Abtak Media Google News

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી 4500 કર્મચારી અને 2300 પેન્શનરોને 28 કરોડનું ચૂકવણું: કોન્ટ્રાકટરોના બીલોના પણ ધડાધડ નિકાલ

દિવાળીના તહેવારને આડે હવે એક સપ્તાહનો સમયગાળો બાકી રહ્યો છે.  ત્યારે કર્મચારીઓ નાણાના અભાવે ખરીદી ન કરી શકે તેવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા 4500 કર્મચારીઓ અને 2300 પેન્શનરોને નિર્ધારીત સમય કરતા પાંચ દિવસ વહેલો પગાર અને પેન્શનની ચૂકવણી કરી દેવામાં આવી છે.

Advertisement

દરમિયાન ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ ચૂકવવાની જાહેરાત કરાયા બાદ મહાપાલિકા દ્વારા આજે 2849 વર્ગ-4ના કર્મચારીઓને બોનસ ચૂકવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

સામાન્ય રીતે કોર્પોરેશન દ્વારા કર્મચારીઓને દર મહિનાની પહેલી તારીખે પગાર અને પેન્શનરોને પેન્શનની ચૂકવણુ કરવામાં આવતું હોય છે. આગામી 4થી નવેમ્બરે દિવાળીનો તહેવાર છે

ત્યારે જો 1લી તારીખે પગાર કરવામાં આવે તો કર્મચારી અને પેન્શનરોને ખરીદીમાં મુશ્કેલી ઉભી થાય તેવી સ્થિતિને જોતા મહાપાલિકા દ્વારા 4500 કર્મચારીઓ અને 2300 પેન્શનરોને નિર્ધારીત સમય કરતા 5 દિવસ વહેલો પગાર ચૂકવી દેવામાં આવ્યો છે. આ ચૂકવણાની રકમ આશરે 28 કરોડ જેવી થવા પામે છે. વહેલો પગાર થતાં કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

સરકારી કચેરીઓમાં કર્મચારીઓના પગાર વહેલા કરી દેવામાં આવ્યા હોવાના કારણે બજારમાં પણ ખરીદીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે.

બીજી તરફ મહાપાલિકા દ્વારા ઝોનલ કોન્ટ્રાકટરથી માંડી મોટા પ્રોજેકટના કોન્ટ્રાકટરોને પણ બાકી બીલના ચૂકવણા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તેઓ પોતાના મજૂરો સહિતના સ્ટાફને દિવાળીના તહેવારમાં વહેલા પગાર કે પગાર સહિતના ચૂકવણા કરી શકે.

કોર્પોરેશનના વર્ગ-4ના 2849 કર્મચારીઓને બોનસ ચૂકવાયું

રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-4ના 2849 કર્મચારીઓને હિસાબી વર્ષ 2020-2021 માટે બોનસ આપવામાં આવ્યું હતું. બોનસ ચુકવણી માટે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ હુકમ કરી દેતા કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

તમામ શાખાઓના વર્ગ-4ના કુલ 2849 જેટલા કર્મચારીઓને રૂા.3500ની મહત્તમ મર્યાદામાં બોનસ મળી ગયું છે. આ કર્મચારીઓમાં 2120 જેટલા સફાઈ કર્મચારીઓ પણ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.