Abtak Media Google News

31માંથી 23 ડિરેક્ટરોએ ચેરમેન વિરુદ્ધ અમિત શાહને લખ્યો ધગધગતો પત્ર

ગુજરાત રાજ્યની સહકારી સંસ્થા ગુજકોમાસોલમાં ચેરમેન દિલીપ સંઘાણીને લઈને ઘમાસાણ મચ્યું છે. 31માંથી 23 ડિરેક્ટરોએ તેમના વિરુદ્ધ અમિત શાહને પત્ર લખ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

દેશની સૌથી મોટુ ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે કે  ગુજકોમાસોલના 31માંથી 23 ડિરેક્ટરોએ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે, જેમાં તેમને અનેક સત્તાઓ રદ કરવા જણાવ્યું છે. તેઓએ વર્તમાન અધ્યક્ષ, દિલીપ સંઘાણી ઉપર વહીવટમાં વિશ્વાસના અભાવ હોવાનો આરોપ લગાવ્યો છે.

23 ડિરેક્ટરોએ 15 મેના રોજ શાહને પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 3 ઓગસ્ટ, 2022ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને વિવિધ સત્તાઓ આપવામાં આવી હતી, પરંતુ હવે તેઓ સંઘાણીના વહીવટમાં વિશ્વાસના અભાવને કારણે તે સત્તાઓ રદ કરવા માંગે છે.  પત્રમાં કહેવાયું છે કે ડિરેક્ટરોએ પેટા સમિતિઓની નિમણૂક કરવા, નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નવી દિલ્હી), ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપ લિમિટેડ (નવી દિલ્હી)ના પ્રતિનિધિઓની નિમણૂક કરવા માટે અધ્યક્ષની સત્તાને રદ કરવાનો નિર્ણય લીધો છે.

વાતમાં કોઈ તથ્ય નથી, 19 જૂને બોર્ડની બેઠક, જેમાં તમામ ઠરાવો સર્વસંમતિથી પસાર થશે : દિલીપ સંઘાણી

ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, “કેટલાક ડિરેક્ટરો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. લગભગ તમામ ડિરેક્ટરો મને તાજેતરમાં મળ્યા હતા અને અમે 19 જૂને બોર્ડની બેઠક બોલાવી છે, જેમાં તમામ ઠરાવો સર્વસંમતિથી પસાર થતા જોવા મળશે. કેટલાક લોકો ગુજકોમાસોલના દેવાની વાત કરી રહ્યા છે, વાસ્તવિકતા એ છે કે ગુજકોમાસોલ દેવું મુક્ત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.