Abtak Media Google News

મહામારી બાદ અથતંત્રના વિકાસની ગાડી પાટા પર લાવવા ગ્રામ પંચાયતોને સ્વનિર્ભર બનાવવી અતિ આવશ્યક

કોરોના મહામારીએ ભારતીય સમાજ વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા અને રાજકારણને કેટલાક એવા પાઠ ભણાવ્યા છે જે સદીઓ સુધી યાદ રહેશે. ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આગામી સમયમાં દેશમાં ગાંધીના ગ્રામ સ્વરાજનો વિચાર અપનાવવો પડી શકે છે. ગ્રામ પંચાયતો સ્વનિર્ભર બનાવવાની હિમાયત આઝાદીકાળથી થતી આવી છે. ત્યારબાદ થોડા વર્ષોમાં પંચાયતો અને સરપંચને અપાયેલી સત્તા વિકાસની કેડી કંડારી શકે તેમ હતી. પરંતુ શહેરીકરણ તરફ વધુ ઝુકાવના કારણે ગ્રામ્ય અર્થતંત્ર વિસરાઈ ગયું. હવે માંદા પડેલા અર્થતંત્રને ફરીથી બેઠુ કરવા, તરલતા લાવવા સહિતના મુદ્દે ગ્રામ્ય વિસ્તારોજ મહત્વનો ભાગ ભજવે તેવી અપેક્ષા છે.

Advertisement

મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજનો વિચાર થોડા સમય પહેલા વડાપ્રધાન મોદીએ પણ રજૂ કર્યો હતો. દેશની ૨.૫ લાખ ગ્રામ પંચાયત માટે સ્વનિર્ભર બનવાની તક કોરોનાએ આપી છે. સરકારે મેઈક ઈન ઈન્ડિયા સહિતની યોજનાઓ અમલમાં મુકી છે. ચીન જેવા દેશો સાથે બાથ ભીડવા આ યોજના કેટલાક પરિપેક્ષમાં મહત્વપૂર્ણ સાબીત થઈ છે. પરંતુ ભૂતકાળમાં જેમ પરમીટ રાજ હતુ તેમ ફરીથી સ્થિતિ ન સર્જાય તે જોવું આવશ્યક છે. દેશનું આગામી અર્થતંત્ર આરોગ્ય વ્યવસ્થા, પબ્લિક ટ્રાન્સપોર્ટ, મહાનગરપાલિકાની સેવાઓ જેવી કે, પીવાના પાણી, સ્વચ્છતા અને વીજ સપ્લાય ઉપર આધારીત રહેશે. દેશમાં ઈન્ફાસ્ટ્રકચરના વિકાસ પર વધુ ભાર અપાશે.

કોરોના મહામારીના કારણે દેશમાં ઉત્પાદન અને સપ્લાય ચેઈન ખોરવાઈ ચૂકી છે. સરકારે કેટલીક શરતો હેઠળ ઉદ્યોગોને ફરીથી શ‚ થવા મંજૂરી તો આપી છે પરંતુ હાલ મુખ્ય બજારો બંધ હોવાથી ઉત્પાદન કર્યા બાદ પણ માલ ક્યાં નાખવો તે પણ ગંભીર પ્રશ્ર્ન બન્યો છે. આખા દેશનું અર્થતંત્ર શહેરો અને ઉદ્યોગો ઉપર અવલંબીત થયું હોવાના કારણે કમરતોડ ફટકો મહામારીથી પડ્યો છે. જો ગાંધીજીની કલ્પના મુજબનું ગ્રામ સ્વરાજ વર્તમાન સમયે અસ્તિત્વમાં હોત તો તમામ ગામડાઓ સ્વનિર્ભર હોત અને મહામારીની આર્થિક અસર ખૂબજ નહીંવત હોત. અલબત હવે ભૂતકાળ વાગોળવાનો કોઈ અર્થ નથી. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે સરકાર કદાચ ગાંધીજીના ગ્રામ સ્વરાજનો વિકલ્પ અપનાવે તેવી અપેક્ષાઓ છે.

નોંધનીય છે કે, ડૂબતો માણસ તણખલાને પણ પકડે તેમ અર્થતંત્રની ડચકાં ખાતી નૈયાને બચાવવા માટે સરકારને આગામી સમયમાં ગાંધીવિચારધારા ફરીથી યાદ આવે તો નવાઈ નહીં. ગાંધીવિચાર અને ગાંધીજીનું અર્થશાસ્ત્ર અપ્રસ્તુત નહીં, પરંતુ આજના યુગ માટે પ્રસ્તુત છે તેવી ચર્ચા હવે પ્રબુદ્ધવર્ગમાં ગંભીરતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક થવા લાગી છે. કૃષ્ણ અને કૌટિલ્યનાં અર્થશાસ્ત્રની જેમ ગાંધીનું આર્થિક તત્ત્વજ્ઞાાન એટલું તો સબળ, ઠોસ અને શાશ્વત છે કે, તેને બળપૂર્વક કાળનલિકામાં ઠાંસી દઈને ભૂગર્ભમાં ધરબી દીધા પછી આજે ૬૦ વર્ષે પણ તે રાજઘાટમાંથી સળવળીને બેઠું થઈ રહ્યું છે. ગ્રામવિકાસ અને રોજગારીસર્જન માટે ગાંધીઅર્થશાસ્ત્ર જેવી બીજી કોઈ ઔષધિ ભારત માટે અક્સીર નથી. ગ્રામ્ય અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ગાંધીજીના વિચારો આજની પરિસ્થિતિમાં બંધ બેસે છે.

માત્ર શહેરીકરણથી નહીં પરંતુ બધાને સાથે રાખી સ્વનિર્ભર બનવાની શીખ બાપુના વિચારોમાં છે.

મહામારીમાં અમલદારશાહીના વહીવટનો ઉત્તમ દાખલો

મહામારીએ દેશમાં અમલદારશાહીથી વહીવટ યોગ્ય રીતે કઈ રીતે થઈ શકે તેનો ઉત્તમ દાખલો રજૂ કર્યો છે. વર્તમાન સમયે લોકોને ઘરમાં રાખીને પણ વ્યવસ્થા કઈ રીતે જળવાઈ રહે તે અમલદારશાહીના વહીવટથી સામે આવ્યું છે. કપરા સમયમાં હજારો લોકોને કવોરન્ટાઈન રાખવા, લાખોના ટેસ્ટ કરવા, સ્થળાંતરીતોને વતન પરત મોકલવા, કઈ દુકાનો ક્યાં ખુલવી જોઈએ અને ક્યાં નહીં તે સુનિશ્ર્ચિત કરવા સહિતના મહત્વના પગલા અમલદારશાહીના કારણે લેવાયા છે. છેલ્લા લાંબા સમયથી  રાજકીય પક્ષ કે મંત્રીના ઓછાયા હેઠળ કામ આવ્યા વગર લોકોના હિત માટેના પગલા અધિકારીઓ દ્વારા લેવાયા છે. કેટલીક જગ્યાએ ઉણપ પણ જોવા મળી છે. પરંતુ અત્યાર સુધી ચાલતી આવતી બીબાઢાળ કામગીરીના સ્થાને રચનાત્મક વ્યવસ્થા સામે આવી છે.

ગાંધીના ગ્રામ સ્વરાજની ઈચ્છા

દરેક ગામ પોતાનું એક નાટયઘર, પોતાની નિશાળ અને સભાગૃહ નભાવશે. ગામની દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી મળે એવી જોગવાઈ કરવામાં આવશે. પૂરતી દેખરેખ નીચે નભાવવામાં આવતાં કૂવાઓ અથવા તળાવોથી આ કાર્ય પાર પડી શકશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજિયાત હશે. દરેક ગામમાં ગામની ફરજિયાત ચોકી માટે વારા પ્રમાણે ચોકિયાતો પસંદ કરવામાં આવશે. નિયમ પ્રમાણેની નક્કી કરવામાં આવેલા ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળાં ગામનાં પુખ્ત ઉંમરનાં સર્વ સ્ત્રી અને પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢશે અને તે ગામની સરકાર તરીકે ગામનાં બધાં જાહેર કાર્યો કરશે. આ પંચાયતને જરૂરની બધી સત્તા અને અધિકાર આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.