• કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા પાસે ભાવનગર, અમરેલી અને પોરબંદર બેઠકના વિકલ્પ: પરસોતમ રૂપાલાને હવે નિવૃત્ત કરી સંગઠનમાં ફરી લઇ જવાની ભાજપની ગણતરી

ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયા અને પરસોત્તમભાઇ રૂપાલાને રિપીટ ન કરાતા હવે લોકસભાની આગામી ચૂંટણીમાં સૌરાષ્ટ્રની સાત બેઠકો માટેના સમિકરણો બદલાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. માંડવીયાને પોરબંદરથી ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી સંભાવના પ્રબળ બની જવા પામી છે. પરસોત્તમ રૂપાલાનું હચું-ડચું મનાય રહ્યું છે. તેઓને હવે સરકારમાંથી નિવૃત કરી સંગઠનમાં લઇ જવામાં આવશે. સૌરાષ્ટ્રની સાત પૈકી ત્રણ બેઠકો પરથી મહિલાઓને ટિકીટ આપવામાં આવે તેવું હાલના સંજોગો જોતા લાગી રહ્યું છે.

ભાજપે રાજયસભાની ચુંટણીમાં ગુજરાત માટે ફરી એકવાર નો રીપીટ થિયરી અપનાવી છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયા અને પરસોત્તમભાઇ રૂપાલાને રિપીટ કરવામાં આવ્યા નથી. તેઓને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. ગુજરાતમાં રાજયસભામાં લેઉવા પટેલ સમાજમાંથી ગોવિંદભાઇ ધોળકીયાને ટિકીટ આપવામાં આવી છે. કડવા પટેલ સમાજને ટિકીટ આપવામાં આવી નથી.

ડો. મનસુખ માંડવીયાને રાજયસભામાંથી નિવૃત કરી લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પરથી ચુંટણી લડાવવામાં આવશે તેવી વાતો ચાલી રહી છે. દરમિયાન રાજયસભાની ચુંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરાતા સમીકરણોમાં બદલાવ આવ્યો છે. ડો. માંડવીયા માટે ભાવનગર ઉપરાંત પોરબંદર અને અમરેલી બેઠકના વિકલ્પો છે. ભાવનગર બેઠક પર કોળી સમાજના ઉમેદવારને ટિકીટ આપવામાં આવે તેવી શકયતા વધુ પ્રબળ બની જવા પામી છે.

આવામાં ડો. માંડવીયાને પોરબંદર બેઠક પરથી લોકસભાની ચુંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવે તેવી સંભાવના છે. લોકસભા અને વિધાનસભાની ચુંટણીમાં 33 ટકા મહિલા અનામતનું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ભલે આ ચુંટણીમાં તેની અમલવારી થવાની નથી છતાં ભાજપ સૌરાષ્ટ્રની સાત બેઠકો પૈકી ત્રણ બેઠકો પર મહિલા ઉમેદવારને ટિકીટ આપે તેવી સંભાવના દેખાય રહી છે. જામનગર અને ભાવનગર બેઠક પર હાલ મહિલા સાંસદ છે. તેઓને રિપીટ કરવામાં આવે તેવું લાગી રહું છે.

હવે મહિલા ઉમેદવારોને વધુ એક બેઠક ફાળવવાનું થાય તો તે બેઠક રાજકોટ જ છે. આ બેઠક પરથી ભાજપ કડવા પટેલ સમાજના ઉમેદવારને ટિકીટ આપે છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાને લોકસભાની ચુંટણી લડાવવી હોય તો એક માત્ર રાજકોટ બેઠક પરથી લડાવી શકાય તેમ છે. પરંતુ આ બેઠક કડવા પટેલ સમાજમાંથી આવતા મહિલા ઉમેદવારને આપવામાં આવે તેવા સમિકરણો હાલ રચાય રહ્યા છે. આવામાં પરસોત્તમ રૂપાલાને લોકસભાની ચુંટણી લડાવવી ભાજપ માટે મુશ્કલ છે. જો કે ખુદ રૂપાલા પણ ચુંટણી લડવા બહુ ઇચ્છુક નથી. તેઓને સરકારમાંથી નિવૃત કરી સંગઠનમાં લઇ જવામાં આવે તેવું લાગી રહ્યું છે.

રાજકોટ, જામનગર અને ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ ઉતારશે મહિલા ઉમેદવાર

સૌરાષ્ટ્રની સાત બેઠક પૈકી ભાજપ દ્વારા છેલ્લી બે ટર્મથી જામનગર અને ભાવનગર બેઠક પરથી મહિલા ઉમેદવારોને લોકસભાની ચુંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. જામનગરમાં પુનમબેન માડમ અને ભાવનગરમાંથી ભારતીબેન શીયાળ ભાજપના પ્રતિક પરથી ચુંટણી લડી સાંસદ તરીકે ચૂંટાઇ રહ્યા છે. લોકસભા અને વિધાનસભાની ચુંટણીમાં 33 ટકા મહિલા અનામતનું બીલ પાસ કરવામાં આવ્યું છે. જેની અમલવારી ભલે લોકસભાની આગામી ચુંટણીથી થવાની ન હોય પરંતુ ભાજપ દ્વારા આ બીલનો પાયો મજબૂત કરવા સૌરાષ્ટ્રની સાત બેઠકો પૈકી ત્રણ બેઠકો પર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારશે. જામનગર બેઠક પર પુનમબેન માડમને ત્રીજી વખત રિપીટ કરવામાં આવે તે નિશ્ર્ચીત છે.

રાજય સભાની ચુંટણીમાં કોળી સમાજને ટિકીટ આપવામાં આવી ન હોય,  ભાવનગરમાંથી ભારતીબેન શિયાળને પણ ફરી એકવાર ટિકીટ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. હવે ત્રીજી મહિલા ઉમેદવાર માટે એક માત્ર રાજકોટની બેઠક જ સલામત મનાય રહી છે. આવામાં રાજકોટ બેઠક પરથી કડવા પટેલ સમાજમાંથી કોઇ મહિલાને લોકસભાની ચુંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.