાણી કાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે તો બીજીતરફ આજે સહકાર મેઈન રોડ પર પાઈપલાઈન તુટવાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો જોકે વિતરણ પૂર્ણ થયા બાદ લાઈન તુટી હોવાના કારણે વિતરણ વ્યવસ્થા પર કોઈ અસર પડી ન હતી.

Advertisement

Img 20180420 Wa0017ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ઈએસઆર, જીએસઆરની સફાઈ કામગીરી હાથ ધરવાની હોવાના કારણે આજે શહેરના વોર્ડ નં.૨,૭,૮,૧૦ અને ૧૧ના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. એક થયા બીજા કારણોસર મહાપાલિકા શહેરીજનો પર આડકતરો પાણીકાપ ઝીંકી રહી છે તો બીજી તરફ અધિકારીઓની અણઆવડતના કારણે લાઈન લીકેજ થવાના કારણે લાખો લીટર પાણી વેડફાય જાય છે.

શહેરના વોર્ડ નં.૧૭માં સહકાર નગર મેઈન રોડ પર આજે સવારે અચાનક પાણીની પાઈપલાઈન ધડાકાભેર તુટવાના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી હતી. જાણે વરસાદનું ઝાપટુ પડયું હોય તે રીતે રાજમાર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા અને સહકાર નગર મેઈન રોડ પરથી આ પાણી શ્રીજી સોસાયટી ચોક સુધી પહોંચી ગયું હતું. લાઈન લીકેજના કારણે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું હોવાની જાણ થતા વોર્ડના કોર્પોરેટર અનીતાબેન ગોસ્વામી, ભાજપના અગ્રણી ગૌતમભાઈ ગૌસ્વામી અને વિરેનભાઈ ડાંગરેચા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાબડતોબ પાઈપલાઈન રીપેરીંગની કામગીરી શરૂ કરાવી હતી. સહકાર નગર મેઈન રોડ આસપાસના વિસ્તારમાં સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં પાણી વિતરણ કરી દેવામાં આવે છે. વિતરણની કામગીરી પૂર્ણ થયા બાદ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે વિતરણ વ્યવસ્થા પર કોઈ અસર પડી ન હતી પરંતુ મહામુલુ લાખો લીટર પાણી વહી ગયું હતું.

મહાપાલિકાના શાસકો અને અધિકારીઓ એકતરફ શહેરીજનોને પાણી બચાવવા માટે સુફિયાણી સલાહ આપી રહ્યા છે પરંતુ તંત્રની અણઆવડતના કારણે છાશવારે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાય છે અને પાણીનો વેડફાટ થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.