Abtak Media Google News

મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ બનાવશે સેટેલાઇટ અને શીખશે સેટેલાઇટ ડિઝાઇન, ડેવલોપ, મેન્યુફેક્ચર, ટેસ્ટ, લોન્ચ અને મોનીટરીંગ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઇન્ડિયન ટેકનોલોજી કોંગ્રેસ એસોસિએશન દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થી દ્વારા ડિઝાઇન કરી બનાવેલ 75 સ્ટુડન્ટ સેટેલાઇટ અવકાશમાં મોકલવાનો દૂરંદેશી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. જેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેનોના યુનાઇટેડ નેશન્સના 75મી જનરલ એસેમ્બલીના સંબોધનમાં નવેમ્બર-2021માં ન્યૂયોર્ક ખાતે કરી હતી. મારવાડી યુનિવર્સિટી આ મિશનના ભાગરૂપે ક્યુબ સેટેલાઇટ વિદ્યાર્થી દ્વારા ડિઝાઇન, ડેવલોપ, મેન્યુફેક્ચર અને ટેસ્ટ કરી તેને અવકાશમાં લોન્ચ અને મોનીટર કરશે. આ ક્યુબ સેટેલાઇટ ઇસરોની સહાયથી પીએસએલવી-એસએસએલવી રોકેટ દ્વારા પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (320-500 કીમી)માં તરતો મુકવામાં આવશે.

આ સેટેલાઇટ આબોહવા, પૃથ્વીનું અવલોકન, કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ડેટા મોકલી સહાયરૂપ બનશે. ઇન્ડિયન ટેકનોલોજી કોંગ્રેસ એસોસિએશનએ 75 સેટેલાઇટ્સનું નિર્માણ કરવાના ઉદ્ેશ્ય સાથે ‘75 સેટેલાઇટ્સ મિશન’ની જાહેરાત કરી છે જેની અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બનશે જે વિદ્યાર્થીઓને સ્પેસ સાયન્સ જેવા વિષયો માટે જરૂરી લેબોરેટરી એન્ડ આઇટીસીએની ટેકનોલોજી સહાય દ્વારા સેટેલાઇટ બનાવવો, ટેસ્ટ કરવો તથા લોન્ચ કરવા જેવા વિષયોનું પ્રાયોગિક જ્ઞાન આપશે. આ મિશન માટે નાની મોટી લેબ ઉપરાંત 2 સ્પેશ્યલાઇઝ્ડ લેબનું નિર્માણ કરવામાં આવશે. જેમાં એક સેટેલાઇટ લેબ હશે અને એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન હશે. આ બંને દ્વારા દરેક વિદ્યાર્થી સેટેલાઇટ વિશેનું જ્ઞાન સરળતાથી મેળવી શકાશે.

પ્રો. ડો.સંદીપ સંચેતી, પ્રોવોસ્ટ, (વાઇસ-ચાન્સેલર), મારવાડી યુનિવર્સિટી પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, આજ સુધી, સ્પેસને લગતી ટેકનોલોજી અને પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ પૂરતી મર્યાદિત હતી તથા મોટાભાગે સરકાર દ્વારા જ તેના માટે નાણાકીય ભંડોળ પુરૂં પાડવામાં આવતું હતું. આજે કોઇ પણ નાગરિક, જેવા કે શૈક્ષણિક સંસ્થાઓ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થી, ફેક્લટીને પણ સ્પેસ ટેકનોલોજીમાં સંશોધન અને પ્રદાન કરવાની તક મળી છે. ભવિષ્યમાં, આવા સ્પેસ મિશન પર્યાવરણની મુશ્કેલીઓ નિવારવા જેવા અગત્યના કામો તથા વિકાસને આગળ વધારવામાં વરદાનરૂપ સાબિત થશે. મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આવી સ્પેસ ટેકનોલોજીમાં શીખવાની તક ઉપલબ્ધ કરાવવાથી યુનિવર્સિટીમાં ખૂબ ઊંડા ટેકનોલોજી ક્લચર અને મલ્ટી ડિસિપ્લિનરી જ્ઞાનના આદાન પ્રદાન કરતું એક નવું જ અંતરિક્ષ ઉભું થશે.

ડો.એલ.વી.મુરલીકૃષ્ણ રેડ્ડી, પ્રમુખ આઇટીસીએ અને ડો.કે.ગોપાલકૃષ્ણન, સેક્રેટરી, આઇટીસીએ, એ આ મિશન માટે મારવાડી યુનિવર્સિટી સાથે એક એમઓયુ હસ્તાક્ષર કરાયા છે અને તેનો સંપૂર્ણ રીતે અમલીકરણ કરવાની સમજૂતી સધાઇ હતી. પ્રયોગશાળાઓ, સાધનો અને ઉદ્યોગ-વાતાવરણ ઉત્તમ શિક્ષણ માટે આવશ્યક છે. મારવાડી યુનિવર્સિટી જરૂરિયાતો અનુસાર અદ્યતન પ્રયોગશાળાઓ વિકસાવવાનું મહત્વ સમજે છે. અને આ મિશનને યોગ્ય ઠરાવવા, શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ લેબોરેટરી વિકસાવાશે. મારવાડી યુનિવર્સિટીની ઔગ્મેન્ટેડ રિયાલિટી લેબ અને વર્ચ્યુઅલ લેબ એક ઉદાહરણ છે કે જેની મદદથી વિદ્યાર્થીઓ મેટાવર્સ જેવી આધુનિક અને મુશ્કેલ ટેકનોલોજી સાથે પરિચિત થાય છે. ટેકનોલોજી-આધારિત જ્ઞાન તે આજના સમયની માંગ છે અને મારવાડી યુનિવર્સિટી આજની શૈક્ષણિક સંસ્થાઓ માટે એક ઉત્તમ દાખલો છે. મારવાડી યુનિવર્સિટી આવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રોજેક્ટનો ભાગ બનીને ખૂબ ઉત્સાહિત છે કે જેમાં અસંખ્ય તકોના દ્વાર ખોલવાની ક્ષમતા છે. વિદ્યાર્થીઓ માટે આ એક રોમાંચક અને વિકસતું ક્ષેત્ર છે જેમાં વિવિધ વેબિનાર, રોકેટરી ચેમ્પિયનશિપ, તથા ગ્લોબલ ઇવેન્ટ્સ સાથે ઇન્ટરનેશનલ એક્સપોઝર મેળવશે. જીતુભાઇ ચંદારાણા, કો ફાઉન્ડર અને વાઇસ પ્રેસિડેન્ટ મારવાડી યુનિવર્સિટી પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવે છે.

બે સ્પેશ્યલ લેબનું નિર્માણ કરાશે

ઇન્ડીયન ટેકનોલોજી કોંગ્રેસ એસોસિએશનએ 75 સેટેલાઇટ્સનું નિર્માણ કરવાના ઉદેશ સાથે 75 સેટેલાઇટ્સ મિશનની જાહેરાત કરી છે. જે અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બનશે. જે વિદ્યાર્થીઓને સ્પેસ સાયન્સ જેવા વિષયો માટે જરૂરી લેબોરેટરી એન્ડ આઇટીસીએની ટેકનોલોજી સહાય દ્વારા સેટેલાઇટ બનાવવો, ટેસ્ટ કરવો તથા લોન્ચ કરવા જેવા વિષયોની પ્રાયોગીક તાલીમ આપશે. આ માટે 2 સ્પેશ્યલ લેબનું નિર્માણ કરાશે. જેમાં દરેક વિદ્યાર્થીઓ સેટેલાઇટ વિશેનું જ્ઞાન સરળતાથી મેળવી શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.