Abtak Media Google News

આજથી જ 48 રાજમાર્ગો પર ખાસ ડ્રાઈવ યોજવા આદેશ: હોકર્સ ઝોનની બહાર ઉભી રહેતી રેકડીઓ પણ કબજે કરી લેવા સુચના: એસ્ટેટ ચેરમેન દિલીપ લુણાગરીયાને ડે ટુ ડે ફોલોઅપ લેવા સુચના અપાઈ

શહેરના મુખ્ય 48 રાજમાર્ગો પર પાટ, પાથરણા, રેકડી કે કેબીન રાખવા પર પ્રતિબંધ હોવાનું જાહેરનામુ વર્ષોથી અમલમાં હોવા છતાં તેને ગંભીરતાથી લેવામાં આવતી નથી. જેના કારણે હાલ તમામ રાજમાર્ગો દબાણત્રસ્ત બની ગયા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે રાજમાર્ગોને દબાણ મુક્ત રાખવા ખાસ ડ્રાઈવ યોજવા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે એસ્ટેટ શાખાના અધિકારીઓને આદેશ આપ્યો છે. આ ઉપરાંત હોકર્સ ઝોનની બહાર ઉભી રહેતી રેંકડીઓ પણ કબજે કરી લેવા કડક સુચના આપવામાં આવી છે. એસ્ટેટ સમીતીના ચેરમેન દિલીપ લુણાગરીયાને ડે ટુ ડે કામગીરીનું ફોલોઅપ લેવા જણાવવામાં આવ્યું છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય એવા 48 રાજમાર્ગો પર છેલ્લા ઘણા સમયથી દબાણનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજમાર્ગોને દબાણ મુક્ત કરવા તાજેતરમાં મળેલી રજૂઆતના પગલે ગઈકાલે તેઓએ એસ્ટેટ કમીટીના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા અને એસ્ટેટ શાખાના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી જેમાં મુખ્ય 48 રાજમાર્ગોને દબાણ મુક્ત રાખવા માટે  ખાસ ડ્રાઈવ હાથ ધરવાની સુચના આપી દેવામાં આવી છે.

કોઈ ગરીબ વ્યક્તિ બેરોજગાર ન બને અને તેના સાધન સામગ્રી કબજે ન થઈ જાય તે માટે પ્રથમવાર માત્ર સુચના આપવામાં આવશે. છતાં જો તે રાજમાર્ગો પર દબાણ ખડકશે તો તેના તમામ સાધનો જપ્ત કરી લેવામાં આવશે. અઠવાડિયામાં ઓછામાં ઓછી ત્રણ વખત ડ્રાઈવ હાથ ધરવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા જે હોકર્સ ઝોન બનાવવામાં આવ્યા છે તેની બહાર રેકડીઓનું દબાણ હોવાના કારણે સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. હોકર્સ ઝોનની બહાર ઉભી રહેતી રેકડીઓ પણ કબજે કરી લેવા તાકીદ કરવામાં આવી છે.

સતત ત્રણ થી ચાર મહિના સુધી આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવા સુચના આપી દીધી છે. ચેકિંગ દરમિયાન એવું માલુમ પડતું હોય છે કે, મુખ્ય રાજમાર્ગો પર દબાણ ખડકનાર પાટ, પાથરણા કે રેંકડી, કેબીનવાળા શેરી, ગલીમાં જતા રહે છે જ્યારે કોર્પોરેશન ટીમ ત્યાંથી પસાર થઈ જાય ત્યારે ફરી મુખ્ય માર્ગ પર દબાણ ખડકી દેતા હોય છે.

આ સીસ્ટમ બંધ થાય તે માટે 2 ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દબાણ હટાવ ડ્રાઈવ માટે રાજ ક્યાં રાજમાર્ગો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે અંગે દૈનિક કામગીરીની સમીક્ષા કરવા માટે એસ્ટેટ સમીતીના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયાને ખાસ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છેે. ટૂંકમાં હવે 48 રાજમાર્ગો પર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ રાજમાર્ગોને દબાણ ઉભુ કરશે તો તેની સામે તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.