Abtak Media Google News

‘શિયાળ તાણે સીમ ભણી- કૂતરૂ તાણે ગામ ભણી’

ભારતના કૃષિ ક્ષેત્રમાં નાશવંત જણસ, વરસાદની અનિયમિતતા અને ખેડૂતોની અસ્થિર આવક જેવા મૂળભૂત નકારાત્મક પરિબળોને દૂર કરવા આવશ્યક

વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતને કૃષિપ્રધાન ગણવામાં આવે છે. અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટેનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે વિકાસની આવશ્યતા છે તેવા સંજોગોમાં સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રના સમૂળગા ફેરફાર માટે પ્રયાસો થઇ રહ્યા છે અને કૃષિસુધારાઓની કવાયત ચાલી રહી છે. ખેતસુધારા કાયદા થકી ઉત્પાદન નહી ઉત્પાદકતા અને આંતરમાળખાકીય સુવિધા દ્વારા ખેડૂતોને લાભ આપવાની દિશામાં સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. અત્યારે ભારતમાં કુલ વસ્તીના ૪૨% લોકો કૃષિક્ષેત્રે એક યા બીજી રીતે સંકળાયેલા છે અને કૃષિક્ષેત્રનો દેશના અર્થતંત્રમાં ૧૬%થી વધુ હિસ્સો ધરાવે છે તેવા સંજોગોમાં કૃષિક્ષેત્રને હજુ વધુ ચાર ગણો વધુ વિસ્તાર આપવા માટે કૃષિ કાયદાની આવશ્યકતા ઉભી થઇ છે.

કૃષિ કાયદાના માઘ્યમથી આ ક્ષેત્રમાં જાહેર રોકાણથી સિંચાઇ, ખાતરની સબસિડીની સરળતા થકી નવી હરિતક્રાંતિનું સર્જન થાય તેવી શક્યતા ઉભી થઇ છે. ૧૯૬૦માં હરિતક્રાંતિએ ભારતને વિશ્વનું સૌથી મોટુ બીજા નંબરનું ઘઉં, ચોખા, ફળ અને શાકભાજી ઉત્પન્ન કરાવતો દેશ બનાવ્યું હતું. અમેરિકા કરતા પણ દોઢ ગણુ વધુ ઉત્પાદન કરી ભારતે કુલ ઉત્પાદનમાં ત્રણ ગણું વિસ્તરણ કર્યુ હતું. આ ઉ૫લબ્ધી છતા ખેડૂતોને જોઇએ તેવો વિકાસનો લાભ મળતો નથી. ખેડૂતોને કુલ બજારના ૪૦ થી ૬૦% જેટલા જ ભાવ મળે છે. આરબીઆઇએ આ ભાગીદારી ૨૮% સુધી પહોંચાડવા માટે હિમાયત કરી હતી. મજૂર કાયદામાં સુધારા અને ખેડૂતોની આવક વધે તે માટે હિમાયત કરી હતી.

ભારતમાં ૭૫ હજાર કરોડ રૂપિયાની ખેડૂતોને આવકનો આધાર આપવા માટે ૧૦.૫૦ કરોડ ખડૂતોના ખાતામાં પૈસા જમા કરાવવાની યોજનાથી લઇને લઘુતમ ટેકાના ભાવોમાં ૬ થી ૧૧%નો વધારો કરવાના પગલાઓ ભર્યા છે.

નવા કૃષિ કાયદામાં આવશ્યક ધારામાંથી ખેતીની જણસને મુક્ત કરવાના નિર્ણયથી ખેડૂતોની આવક વધશે. સાથે-સાથે ખેત જણસોની જાળવણી અને નાશવંત જણસની ટકાવારીમાં ઘટાડો કરવા માટે આંતરમાળખાકીય સુવિધાઓ વધારી ખેડૂતોને ગોડાઉનની સુવિધા, કોલ્ડ સ્ટોરેજ અને નાશવંત ચીજો ખેડૂતોના ખડામાં પાકે તેનું પૂરેપૂરુ વળતર મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં સૈયાદ્રી એગ્રો કંપનીએ યુરોપની ટેસ્કો કંપની સાથે કરાર કરીને ૧૦ હજાર જેટલા દ્રાક્ષ, શાકભાજી અને ટમેટા વાવતા ખેડૂતોને કોન્ટ્રાક્ટથી જોડી લાભ મેળવ્યો હતો. ૨૦૨૦ના કૃષિ બિલથી માર્કેટિંગ યાર્ડ પર નિર્ભર ખેડૂતોને માલ ગમે ત્યાં વેંચવા આઝાદી મળી છે. કર્ણાટકમાં ખેડૂતોની આવકમાં આ પ્રથાથી ૫.૧%નો વધારાનો લાભ મળ્યો છે. સરકારે કૃષિ કાયદામાં જે જોગવાઇઓ કરી છે તેનાથી આવનારી કૃષિક્રાંતિથી જીડીપીમાં ૧%નો વધારો, રોજગારીમાં વૃદ્ધિ જેવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. ખેડૂતોને આ બિલથી ગેરલાભ થશે તેવી આશંકા સેવાઇ રહી છે પરંતુ કૃષિ સુધારાઓ કૃષિ ઉત્પાદનથી લઇને ખેડૂતો માટે આવકનો સાચો આધાર બની રહેશે.

કાયદો હટાવવો એ ‘જમ ઘર ભાળી જાય’ તેવી સરકારને દહેશત!

વિશ્વની બદલતી જતી આર્થિક વ્યવસ્થામાં ભારત વધુ બળવતર બને અને અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરિકલ ડોલરનું કદ પ્રાપ્ત કરે તે માટે થઇ રહેલા પ્રયાસોમાં કૃષિ ક્ષેત્રની આવક વધારવા માટે સરકારે શરૂ કરેલા પ્રયત્નોના ભાગરૂપે કૃષિ કાયદાની અનિવાર્યતા સામે ખેડૂત સંગઠનોએ આ કાયદાનો વિરોધ કર્યો છે. સરકાર મડાગાંઠ ઉકેલવા મહેનત કરી રહી છે પરંતુ ખેડૂત સંગઠનો હજુ કેટલાક મુદ્દે સમાધાન ન કરવા અડગ છે. ખેડૂતોએ કૃષિ કાયદાને પાછો ખેંચવાની વાત પર મક્કમતા દાખવી છે. અત્યારે પરિસ્થિતિ શિયાળ તાણે સિમ ભણી અને કૂતરૂ તાણે ગામ ભણી જેવી પરિસ્થિતિમાં સરકાર માટે આ કાયદો પાછો ખેંચવો અશક્ય છે. જો સરકાર કાયદો પાછો ખેંચી લે તો ‘ડોશી મરે એનો વાંધો નહિ પણ જમ ઘર ભાળી જાય’ જેવા વાંધા જેવી પરિસ્થિતિ સરકાર માટે હરગિઝ આવકાર્ય નથી. લઘુતમ ટેકાના ભાવોના બદલે ભાવબાંધણુ અને ત્રણેય કાયદા પાછા ખેંચવા મુદ્દે ખેડૂતો મક્કમ છે. સરકારે પરાળ સળગાવવાના દંડ અને વિદ્યુત અધિનિયમમાં ફેરફારની તૈયારી બતાવી છે પણ કાયદો પાછો ખેંચી લેવા માટે કરેલો ઇનકાર અત્યારે આ પ્રશ્ર્ને મડાગાંઠ સર્જનારો બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.