Abtak Media Google News

કુલ ૩૬ પૈકી ૧૦ બેઠકો જ્ઞાતિગત અનામત : માધાપર રાજકોટમાં ભળી જતા નવી બેડલા બેઠકનું સર્જન : ૧૫ સભ્યોએ મત વિસ્તાર બદલવો પડશે કાં તો ચૂંટણી લડવાનું માંડી વાળવું પડશે

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે નવુ સિમાંકન અને અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. જેમાં માધાપર, મોટામવા વગેરે વિસ્તાર રાજકોટ શહેરમાં જોડાઇ જતા તેના નજીકના વિસ્તારને જોડીને નવી બેડલા બેઠકનું સર્જન કરવામાં આવ્યું છે. અન્ય બેઠકોના સિમાંકનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર નથી પરંતુ રોટેશનમાં ધરખમ ફેરફાર થઇ ગયો છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ અને ૫૦% મહિલા અનામત બેઠકોના કારણે રાજકિય ચોપાટના પાસા ઘણા ઉલ્ટા-સુલ્ટા થઇ ગયા છે. કુલ ૩૬ બેઠકો પૈકી ૧ સભ્યનું અવસાન થયેલ છે. હાલના ૧૫ જેટલા સભ્યો પોતાની બેઠક અનામત થઇ જવાના કારણે તે જ બેઠક પરથી ચૂંટણી લડી શકશે નહિ. તેમણે બેઠક બદલવી પડશે અથવા પોતે ચૂંટણી લડવાનું માંડી વાળવું પડશે. ૨૦૧૫ની ચૂંટણીમાં ૩૬ બેઠકો પૈકી કોંગ્રેસને ૩૪ અને ભાજપને માત્ર ૨ બેઠકો મળી હતી.

Advertisement

ચૂંટણી પંચે હાલ નવા સિમાંકન બાબતે પ્રાથમિક જાહેરનામુ બહાર પાડી ૧૦ દિવસની મુદ્દતમાં વાંધા સુચનો મંગાવ્યા છે. મજબૂત પુરાવા સાથેના વ્યાજબી વાંધાસૂચન હોય તો જ સિમાંકનમાં તેટલા પૂરતા ફેરફારને અવકાશ રહે છે. મહદ અંશે હાલનું જાહેર થયેલ સિમાંકન જ આખરી રહેશે. અનામત બેઠકોની ફાળવી માટે વાંધાસૂચનો મગાવાતા નથી.

જિલ્લા પંચાયતના વર્તમાન ઉપાધ્યક્ષ સુભાષ માંકડિયા, કારોબારી અધ્યક્ષ કિશોર પાદરિયા, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધડુક, પૂર્વ કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયા ઉપરાંત ચંદુભાઇ શિંગાળા, કિરણબેન આંદિપરા, પરસોત્તમ લુણાગરીયા, હંસાબેન વૈષ્ણવ, ભાવનાબેન ભૂત, સોમાભાઇ મકવાણા વગેરેના હાલના મત ક્ષેત્રમાં જ્ઞાતિગત રીતે અથવા મહિલા અનામતની દૃષ્ટિએ ફેરફાર આવતા તેઓ હાલની બેઠક પર ચૂંટણી લડી શકશે નહિ. પંચાયતના પૂર્વ અધ્યક્ષ નિલેષ વિરાણી સહિતના કેટલાક જાણીતા ચહેરાઓના મતક્ષેત્રમાં કોઇ ફેરફાર ન થયો હોવાથી ફરી તેમની ઉમેદવારીની રસ્તો ખુલ્લો રહ્યો છે.

કોની બેઠકો અનામત થઇ ગઇ ?

અર્જુન ખાટરિયા

કે.પી. પાદરિયા

ચંદુભાઇ શીંગાળા

કિરણબેન કે. આંદીપરા

હંસાબેન વૈષ્ણવ

ભાવનાબેન ભૂત

સોમાભાઇ મકવાણા

મનોજભાઇ બાલધા

બાલુભાઇ વીંઝુડા

અવસરભાઇ નાકિયા

વિનુભાઇ ધડુક

પરસોત્તમભાઇ લુણાગરિયા

સુભાષભાઇ માકડિયા

હંસાબેન વૈષ્ણવ

અર્ચનાબેન સાકરિયા

ઉ.પં.ના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતાને મત વિસ્તાર છોડવો પડશે

જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન ખાટરિયા જ્યાંથી ચૂંટાયા છે તે કોટડાસાંગાણી બેઠક બિનઅનામત થઇ જતા તેઓ ત્યાંથી ચૂંટણી લડી શકશે. ઉપપ્રમુખ સુભાષ માંકડિયાની સુપેડી બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી માટે, કારોબારી અધ્યક્ષ કિશોર પાદરિયાની પેઢલા બેઠક સામાન્ય સ્ત્રી માટે અને શાસક પક્ષના નેતા વિનુભાઇ ધડુકની સાણથલી બેઠક સામાન્ય સ્ત્રી માટે અનામત થઇ જતા તેઓ હાલની બેઠક પરથી ચૂંટણી લડી શકશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.