Abtak Media Google News

જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી ધરણાં બંધ કર્યા

સાળી સાથેના પ્રેમ સબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધીતી

વિછીયાંના દેલડી ગામે સાળી સાથે પ્રેમ સબંધમાં અડચણરૂપ પત્નીને પતિએ જ મોતને ઘાટ ઉતારનાર પ્રકરણના ઘેરા પડઘા પડ્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલની સજા રૂપે બદલી કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી ધરણાં બંધ કર્યા હતા.

વીંછિયાના છાસિયા ગામે ખેતી કરીને ગુજરાન ચલાવતા પરિવારમાં પાંચ દીકરી અને એક દીકરો હતો, જેમાંથી ત્રીજા નંબરની દીકરી રજુ ઉર્ફે રંજનબેનના લગ્ન આજથી 6 વર્ષ પહેલાં દેલડી ગામે રહેતા રાજેશ ઓળકિયા સાથે થયા હતા. રાજેશ દૂધનું વાહન ચલાવે છે. દંપતીને સંતાનમાં એક 3 વર્ષનો દીકરો છે. દોઢેક મહિના પહેલાં રાજેશ ઓળકિયા પત્ની રંજનબેનને બાઈક પર બેસાડી નીકળ્યો હતો. પ્લાન મુજબ ચોટીલાના ઢોકળવા ગામની સીમમાં બાઇક ઊભું રાખ્યું, જ્યાં મોબાઇલ ચાર્જરના વાયરથી ટૂંપો દઈને રંજનબેનનું ગળું દબાવી દીધું હતું. બાદમાં લાશ પર પથ્થરો મૂકીને ઢાંકી દીધી હતી. એટલું જ નહીં, પછી જાતે પત્ની ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે શરૂઆતમાં પોલીસની ઢીલી તપાસ સામે પરિવારે ધરણાં આપ્યા હતા. બાદમાં ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં પોલીસને પતિ રાજેશ પર શંકા જતાં તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી. એમાં પતિ રાજેશ ભાંગી પડ્યો હતો અને તેણે હત્યા કર્યાની કબૂલાત આપી હતી.પોલીસે તુરંત મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે કંકાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં ગુમ નોંધ આપવા છતાં વીંછિયા પોલીસે યોગ્ય તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ પ્રતિકાત્મક ધરણા કર્યા હતા. ગઈકાલે પોલીસની સમજાવટ બાદ પણ મામલો થાળે પડ્યો ન હતો.

ત્યાર બાદ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ વીછિયા હત્યાકાંડની ગંભીરતા સમજી જરૂરી કાર્યવાહીના આધારે એક એએસઆઈ અને એક હેડ કોન્સ્ટેબલની સજા રૂપ બદલીના આદેશ આપતા રંજનબેનના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. તો બીજી તરફ ગામમાં કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિણીતાની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.