Abtak Media Google News

પ કીમીની પાઇપલાઇન ફીટ કરવાની કામગીરી રાજ્યમાં સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવી હોવાનો જીએસપીસીના સીઇઓનો દાવો

મોરબીમાં સિરામીક ઉદ્યોગમાં ગેસિફાયરનો વપરાશ બંધ થયો અને તેના સ્થાને નેચરલ ગેસનો વપરાશ થઈ રહ્યો છે. ત્યારે અચાનક ગેસ વપરાશ વધવાને કારણે પીપળી રોડ પર પૂરતા પ્રમાણમાં પ્રેશરથી ગેસ ન મળતો હોય ઉદ્યોગકારોને લાખોનું નુકશાન થતું હોવાની ફરિયાદ બાદ ગેસ કંપની દ્વારા ગાળા ગામના ટર્મિનલથી ૫ કિમી એરિયામાં નવી પાઇપલાઇન ફીટ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. ત્રણ મહિનાની કામગીરી માત્ર ૨૦ દિવસમાં પૂર્ણ કરી દેવાઇ હોવાનો અને ગેસ કંપનીના ઇતિહાસમાં સૌથી ઝડપી કામગીરી કર્યાનો કંપનીએ દાવો કર્યો હતો. ત્યારે રવિવારે ટર્મિનલથી ગેસ વિતરણનો વાલ્વ ખોલી છેલ્લા એક માસથી ઉદ્યોગકારોને થતી મુશ્કેલીમાંથી રાહત મળી હતી.

Advertisement

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશ બાદ મોરબીનાં સિરામીક ઉદ્યોગમાં કોલગેસ વપરાશ બંધ થવાને કારણે તમામ ઉદ્યોગકારોને ન છૂટકે નેચરલગેસનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઉદભવી હતી અને તેના કારણે ગેસની માંગ અચાનક વધી ગઈ હતી. ગેસ કંપની દ્વારા અચાનક વધી ગયેલી માંગને પહોંચી વળવા તમામ પ્રયાસ કરાયા છતાં પીપળી રોડ વિસ્તારમાં અચાનક ઓછા પ્રેસરથી ગેસ મળવાને કારણે ૩૦ જેટલા સિરામીક ઉદ્યોગકારોને એક જ રાતમાં કરોડોનું નુકશાન થયું હતુ. આ ઘટના બાદ ગેસ કંપનીએ આ વિસ્તારનાં ઉદ્યોગકારોને ૨૦  ટકા ગેસ ઓછો વપરાશ કરવા જણાવ્યું હતું અને તે ગેસ આગળના સિરામીક ઉદ્યોગ સુધી પહોંચી શકે અને નુકશાન ઘટે તેમ જણાવ્યું હતુ. સિરામીક એસો દ્વારા પણ ૨૦ ટકા કાપ માટે સિરામીક ઉદ્યોગકારોને સમજાવશે તેમ જણાવ્યું હતું.

તો બીજી તરફ ગુજરાત ગેસ કંપની દ્વારા ગાળા ટર્મિનલ પાસેથી પીપળી રોડ માટે ગેસ લાઇન પાથરવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને ૨૦ દિવસમાં ૫ કિમી કરતા પણ વધારે અંતરની નવી પાઇપલાઇન પાથરી દીધી છે. તમામ ટેસ્ટ બાદ રવિવારે પીપળી રોડ પર આવેલા સેગમ સિરામીકમાં આ નવી ગેસ લાઈનમાં વાલ્વ ખોલવામાં આવ્યો હતો. આ તકે જીએસપીસી ગેસનાં સીઈઓ, મોરબી જોન કચેરીના નીતિન અગ્રવાલ, સંતોષ જોપે અને મોરબી સિરામીક એસોસિએશનનાં નીલેશ જેતપરિયા, મુકેશ ઉઘરેજા, કિરીટ પટેલ, કિશોર ભાલોડિયા સહિતના આગેવાનો અને સિરામીક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં લો પ્રેશરથી ગેસ વિતરણની સમસ્યાનો સુખદ અંત, ગેસ લાઈનનો નવો વાલ્વ શરૂ કરાયો સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઝડપે પાઇપલાઇન ફિટ કરાઇ ગુજરાત ગેસ કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે, ૫ કિમીની આ લાઇન ફીટ કરવા સમગ્ર ગુજરાતમાં સૌથી ઝડપી કામગીરી કરી છે અને તેમાં સિરામીક ઉદ્યોગકાર, આસપાસના ગ્રામજનો અને ગેસ કંપનીના કર્મચારીઓનો સહયોગ મળ્યો હતો, જેના કારણે કામગીરી સરળ બની છે.આ ગેસ લાઇન શરૂ થવાથી આગામી દિવસોમાં આ વિસ્તારમાં સિરામીક ઉદ્યોગકારોને લો પ્રેશરની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે તેવો દાવો કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.