Abtak Media Google News

સંઘ,જનસંઘ-ભાજપને ફાસીવાદી ગણાવનાર કોંગ્રેસે જ કટોકટી લાદીને લોકશાહીનું ગળું ઘોંટી દીધું હતું કટોકટીની ૪૩મી વરસીએ કોંગ્રેસના કાળાં કરતૂતોની પ્રજાને યાદ અપાવતા ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ

આજથી ૪૩ વર્ષ પહેલાનો આજનો દિવસ સ્વતંત્ર અને આધુનિક ભારતના ઇતિહાસના સૌથી કાળા દિવસ તરીકે નોંધાયો છે. આ દિવસે ભારતમાં લોકશાહીનું ગળું ઘોંટી દેવામાં આવ્યું હતું. કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસી સરકારનાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ૨૫મી જુન ૧૯૭૫ના રોજ દેશમાં કટોકટી જાહેર કરી હતી અને દેશની તમામ સત્તાઓ પોતાના હાથમાં લઇ સરમુખત્યાર બની બેઠાં હતાં. વિરોધ પક્ષોના સંખ્યાબંધ નેતાઓને જેલભેગાં કરી સમગ્ર દેશમાં તેમણે અમાનુષી દમનનો દોર ચલાવ્યો હતો. દેશભરના અખબારો પર સેન્સરશીપ લાદી દઈને પ્રજાનો હક્ક પણ છીનવી લીધો હતો. કોઈ જાહેરમાં કોંગ્રેસની સરકાર કે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ વાત પણ કરે તો તેઓને જેલમાં ખોંસી દેવાતા હતા. આ રીતે લાખો લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતાં. ૨૧-૨૧ મહિના સુધી દેશમાં આવું દમનકારી શાસન ચલાવવામાં આવ્યું હતું. દુનિયાના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રમાં પ્રજાતંત્રની આવી સરેઆમ હત્યાના એ દિવસો યાદ કરતાં આજે પણ ધ્રૂજારી છૂટી જાય છે તેમ ભાજપના અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે અને દાયકાઓથી કોંગ્રેસની નીતિરીતિ આવી જ રહી હાેવાની આકરી ટીકા કરી છે.

Advertisement

એક નિવેદનમાં શ્રી ધ્રુવે કટોકટીના કાળા, કલંકિત દિવસો યાદ કરતાં જણાવ્યું છે કે, આજે દેશના કહેવાતા બુદ્ધિજીવીઓ અને હળાહળ જુઠ્ઠા દંભી બિન-સામ્પ્રદાયિકોમાં હિંદુ હિતની વાત કે હિંદુ જાગૃતિ ચળવળને ફાસીવાદી કે કટ્ટરવાદી  ગણાવવાની ફેશન છે પરંતુ, દેશમાં પ્રજા ના બંધારણે આપેલા  લોકશાહી અધિકારોને સંપૂર્ણપણે કચડી નાખવાનો ફાસીવાદી અને નાઝીવાદી કાળો કામો કોંગ્રેસની સરકારે જ આચર્યો હતો એ હકીકત તેઓ સિફતપૂર્વક ભૂલી જાય છે. શા માટે આ બુદ્ધિજીવીઓ કોંગ્રેસના કાળાં કલંકને યાદ કરવાની પણ તસ્દી લેતા નથી?

વાસ્તવિકતા એ છે કે, તત્કાલીન જનસંઘ (આજના ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સંગઠનાત્મક-સંખ્યાત્મક તાકાત-શક્તિ સાથે શ્રીમતી ઈન્દિરાજી તેમજ કોંગ્રેસ ની સામે જોરદાર લડાઈ લડી  દેશને કોંગ્રેસની સરમુખત્યારી ચુંગાલમાંથી મુક્તિ અપાવી હતી અને કટોકટી વિરુદ્ધની લડતમાં આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિતના પ્રખર રાષ્ટ્રવાદી નેતાઓએ અહમ ભૂમિકા નિભાવી હતી. સરમુખત્યારશાહી માનસિકતા વાળા  શ્રીમતી   ઇન્દિરા ગાંધીએ જનસંઘ અને આરએસએસના એક લાખ બાર હજાર નેતાઓ, કાર્યકરોની મિસા નામના કાળા કાયદા હેઠળ ધરપકડ કરી જેલમાં ધકેલ્યા હતા. નિર્લજ્જપણે બેમર્યાદ સત્તા બથાવી પાડીને તેનો અત્યંત બેશરમીભર્યો ગેરઉપયોગ કરવાની આ પરાકાષ્ટા હતી.

શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, કટોકટીના અંધકારયુગમાંથી દેશવાસીઓને ઉગારવા માટે લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ લોકસંઘર્ષ સમિતિ રચવામાં આવી હતી જેમાં છેક ૧૯૨૫માં પણ દેશમાં હિંદુ જનજાગૃતિ ચળવળની આગેવાની લેનાર આરએસએસના હજ્જારો-લાખો  સ્વયંસેવકો જોડાઈ ગયા હતાં. તેઓનું એકમાત્ર લક્ષ્ય પ્રજાને ફરી એકવાર મુક્તિનો શ્વાસ અપાવવાનું હતું.

ચૂંટણી પ્રચાર ઝૂંબેશમાં સત્તા અને સરકારી તંત્રનો બેફામ દૂરુપયોગ કરવા બદલ અલ્લાહાબાદ હાઈકોર્ટે ૧૨મી જુન ૧૯૭૫ના રોજ ઇન્દિરા ગાંધીને દોષિત ઠેરવી તેમની ચૂંટણીને ગેરકાયદે અને રદબાતલ ઠરાવી હતી, તેમજ તેમનું લોકસભાનું સભ્યપદ ખૂંચવી લીધું હતું એટલું જ નહીં, છ વર્ષ માટે શ્રીમતી ગાંધીને કોઈપણ ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. કોઈ દેશના વડાપ્રધાન સામે કોઈ અદાલતે આટલું આકરું વલણ અપનાવ્યાનો કદાચ આ સર્વપ્રથમ બનાવ હતો જેની દુનિયાભરમાં પ્રશંસા થઇ હતી. કોર્ટના ચુકાદાનો આદર કરીને વડાપ્રધાનપદેથી રાજીનામું આપવાની હોદ્દાને છાજે એવી ગરિમા દાખવવાને બદલે કોઇપણ ભોગે સત્તાની ખૂરશી નહીં છોડવાના બદઈરાદે પચ્ચીસમી જુનની મધરાતથી કટોકટી લાદી દેવાનું હીન કૃત્ય કોંગ્રેસી વડાપ્રધાને આચર્યું હતું. દેશવાસીઓને બંધારણે બક્ષેલા અધિકારો છીનવી લેતા કટોકટીના કાળા આદેશ પર ઇન્દિરા ગાંધીએ તેમના રબ્બર-સ્ટેમ્પ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ પાસે સહી કરાવી હતી.

ચોથી જુલાઈ ૧૯૭૫ના રોજ સરમુખત્યાર ઇન્દિરા ગાંધીએ આરએસએસની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી દીધો. પાંચમી જુલાઈના રોજ આંતરિક સુરક્ષા જાળવણી ધારો (Maintanence of Internal Security Act – MISA) લાદવામાં આવ્યો અને તેનો દૂરુપયોગ કરીને કોંગ્રેસ માટે જોખમરૂપ જણાતા સંઘ-જનસંઘ-સંસ્થા કોંગ્રેસ અને સોશિયાલિસ્ટ પાર્ટીના સંખ્યાંબંધ નેતાઓ ઉપરાંત, હજ્જારો, લાખ્ખો લોકોને જેલમાં ધકેલી દીધા એટલું જ નહીં, તેઓ પર અમાનુષી અત્યાચારનો દોર શરૂ કર્યો હતો. ઇન્દિરાપુત્ર સંજય ગાંધી પણ માતાની માફક જ બેફામ બન્યા હતા, તેમના ઇશારે લાખો લોકોના ફરજીયાત નસબંધી ઓપરેશન કરવામાં આવ્યા હતાં. પ્રજાના લોકશાહી અધિકારોને કચડી નાખવામાં ચાવીરૂપ ભાગ ભજવનાર ઘણાં કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસ નેતૃત્વની યુપીએ સરકારના દસ વર્ષના શાસન દરમિયાન મંત્રીપદા ભોગવ્યા હતાં, કોંગ્રેસનો આ જ અસલી ચહેરો છે.

આરએસએસના તત્કાલીન સરસંઘચાલક બાળાસાહેબ દેવરસજીની સીધી દોરવણી હેઠળ સંઘના હજ્જારો સ્વયંસેવકો જયપ્રકાશ નારાયણની લોકસંઘર્ષ સમિતિમાં જોડાઈ ગયા; તેમાંના મોટાભાગના કાર્યકરો તેમના પરિવારના એકમાત્ર આધાર હતાં તેમ છતાં, દેશમાં લોકશાહી અધિકારોની પુન:સ્થાપના માટે ગૃહત્યાગ કર્યો અને તેમના સ્વજનોએ પણ તેઓને હસતા મુખે વિદાય આપી હતી. ભારતમાં લોકશાહી પાછી લાવવાનો તેઓનો એકમાત્ર ધ્યેય હતો.

દેશ આખામાં પોણા બે વરસ સુધી સત્યાગ્રહની લડત ચલાવવામાં આવી, હજારો, લાખો લોકોએ ધરપકડોવહોરી લીધી, આરએસએસના ૨૩,૦૧૫ કાર્યકરોને મિસા હેઠળ અટકાયતમાં લેવાયા, સત્યાગ્રહ બદલ ૪૪,૯૬૫ કાર્યકરોની ધરપકડ કરાઈ. શ્રી લાલકૃષ્ણ અડવાણીજી  તેમના એક પુસ્તકમાં નોંધે છે કે, કુલ ૧,૦૫,૦૦૦ અટકાયતીઓમાંથી ૨૫,૦૦૦ની તો કટોકટી લાદ્યાના પ્રથમ સપ્તાહમાં જ અને બીજા ૮૦ હજારની સત્યાગ્રહ દરમિયાન ધરપકડ કરાઈ હતી. આમાંથી ૭૦ સ્વયંસેવકો કેદખાનામાં મૃત્યુને ભેટ્યા પરંતુ, દમનના દોર સામે તેઓ ઝૂક્યા નહોતા.

સ્વતંત્રતા માટેની આ બીજી લડત હતી. દેશભરમાં કટોકટી સામે વિરોધનો દાવાનળ ફાટી નીકળતાં અંતે સરમુખત્યાર ઇન્દિરા ગાંધીને ઘૂંટણીએ પડવું પડ્યું; ૨૧મી માર્ચ ૧૯૭૭ના રોજ તેમણે કટોકટી ઉઠાવી લેવાની જાહેરાત કરી. દેશમાં ફરી એકવાર લોકશાહી પ્રક્રિયાઓ આરંભાઈ, ચૂંટણીઓ યોજાઈ અને ઇન્દિરા ગાંધીનો, કાેંગ્રેસનો કારમો પરાજય થયો. જયપ્રકાશ નારાયણ, શ્રી મોરારજીભાઈ દેસાઈ,શ્રી અટલબિહારી વાજપેયી. બાળાસાહેબ દેવરસજી, અડવાણીજી, નાનાજી દેશમુખ,શ્રી નરેન્દ્રભાઈ મોદી, સહિતના સંખ્યાબંધ આગેવાનો અને અનેક ચળવળકારો પ્રજાધિકારની પુન:સ્થાપનામાં રાષ્ટ્રીય સ્તરે તથા શ્રી વસંત ગજેન્દ્ર ગડકર, શ્રી કેશુભાઈ પટેલ,શ્રી ચીમનભાઈ શુક્લ,શ્રી અરવિંદભાઈ મણિયાર,શ્રી મકરંદભાઈ દેસાઈ ,શ્રી વજુભાઇ વાળા તથા રાજ્ય ના  વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત ના અનેક અગ્રણીઓ નિમિત્ત બન્યા તેઓને આજની ઘડીએ યાદ કરતાં છાતી ગજ ગજ ફૂલે છે. તેમ નિવેદનના અંતે શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.