Abtak Media Google News

 આપણા આયુર્વેદમાં પણ આવાં ઍસિડિક પીણાં તાંબાના વાસણમાં પીવાની મનાઈ કરવામાં આવી છેતાંબાનાં વાસણો વાપરવાની હવે ફેશન ચાલી છે ત્યારે એનો ઉપયોગ કરવામાં સભાનતા રાખવી જરૂરી છે

પરંપરાગત સ્વાસ્થ્યશૈલીમાં માનતાં ઘણાં દાદા-દાદીઓ હજીયે રાતે તાંબાના લોટામાં પાણી ભરીને સવારે એ જળ પીવાની આદત ધરાવે છે. તમે જોયું હશે કે આવી આદત ધરાવતા લોકો ઉંમર થવા છતાં મસ્ત તાજામાજા રહે છે. આયુર્વેદની દૃષ્ટિએ તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી અમૃત સમાન ગણાયું છે. જોકે તાજેતરમાં પશ્ચિમના દેશોના એક અભ્યાસે તાંબાનાં વાસણોમાં પીણાં પીવા બાબતે પ્રશ્નાર્થ ખડો કર્યો છે. એક અભ્યાસમાં કહેવાયું છે કે તાંબાના લોટામાં કોકટેલ પીણાં પીવાથી ફૂડ-પોઇઝનિંગ થઈ શકે છે. શું આ વાત સાચી છે? તાંબાનો ઓવરડોઝ કેવી રીતે થાય એ સમજતાં પહેલાં જાણીએ કે અભ્યાસમાં કયાં પીણાંનો સ્ટડી થયો હતો. અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને તો ખાસ ફૂડ કોડ તૈયાર કર્યો છે અને તાંબાના ગ્લાસમાં કઈ ચીજ પીવાય અને કઈ નહીં એની ગાઇડલાઇન તૈયાર કરવાનું શરૂ કર્યું છે.

આદર્શ સ્વાસ્થ્યશૈલી વર્ણવતા આયુર્વેદના ગ્રંથોમાં ઑલરેડી એનો ઉપયોગ ક્યાં થાય અને ક્યાં નહીં એ સુનિશ્ચિત કરેલું છે. એના આધારે પશ્ચિમી અભ્યાસ વિશે સમજાવતાં આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર રવિ કોઠારી કહે છે, આ અભ્યાસમાં ખાસ કરીને રશિયાના મોસ્કો મ્યુલ તરીકે જાણીતા ફેમસ પીણાની વાત થઈ છે. આ પીણામાં વોડકા, જિન્જર બિઅર અને લીંબુ જેવી ચીજો વપરાય છે. આ ચીજો ઍસિડિક છે. જ્યારે તાંબાની સાથે ખાટા રસો સંકળાય છે ત્યારે એનું કેમિકલ રીઍક્શન બદલાઈ જાય છે. તાંબાના ઘટકો વધુ માત્રામાં પીણામાં ભળે છે અને શરીરને જરૂર હોય એના કરતાં વધુ માત્રામાં તાંબું શરીરમાં જાય છે. તાંબું અને કાંસું ટ્રેડિશનલ ધાતુ મનાતી હોવાથી હવે લેટેસ્ટ ફેશન તરીકે એનો જ્યાં ને ત્યાં ઉપયોગ થવા લાગ્યો છે. એના વપરાશ બાબતે સાયન્ટિફિક અપ્રોચ રાખવો જરૂરી છે. તાંબાનો ઉપયોગ ખોટી રીતે કરવાથી કોપર ટોક્સિસિટી એટલે કે તાંબાના ઓવરડોઝને કારણે ફૂડ-પોઇઝનિંગ કરી શકે છે.

તાંબું શરીર માટે જરૂરી

શરીરની વિવિધ વ્યવસ્થાઓ રાબેતા મુજબ ચાલતી રહે એ માટે કેટલાંક ખનિજદ્રવ્યોની પણ જરૂર પડે છે. એની જરૂરિયાત ખૂબ ઓછી માત્રામાં હોય છે, પણ જો એ સૂક્ષ્મ માત્રામાં ખનિજદ્રવ્યો ન મળે તો વ્યવસ્થા ખોરવાઈ જાય છે અને જો એ માત્રામાં વધારો થઈ જાય તો એ નુકસાનકારક પણ થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના સ્ટાન્ડર્ડ મુજબ છ મહિનાના બાળકને રોજ બસો માઇક્રોગ્રામ, છ મહિનાથી ૧૩ વર્ષ સુધીનાં બાળકોને ૨૨૦થી ૮૦૦ માઇક્રોગ્રામ, ૧૪થી ૧૮ વર્ષના ટીનેજર્સને ૮૯૦ માઇક્રોગ્રામ, પુખ્તોમાં ૯૦૦ માઇક્રોગ્રામ, પ્રેગ્નન્સી દરમ્યાન ૧૦૦૦ માઇક્રોગ્રામ અને બ્રેસ્ટફીડિંગ દરમ્યાન ૧૩૦૦ માઇક્રોગ્રામ કોપરની જરૂર હોય છે. એનાથી ઓછું કોપર મળે તો બાળપણમાં વિકાસમાં અવરોધ થાય છે. લાંબા સમય સુધી કોપરની ઊણપ રહી હોય તો હાડકાં નબળાં પડવાં, મગજની ક્ષમતાઓ નબળી પડવી, રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી વારંવાર ઇન્ફેક્શન્સ થવાં જેવી સમસ્યાઓ થઈ શકે છે. પુખ્તોમાં ઊણપનાં લક્ષણો વિશે ડો. રવિ કોઠારી કહે છે, તાંબાની ઊણપ ક્રોનિક સમસ્યા છે. જો લાંબો સમય પૂરતી માત્રામાં ખોરાકમાં કોપર ન લેવાય તો એનાથી થાક, આથ્રાર્ઇટિસ, શરીર ઠંડું પડવું, ખૂબ ઠંડી લાગ્યા કરવી, એનીમિયા, બટકણાં હાડકાં, સ્નાયુઓના દુખાવા, ત્વચા અને વાળ પાતળાં પડવાં જેવી તકલીફો થઈ શકે છે. અલબત્ત, આ લક્ષણો એટલાં જનરાલાઇઝ્ડ છે કે એનું નિદાન કરવા આપણે કદી જતા જ નથી. આ લક્ષણો પાછળ અન્ય શારીરિક સમસ્યાઓ પણ કારણભૂત હોય છે, પરંતુ જો નિયમિત તાંબાની ક્ષતિપૂર્તિ યોગ્ય માત્રામાં કરવામાં આવે તો ઉપરોક્ત લક્ષણોમાં ચોક્કસપણે ફાયદો જોવો મળે છે.

તાંબાના લોટામાં પાણીનો પ્રયોગ

ભારતની પ્રાચીન પરંપરા મુજબ રાતે તાંબાના લોટામાં ભરેલું પાણી સવારે ઊઠીને ખાલી પેટે પી જવાનું કહેવામાં આવ્યું છે. આ એક આદત શરીર માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે. ડીટોક્સિફાય પંચકર્મ ક્લિનિકના આયુર્વેદ નિષ્ણાત ડો. પ્રજ્જવલ મ્હસ્કે કહે છે, આ પ્રયોગ તાંબાની ઊણપ પૂરી કરવા કરતાં શરીરને ઓવરઑલ સ્વસ્થ રાખવા માટેનો છે. એનું મુખ્ય કાર્ય શરીરની ચયાપચય ક્ષમતાને સુધારવાનું છે. ખોરાકમાંથી મળતા ગ્લુકોઝનું શરીર વાપરી શકે એવી એનર્જીમાં રૂપાંતરિત કરવાની ચયાપચયની ક્રિયામાં ગરબડ થઈ હોય તો તાંબાના લોટાનો પ્રયોગ અકસીર રહે છે. લોકો માને છે કે સવારે પાણી પીવાનું પેટ સાફ લાવવા માટે જ હોય છે, પણ તાંબાના લોટામાં ઓવરનાઇટ ભરીને રાખેલું પાણી પીવાથી એ માત્ર પેટ સાફ લાવવા ઉપરાંત શરીરની અત્યંત સૂક્ષ્મ જરૂરિયાતોની પૂર્તિ કરે છે; જેને કારણે ઇમ્યુન સિસ્ટમ સુધરે છે. તાંબું સુવાહક ધાતુ છે એટલે નર્વ કોષો વચ્ચેનું કમ્યુનિકેશન સુધારીને સંવેદનાવહન ઝડપી બનાવે છે. તાંબાના લોટાનું પાણી બુદ્ધિવર્ધક બની શકે છે.

તાંબાના પ્રયોગને વર્ણવતાં ડો. રવિ કોઠારી કહે છે, સવારે ઊઠીને સાદું માટલાનું પાણી પીઓ કે તાંબાના લોટાનું, એમાં પહેલો ફરક છે એના ટેમ્પરેચરનો. માટલાનું પાણી ઠંડું હોય છે, જ્યારે તાંબાના લોટાનું પાણી સુખોષ્ણ એટલે સુખ આપે એટલું ઉષ્ણ હોય છે. આયુર્વેદમાં ખાલી પેટે તાંબાના લોટાનું પાણી પીવાને ઉષ:પાન કહેવાય છે. સુખોષ્ણ જળ ખાલી પેટમાં નાખવામાં આવે તો એ ઍગ્નવર્ધક બને છે અને કોષ્ઠમાંનાં નકામાં દ્રવ્યો અસરકારક રીતે ઉત્સર્જિત કરવામાં મદદ થાય છે. પૂરતી માત્રામાં તાંબાનું પાણી લેવાથી વાળ અને ત્વચા સ્વસ્થ રહે છે. પાચન સુધરે, શરીરનો કચરો બરાબર નીકળે અને પાચન અને ચયાપચય બન્ને સ્વસ્થ રહે.

તાંબાના ઘડામાં પાણી ભરી શકાય?

પહેલાંના જમાનામાં લોકોના ઘરમાં પાણી ભરવા માટે તાંબાનાં બેડાં રહેતાં, હવે માટલાં આવ્યાં છે. તાંબાના ઘડાનો વપરાશ કરવા વિશે ડો. રવિ કોઠારી કહે છે, પહેલાંના જમાનામાં પાણીનું શુદ્ધિકરણ કરવા માટેનાં ફિલ્ટર્સ નહોતાં. એવા સમયે તાંબાની ઍન્ટિ-બેક્ટેરિયલ પ્રોપર્ટી ખૂબ કામ આવતી. હવે તો ઍડ્વાન્સ્ડ વોટર-ફિલ્ટર્સમાંથી કાઢેલું પાણી માટલામાં ભરી રાખો તો એમાં પણ થોડા સમયમાં જંતુ પેદા થઈ શકે છે. ઘરમાં તાંબાના ઘડામાં પાણી ભરવાની પ્રથા રાખવામાં આવે તો ફિલ્ટરની જરૂરિયાત ઓછી થઈ જાય. વરસાદની સીઝનમાં પાણી તાંબાના વાસણમાં ભરી રાખેલું હોય તો ઉત્તમ. આવું પાણી આ સીઝનમાં દૂષિત પાણીને કારણે થતા ચેપી રોગોથી બચાવે છે. જોકે સમસ્યા એ છે કે હવે લોકો પાસે સમય ઓછો છે એટલે તાંબાના ઘડા માંજીને ઊજળા કરવાનો સમય નથી. ઘડા પર ઑક્સિડેશનને કારણે કાળાશ જામી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.