Abtak Media Google News

અપક્ષ ઉમેદવારોને પ્રતિકની ફાળવણી: બેલેટ યુનિટ પેપર, પોસ્ટલ બેલેટ છપાવવા સહિતની કાર્યવાહી હાથ ધરતું જિલ્લા ચુંટણી તંત્ર

રાજકોટ લોકસભા બેઠકમાં ફોર્મ ચકાસણી બાદ ૧૬ ઉમેદવારો વઘ્યા હતા ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ પાંચ અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે. જેથી રાજકોટ લોકસભા બેઠક પર હવે ૧૧ ઉમેદવારો વઘ્યા છે. આ સાથે આજે અપક્ષ ઉમેદવારોને પ્રતિકની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. સાથે જિલ્લા ચુંટણી તંત્રએ બેલેટ યુનિટ પેપર, પોસ્ટલ બેલેટ છપાવવા સહિતની કાર્યવાહી પણ હાથધરી દીધી છે.

રાજકોટ લોકસભા બેઠક માટે ગત તા.૨૮ થી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શ‚ થઈ હતી. આ પ્રક્રિયા તા.૪ના રોજ પૂર્ણ થઈ હતી. આ દરમિયાન ૩૫ ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા હતા. તા.૫નાં રોજ ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૯ ઉમેદવારી પત્ર અમાન્ય ઠેરાવવામાં આવતા રાજકોટ લોકસભા બેઠકમાં કુલ ૧૬ ઉમેદવારો વઘ્યા હતા ત્યારે આજરોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં બપોરે ૨ વાગ્યા સુધીમાં અપક્ષ ઉમેદવારો રૈયાણી પ્રવિણભાઈ રાણાભાઈ, વિનોદ વાઘેલા, શેઠીયા ડાયાભાઈ ભનાભાઈ, સોલંકી રાજેશભાઈ અટીંગભાઈ અને ગર પ્રકાશભાઈ ખીમજીભાઈએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું છે. જેથી હવે રાજકોટ લોકસભા બેઠકમાં ૧૧ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

જેમાં ભાજપનાં મોહનભાઈ કુંડારીયા, કોંગ્રેસનાં લલિતભાઈ કગથરા, બસપાનાં વિજય પરમાર તેમજ અપક્ષ ઉમેદવારો અમરદાસ દેસાણી, ચિત્રોડા નાથાલાલ, જે.બી.ચૌહાણ, મનોજભાઈ ચૌહાણ, જસપાલસિંહ તોમર, પ્રવિણભાઈ દેગડા, જગદિશ મકવાણા અને રાકેશ પટેલનો સમાવેશ થાય છે.

આજરોજ ઉમેદવારોનું લીસ્ટ ફાઈનલ થઈ જતા જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા બપોરે ૩:૧૫ કલાકે પ્રતિક ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૯૮ મુકત પ્રતિક રાખવામાં આવ્યા હતા. અપક્ષ ઉમેદવારોએ પોત-પોતાના પ્રતિકની પસંદગી કરી હતી. આ સાથે ફાઈનલ ઉમેદવારોનું લીસ્ટ તૈયાર થતા જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા બેલેટ યુનિટ પેપર અને પોસ્ટલ બેલેટ છપાવવા સહિતની કાર્યવાહી હાથધરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ બેઠકમાં એક જ બેલેટ યુનિટ વપરાશે

ઈવીએમનાં બેલેટ યુનિટ ૧૫ ઉમેદવારોની મર્યાદા ધરાવે છે. ઉપરાંત ઈવીએમમાં એક બટન નોટાનું હોય છે. આમ જો ઉમેદવારોની સંખ્યા ૧૫થી વધે તો બેલેટ યુનિટ બે રાખવા પડતા હોય છે પરંતુ રાજકોટ લોકસભા બેઠકમાં ૧૬ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા ત્યારે બે બેલેટ યુનિટ રાખવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી પરંતુ પાંચ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લેતા હાલ ૧૧ ઉમેદવારો વઘ્યા છે. જેથી લોકસભાની ચુંટણીમાં રાજકોટ સંસદિય વિસ્તારનાં તમામ બુથમાં એક જ બેલેટ યુનિટ ઉપયોગમાં લેવામાં આવનાર છે.

 

રાજકોટ લોકસભા બેઠકની ચુંટણીનાં ઉમેદવારો

ક્રમ              નામ              પક્ષ

૧)       કગથરા લલીતભાઈ     કોંગ્રેસ

૨)       કુંડારીયા મોહનભાઈ     ભાજપ

૩)         વિજય પરમાર       બસપા

૪)        અમરદાસ દેસાણી      અપક્ષ

૫)        ચિત્રોડા નાથાલાલ      અપક્ષ

૬)          જે.બી. ચૌહાણ        અપક્ષ

૭)       ચૌહાણ મનોજભાઈ     અપક્ષ

૮)       જસપાલસિંહ તોમર     અપક્ષ

૯)        દેગડા પ્રવિણભાઈ      અપક્ષ

૧૦)      મકવાણા જગદિશ      અપક્ષ

૧૧)    રાકેશ પટેલ    અપક્ષ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.