Abtak Media Google News

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બડોદરા ગામે  1962 દ્રારા કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં દ્વારા ગાયની હોજરીનું નિ:શુલ્ક રૂમેનોટોમી ઓપરેશન કરી ગાયનાં પેટમાંથી લોખંડ, પથ્થર અને પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવ્યું હતુ.

પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથારના જણાવ્યા મુજબ દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાના ડો. ધૃપલ પટેલને બડોદરા ગામના ખેડૂત વિજયસિંહ જાલાનો કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમની દેશી કાંકરેજ ગાયને પગની વચ્ચે અચાનક વધુ પડતો સોજો આવી ગયો છે. ડ્યુટી પર હાજર પશુ ચિકિત્સક ડો. ધ્રુપલ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. ગાયને ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે ગાયનાં પેટમાં લોખંડ, પથ્થરના ટૂકડાં અને પ્લાસ્ટિક છે.

પરિસ્થિતિની જાણ થતા તરત જ  ડો.ધૃપલ પટેલ, ડો.માધવી પટેલ અને ડો.પાયલ પટેલ તેમજ ડ્રેસર શૈલેન્દ્રસિંહ,પરેશભાઈ અને વિજયભાઈ સાથે મળીને ગાયનાં હોજરીનું રૂમેનોટોમી નામનું જટિલ ઓપરેશન હાથ ધર્યું હતું.આશરે 3 કલાકના સફળ ઓપરેશન બાદ ગાયની હોજરીમાંથી લોખંડનો તાર, પથ્થરના ટૂકડાં અને પ્લાસ્ટીકના વાયરો  બહાર કાઢવામાં આવ્યા હતા.   ગુજરાત સરકાર, પશુપાલન વિભાગ અને જી.વી.કે ઈ.એમ.આર.આઈ દ્વારા પી.પી.પી મોડલ પર આધારીત  સાબરકાંઠા જિલ્લામાં કુલ 15 મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.